(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: સ્થાનિક જથ્થાબંધ ધાતુ બજારમાં આજે સપ્તાહના અંતે એકંદરે કામકાજો છૂટાછવાયાં રહ્યાં હતા. તેમ છતાં વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સની મજબૂતી સાથે વિવિધ ધાતુઓના ભાવમાં નરમાઈતરફી વલણ રહેતું હોવાથી સ્થાનિકમાં ટીન, લીડ ઈન્ગોટ્સ, ઝિન્ક સ્લેબ, બ્રાસ યુટેન્સિલ્સ સ્ક્રેપ અને કોપરમાં સ્ટોકિસ્ટોની છૂટીછવાઈ વેચવાલી તેમ જ વધુ ભાવઘટાડાના આશાવાદે સાર્વત્રિક સ્તરેથી માગ નિરસ રહેતાં ભાવમાં કિલોદીઠ રૂ. ૨થી ૧૨ સુધીનો ઘટાડો જોવા મળ્યો હતો. જોકે, આજે એકમાત્ર નિકલમાં ઘટ્યા મથાળેથી સ્ટોકિસ્ટોની લેવાલીને ટેકે ભાવ કિલોદીઠ રૂ. ૩૩ વધી આવ્યા હતા, જ્યારે એલ્યુમિનિયમ અને બ્રાસ શીટ કટિંગ્સમાં ખપપૂરતી માગને ટેકે ભાવમાં ટકેલું વલણ રહ્યું હતું. બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં એકમાત્ર નિકલમાં ઘટ્યા મથાળેથી સ્ટોકિસ્ટોની નીકળેલી નવેસરથી લેવાલી ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો તથા સ્થાનિક ડીલરોની માગ જળવાઈ રહેતાં ભાવ કિલોદીઠ રૂ. ૩૩ના સુધારા સાથે રૂ. ૨૪૩૮ના મથાળે રહ્યા હતા.
આજે નિકલ સિવાયની વૈશ્ર્વિક નિરુત્સાહી અહેવાલે સ્ટોકિસ્ટોની છૂટીછવાઈ વેચવાલી તેમ જ વધુ ભાવઘટાડાના આશાવાદે ઔદ્યોગિક વપરાશકારો તથા સ્થાનિક ડીલરોની લેવાલી નિરસ રહેતાં જે ધાતુઓના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો તેમાં કિલોદીઠ ધોરણે ટીનના ભાવ રૂ. ૧૨ ઘટીને રૂ. ૨૦૬૮, લીડ ઈન્ગોટ્સના ભાવ રૂ. ૧૦ ઘટીને રૂ. ૧૯૫, કોપર વાયરબારના ભાવ રૂ. ૭ ઘટીને રૂ. ૭૪૩, ઝિન્ક સ્લેબના ભાવ રૂ. પાંચ ઘટીને રૂ. ૨૭૭, કોપર આર્મિચરના ભાવ રૂ. ૪ ઘટીને રૂ. ૬૪૬ કોપર કેબલ સ્ક્રેપ, કોપર સ્ક્રેપ હેવી અને કોપર યુટેન્સિલ્સ સ્ક્રેપના ભાવ રૂ. ૩ ઘટીને અનુક્રમે રૂ. ૬૭૬, રૂ. ૬૬૬ અને રૂ. ૬૦૫ તથા બ્રાસ શીટ કટિંગ્સના ભાવ રૂ. બે ઘટીને રૂ. ૫૦૩ના મથાળે રહ્યા હતા.
જોકે, આજે સાર્વત્રિક સ્તરેથી છૂટીછવાઈ માગ જળવાઈ રહેતાં બ્રાસ શીટ કટિંગ્સ, એલ્યુમિનિયમ યુટેન્સિલ્સ સ્ક્રેપ અને એલ્યુમિનિયમ ઈન્ગોટ્સના ભાવ અનુક્રમે કિલોદીઠ રૂ. ૪૬૩, રૂ. ૧૬૧ અને રૂ. ૨૨૨ના મથાળે ટકેલા રહ્યા હતા.