મુંબઈ: વૈશ્ર્વિક વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સની બેતરફી વધઘટ સાથે આજે લંડન મેટલ એક્સચેન્જ ખાતે વિવિધ ધાતુઓમાં મિશ્ર વલણ જોવા મળ્યું હોવાના નિર્દેશ સાથે સ્થાનિક જથ્થાબંધ ધાતુ બજારમાં પણ એકંદરે મિશ્ર વલણ જોવા મળ્યું હતું. જોકે, આજે મુખ્યત્વે ટીન અને નિકલમાં ઘટ્યા મથાળેથી સ્ટોકિસ્ટોની લેવાલી નીકળતાં ભાવમાં અનુક્રમે કિલોદીઠ રૂ. ૨૧ અને રૂ. ૧૮નું બાઉન્સબૅક જોવા મળ્યું હતું. આ સિવાય વપરાશકાર ઉદ્યોગની માગને ટેકે લીડ ઈન્ગોટ્સ અને કોપર આર્મિચરમાં અનુક્રમે કિલોદીઠ રૂ. ૩ અને રૂ. એકનો સુધારો જોવા મળ્યો હતો. તેની સામે ઝિન્ક સ્લેબ અને કોપર વાયરબારમાં નિરસ માગ રહેતાં ભાવમાં અનુક્રમે કિલોદીઠ રૂ. ૩ અને રૂ. ૨નો ઘટાડો આવ્યો હતો, જ્યારે અન્ય ધાતુઓમાં ટકેલું વલણ રહ્યું હતું.
ગઈકાલે સ્ટોકિસ્ટોની વેચવાલીના દબાણ હેઠળ ટીન અને નિકલના ભાવમાં નોંધપાત્ર ઘટાડો આવ્યા બાદ આજે નીચા મથાળેથી સ્ટોકિસ્ટોની લેવાલી ઉપરાંત વપરાશકાર ઉદ્યોગની માગને ટેકે ભાવ અનુક્રમે કિલોદીઠ રૂ. ૨૧ના બાઉન્સબૅક સાથે રૂ. ૨૧૬૩ અને રૂ. ૧૮ના બાઉન્સબૅક સાથે રૂ. ૨૫૬૩ના મથાળે રહ્યા હતા.
આ સિવાય વપરાશકાર ઉદ્યોગ તથા સ્થાનિક ડીલરોની માગને ટેકે લીડ ઈન્ગોટ્સના ભાવ કિલોદીઠ રૂ. ૩ વધીને રૂ. ૧૯૮ અને રૂ. એક વધીને રૂ. ૬૫૮ના મથાળે રહ્યા હતા. જોકે, આજે સાર્વત્રિક સ્તરેથી માગ નિરસ રહેતાં ઝિન્ક સ્લેબના ભાવ કિલોદીઠ રૂ. ૩ ઘટીને રૂ. ૨૭૨ અને કોપર વાયરબારના ભાવ કિલોદીઠ રૂ. બે ઘટીને રૂ. ૭૫૬ના મથાળે રહ્યા હતા.
જોકે, આજે ઉપરોક્ત સિવાયની અન્ય ધાતુઓ જેમ કે કોપરની અન્ય વેરાઈટીઓ, બ્રાસ અને એલ્યુમિનિયમમાં છૂટીછવાઈ માગ જળવાઈ રહેતાં ભાવમાં ટકેલું વલણ રહ્યું હતું.