મુંબઈ: હિન્ડનબર્ગ રિસર્ચના અહેવાલ બાદ અદાણી જુથની કંપનીઓના શેરભાવમાં તાજેતરમાં આવેલી ભારે વેચવાલીને પરિણામે મૂડી ઊભી કરવાની જુથની ક્ષમતા નબળી પડશે એમ ક્રેડિટ રેટિંગ એજન્સી મૂડી’સે ચેતવણી ઉચ્ચારી છે જ્યારે અન્ય રેટિંગ એજન્સી ફીચે અદાણી માટેના પોતાના રેટિંગ્સ પર પોતે કોઈ તત્કાલ અસર જોતી નહીં હોવાનું જણાવ્યું હતું. ગયા સપ્તાહમાં આવેલા હિન્ડનબર્ગના રિપોર્ટમાં જુથના દેવાના સ્તર સામે સવાલો ઊભા કરાયા હતા અને જુથ દ્વારા ટેકસ હેવન્સનો લાભ લેવાયાના આક્ષેપ કરાયા હતા, જો કે આ દાવાઓને અદાણી જુથે નકારી કાઢી જુથ નાણાંકીય રીતે તંદૂરસ્ત હોવાનું સ્પષ્ટ કરી દીધું છે.
આ પ્રતિકૂળ ઘટનાક્રમોને કારણે આગામી ૧-૨ વર્ષમાં કરવાના રહેતા મૂડીખર્ચ અને પાકતા દેવાને રિફાઈનાન્સ કરવા મૂડી ઊભી કરવાની જુથની ક્ષમતા નબળી પડવા શકયતા છે.
સૂચિત મૂડીખર્ચમાંથી કેટલાક મૂડીખર્ચને મોકૂફ રાખી શકાય એવો છે અને જુથની રેટેડ કંપનીઓ માટે નાણાં વર્ષ ૨૦૨૫ સુધી મોટા દેવાની ચૂકવણી પાકતી નથી, તેેની અમે નોંધ લીધી હોવાનું મૂડી’સ દ્વારા એક નિવેદનમાં જણાવાયું હતું.
અદાણી પોર્ટસ અને સ્પેશિયલ ઈકોમોનિક ઝોન, અદાણી ગ્રીન એનર્જી અને અદાણી ટ્રાન્સમિશન માટેના રેટિંગ્સને પોતે બદલતી નહીં હોવાનું એજન્સીએ જણાવ્યું હતું.
બીજી બાજુ અન્ય રેટિંગ એજન્સી ફીચ રેટિંગ્સે જણાવ્યું હતું કે અદાણી જુથના કેશ ફલોના અંદાજમાં મોટો ફરક આવવાની પોતે અપેક્ષા રાખતી નથી.