અદાણીના શૅરોમાં યુએસ ફર્મ દ્વારા બે અબજ ડૉલરના રોકાણથી આખલો ભૂરાટો થયો
નિલેશ વાઘેલા
મુંબઇ: મંદીના એક લાંબા સમયગાળા પછી શેરબજારમાં એકાએક તેજીનો ઉછાળો આવતાં રોકાણકારો રાજીના રેડ થઇ ગયાં છે. શેરબજારના સેન્સેક્સે સત્ર દરમિયાન ૧૦૫૮ પોઇન્ટની છલાંગ લગાવીને અંતે ૯૦૦ પોઇન્ટનો ઉછાળો નોંધાવ્યો હોવાથી રોકાણકારોની સંપત્તિમાં રૂ. ૩.૪૩ લાખ કરોડનો ઉછાળો નોંધાયો છે. જ્યારે વિદેશી હૂંડિયામણ બજારમાં ડોલર સામે રૂપિયો ૬૩ પૈસાની મજબૂતી સાથે ૮૧.૯૭ની સપાટીએ પહોંચ્યો છે. બજારના સાધનો અનુસાર પહેલું મહત્ત્વનું કારણ વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઇઆઇ) દ્વારા ભારતીય શેરબજારમાં ફરી શરૂ થયેલી લેવાલીને ગણવામાં આવે છે. એક્સચેન્જ પાસેથી પ્રાપ્ત થયેલા ડેટા અનુસાર વિદેશી ફંડોએ ગુરુવારે ભારતીય શેરબજારમાં રૂ. ૧૨,૭૭૦.૮૧ કરોડની લેવાલી નોંધાવી હતી. બીજા તાત્કાલિક કારણોમાં અદાણી ઇફેકટ છે. યુએસ ઇન્વેસ્ટમેન્ટ ફર્મ જીક્યુજી પાર્ટનર્સ દ્વારા અદાણીના શેરોમાં કરવામાં આવેલા લગભગ બે અબજ ડોલરના ઇન્વેસ્ટમેન્ટને કારણે સેન્ટિમેન્ટમાં જબરો સુધારો આવ્યો છે. યુએસ બુટિક ઇન્વેસ્ટમેન્ટ ફર્મ જીક્યુજી પાર્ટનર્સ ઇન્કે અદાણી જૂથની ચાર કંપનીઓમાં ૧.૮૭ બિલિયન ડોલર (અંદાજે રૂ. ૧૫,૪૪૬ કરોડ)ના શેર ખરીદ્યા હોવાના અહેવાલો બાદ
અદાણીના તમામ શેરોમાં ઉછાળો આવ્યો હતો. સ્વભાવિક રીતે અદાણીના શેર પાછળ બેન્ક શેરોમાં પણ ઉછાળો આવતા બેન્ચમાર્કને વધુ ટેકો મળ્યો હતો. આ ઉપરાંત અન્ય કારણોમાં વિદેશી હૂંડિયામણ બજારમાં ડોલર સામે રૂપિયાની મજબૂતી, અમેરિકન બોન્ડની યિલ્ડમાં નોંધાયેલા ઘટાડા અને આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડાનો સમાવેશ છે.
એક તબક્કે સેન્સેક્સ ૫૮,૯૦૯.૩૫ પોઇન્ટની પાછલી સપાટી સામે ૫૯,૨૪૧.૨૦ પોઇન્ટની ઊંચી સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન ૧૦૫૮ પોઇન્ટના જંગી ઉછાળા સાથે ૫૯,૯૬૭.૦૪ પોઇન્ટની સપાટીને અથડાયા બાદ અંતે ૮૯૯.૬૨ પોઇન્ટ અથવા તો ૧.૫૩ ટકાના ઉછાળા સાથે ૫૯,૮૦૮ પોઇન્ટની સપાટીએ સ્થિર થયો છે.
આ ઉછાળા સાથે રોકાણકારોની સંપત્તિમાં રૂ. ૩.૪૩ લાખ કરોડનો ઉછાળો નોંધાયો હતો. બીએસઇનું માર્કેટ કેપ રૂ. ૨૬૩.૪૨ લાખ કરોડના સ્તરે પહોંચ્યું હતું. જે પાછલા સત્રમાં રૂ. ૨૫૯.૯૯ લાખ કરોડ હતું. એ જ રીતે, એનએસઇનો નિફ્ટી ઇન્ડેક્સ ૨૭૨.૪૫ પોઇન્ટ અથવા તો ૧.૫૭ ટકાના સુધારા સાથે ૧૭,૫૯૪.૩૫ પોઇન્ટની સપાટીએ પહોંચ્યો છે.
આ તરફ આંતરબેન્કિંગ વિદેશી હૂંડિયામણ બજારમાં અમેરિકન ચલણ સામે રૂપિયો ૬૩ પૈસાની મજબૂતી સાથે પ્રોવિઝનલ ધોરણે ૮૧.૯૭ની
એક મહિનાની ઊંચી સપાટીએ પહોંચ્યો છે. ફોરેક્સ ડીલરો જણાવે છે કે ઇક્વિટી માર્કેટમાં સુધરેલા સેન્ટિમેન્ટ સાથે ફોરેન ફંડ ફ્લોના વધવાને કારણે ભારતીય ચલણને મજબૂતી હાંસલ થઇ હતી. એ જ સાથે પોઝિટીવ સર્વિસ પીએમઆઇ ડેટાને કારણે પણ સેન્ટિમેન્ટને ટેકો મળ્યો હતો.
એક તરફ દેશનો વિકાસદર ધીમો પડી રહ્યો છે, જગતનું અર્થતંત્ર ફુગાવાના વધતા દબાણ અને ફેડરલ રિઝર્વ ફરી કોરડો વીંઝશે એવા ભયથી ફફડી રહ્યું છે, એવા સંજોગોમાં શેરબજારને લગભગ ૧૦૦૦ની છલાંગ માટે ક્યું કારણ મળી ગયું? આ સવાલના જવાબમાં બજારના અભ્યાસુઓએ જણાવ્યું હતું કે આ માટે એકથી વધુ કારણો એકત્ર થયા હતા.
બજારના સાધનો અનુસાર પહેલું મહત્ત્વનું કારણ વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઇઆઇ) દ્વારા ભારતીય શેરબજારમાં ફરી શરૂ થયેલી લેવાલીને ગણવામાં આવે છે. એક્સચેન્જ પાસેથી પ્રાપ્ત થયેલા ડેટા અનુસાર વિદેશી ફંડોએ ગુરૂવારે ભારતીય શેરબજારમાં રૂ. ૧૨,૭૭૦.૮૧ કરોડની લેવાલી નોંધાવી હતી.
બીજું તાત્કાલિક કારણોમાં અદાણી ઇફેકટ છે. યુએસ ઇન્વેસ્ટમેન્ટ ફર્મ જીક્યુજી પાર્ટનર્સ દ્વારા અદાણીના શેરોમાં કરવામાં આવેલા લગભગ બે અબજ ડોલરના ઇન્વેસ્ટમેન્ટને કારણે સેન્ટિમેન્ટમાં જબરો સુધારો આવ્યો છે. યુએસ બુટિક ઇન્વેસ્ટમેન્ટ ફર્મ જીક્યુજી પાર્ટનર્સ ઇન્ક દ્વારા અદાણી જૂથની ચાર કંપનીઓમાં ૧.૮૭ બિલિયન ડોલર (અંદાજે રૂ. ૧૫,૪૪૬ કરોડ)ના શેર ખરીદ્યા હોવાના અહેવાલો બાદ અદાણીના તમામ શેરોમાં ઉછાળો આવ્યો હતો.
સ્વભાવિક રીતે અદાણીના શેર પાછળ બેન્ક શેરોમાં પણ ઉછાળો આવતા બેન્ચમાર્કને વધુ ટેકો મળ્યો હતો. આ ઉપરાંત અન્ય કારણોમાં વિદેશી હૂંડિયામણ બજારમાં ડોલર સામે રૂપિયાની મજબૂતી, અમેરિકન બોન્ડની યિલ્ડમાં નોંધાયેલા ઘટાડા અને આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડાનો સમાવેશ છે.
બજારની આગામી ચાલ અંગે કોઇ સ્પષ્ટ સંકેત આપવાનું ટાળતા નિષ્ણાતોએ એવો મત વ્યક્ત કર્યો હતો કે બજારમાં જે આશાવાદ જોવા મળ્યો છે તે જોતાં લાગે છે કે શોર્ટ ટર્મમાં બજારમાં બાઉન્સ બેક જોવા મળશે. જોકે એ સાથે એવી ચિંતા પણ છે કે ગ્લોબલ ઇન્ટરેસ્ટ રેટ અને ઊંચા વેલ્યુએશન્સને કારણે મધ્યમ ગાળે બજારમાં વોલેટિલિટીમાં વધારો થઇ શકે છે.
એટલાન્ટા ફેડરલ રિઝર્વના પ્રેસિડેન્ટ રાફેલ બોસ્ટિકની ટિપ્પણીઓને પગલે વોલસ્ટ્રીટમાં સુધારો જોવા મળ્યો હતો. બોસ્ટિકે એવો સંકેત આપ્યો હતો, કે ફેડરલ વ્યાજદરનો વધારો થોડો વખત માટે સ્થગિત કરી શકે છે. ભારતીય ઇક્વિટી બજારો વોલ સ્ટ્રીટમાં રાતોરાતની તેજી અને અન્ય એશિયન શેરોના ઉછાળાને અનુસરે છે. ડાઉ જોન્સ ગુરૂવારે રાત્રે એક ટકો વધીને બંધ થયો હતો. અમેરિકાની ટ્રેઝરી યીલ્ડમાં નરમાઇ જોવા મળી હતી.
શુક્રવારે દલાલ સ્ટ્રીટ પર અદાણી ગ્રૂપના શેરોમાં સૌથી વધુ ઉછાળો જોવા મળ્યો હતો જેમાં નિફ્ટી સ્ટોક અદાણી એન્ટરપ્રાઈઝ ૧૭ ટકા વધીને બંધ રહ્યો હતો. છ સ્ટોક ૫ાંચ ટકાની અપર સર્કિટ લાગી હતી. દલાલ સ્ટ્રીટ પર બેન્ક શેરોમાં સૌથી વધુ ઉછાળો જોવા મળ્યો હતો.
નિફ્ટી બેન્ક ઇન્ડેક્સ બે ટકાથી વધુ, જ્યારે નિફ્ટી પીએસયુ બેંક ઇન્ડેક્સ ૫.૪ ટકા વધ્યો હતો. જિયોજીત ફાઇનાન્શિયલ સર્વિસિસના ચીફ ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજિસ્ટ ડો. વી કે વિજયકુમારે જણાવ્યું હતું કે, આ નાણાનો ઉપયોગ મુખ્યત્વે કરજ ચૂકવવા માટે થવાનો છે, જેનો અર્થ એ છે કે અદાણી કંપનીઓને ભંડોળ પૂરૂ પાડતી બેન્કોને કોઈ તણાવનો સામનો કરવો પડશે નહીં.
એ પણ નોંધવું રહ્યું કે ગુરૂવારના સત્રમાં પણ અદાણી પોર્ટના શેરમાં ત્રણેક ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. સુપ્રીમ કોર્ટે ગુરૂવારે હિંડનબર્ગ-અદાણી કેસમાં તપાસ કરવા માટે નિવૃત્ત ન્યાયમૂર્તિ એએમ સપ્રેના વડપણ હેઠળ નિષ્ણાતોના સમિતિની રચી હતી અને તેને બે મહિનામાં તપાસ પૂર્ણ કરવા જણાવાયું છે. આ સમાચાર બાદ સ્થાનિક શેરબજારમાં વેચવાલીના ભારે દબાણ વચ્ચે પણ ગુરૂવારે અદાણી ગ્રૂપ કંપનીઓમાંથી ચાર કંપનીઓમાં પાંચ ટકાની અપર સર્કિટ લાગી હતી. ગ્રૂપની અન્ય કંપનીઓના શેરોમાં એકથી ૫ાંચ ટકા સુધીની તેજી જોવા મળી હતી.