(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ગઈકાલે વૈશ્ર્વિક વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈનું વલણ રહેતાં લંડન મેટલ એક્સચેન્જ ખાતે કોપર સહિતની અમુક ધાતુઓના ભાવમાં સુધારાતરફી વલણ રહ્યું હોવાના નિર્દેશો સાથે સ્થાનિક જથ્થાબંધ ધાતુ બજારમાં પણ ખાસ કરીને કોપરની અમુક વેરાઈટીઓ, બ્રાસ યુટેન્સિલ્સ સ્ક્રેપ અને ઝિન્ક સ્લેબમાં ઔદ્યોગિક વપરાશકારોની માગને ટેકે ભાવમાં ઘટ્યા મથાળેથી કિલોદીઠ રૂ. ૧થી ૩નો ધીમો સુધારો આવ્યો હતો, જ્યારે નિકલ, ટીન અને લીડ ઈન્ગોટ્સમાં સ્ટોકિસ્ટોની વેચવાલીનું દબાણ રહેતાં ભાવમાં અનુક્રમે કિલોદીઠ રૂ. ૨૦, રૂ. ૮ અને રૂ. પાંચનો ઘટાડો આવ્યો હતો અને અન્ય ધાતુઓમાં ટકેલું વલણ રહ્યું હતું.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં મુખ્યત્વે નિકલ, ટીન અને લીડ ઈન્ગોટ્સમાં સ્ટોકિસ્ટોની અવિરત વેચવાલીના દબાણ સામે ઔદ્યોગિક વપરાશકારો અને સ્થાનિક ડીલરોની માગ પણ ખપપૂરતી મર્યાદિત રહેતાં ભાવ અનુક્રમે કિલોદીઠ રૂ. ૨૦ ઘટીને રૂ. ૨૦૨૫, રૂ. ૮ ઘટીને રૂ. ૨૦૫૦ અને રૂ. પાંચ ઘટીને રૂ. ૧૯૦ના મથાળે રહ્યા હતા.
જોકે, આજે ઘટ્યા મથાળેથી સ્ટોકિસ્ટોની લેવાલી નીકળવા ઉપરાંત સાર્વત્રિક સ્તરેથી છૂટીછવાઈ માગ જળવાઈ રહેતાં કોપર આર્મિચરના ભાવ કિલોદીઠ રૂ. ૩ વધીને રૂ. ૭૨૫ અને કોપર કેબલ સ્ક્રેપ, કોપર સ્ક્રેપ હેવી, બ્રાસ યુટેન્સિલ્સ સ્ક્રેપ અને ઝિન્ક સ્લેબના ભાવ કિલોદીઠ રૂ. એક વધીને અનુક્રમે રૂ. ૭૪૮, રૂ. ૭૩૯, રૂ. ૪૭૮ અને રૂ. ૨૬૩ના મથાળે રહ્યા હતા.