(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)

મુંબઇ: વિશ્ર્વબજારના સુધારા પાછળ સ્થાનિક શેરબજારમાં તેજીની આગેકૂચ જારી રહી છે. વિવિધ વિરોધાભાસી પરિબળો વચ્ચે સેન્સેક્સે સપ્તાહના પહેલા દિવસે નોંધાવેલો ૫૦૦ પોઇન્ટ જેટલો ઉછાળો અને નિફ્ટીએ ૧૭,૫૦૦ની વટાવેલી સપાટી રોકાણકારોને પ્રોત્સાહિત કરી રહી છે.
વિશ્ર્વબજારમાં મિશ્ર હવામાન અને વિરોધાભાસી આગાહીઓ છતાં ક્રૂડ ઓઇલના ઘટેલા ભાવ અને એફઆઇઆઇની નવેસરથી શરૂ થયેલી લેવાલીને કારણે સુધરેલા સેન્ટિમેન્ટ વચ્ચે બેન્ચમાર્કે આગેકૂચ ચાલુ રાખી હતી. સત્રને અંતે સેન્સેક્સ ૪૬૫.૧૪ પોઇન્ટ વધીને ૫૮,૮૫૩.૦૭ પોઇન્ટની અને નિફ્ટી ૧૨૭ પોઇન્ટ વધીને ૧૭,૫૨૫ પોઇન્ટની સપાટીએ પહોંચ્યો હતો.
ટેક્નિકલ એનાલિસ્ટ જણાવે છે કે નિફ્ટીએ ૧૭,૫૦૦ની મહત્ત્વની સપાટી પાર કરી લીધી છે અને હવે તે વધુ ૧૫૦થી ૨૦૦ પોઇન્ટ આગળ વધી શકે છે. જોકે, ફંડામેન્ટલ ધોરણે કેટલાક અવરોધો છે. અમેરિકાના મજબૂત જોબ ડેટામાં ફેડરલના વજદ વધારાનું બળ પણ સમાયેલું છે.
એ નોંધવું રહ્યું કે, ભારતીય શેરબજારે અનેક નકારાત્મક પરિબળો અને પછડાટોને માત કરીને તેજીનો તોર જાળવવામાં સફળતા મેળવી છે. પાંચમી ઓગસ્ટના રોજ પૂરા થયેલા સપ્તાહમાં ભારતીય બજાર એક ટકાથી વધુના વધારા સાથે બંધ થયા હતાં.

Google search engine