(અમારા પ્રતિનિધિ તરફથી)
ભુજ: સરહદી જિલ્લા કચ્છમાં હજુપણ હાડ થીજાવતી ઠંડીનો અજગર ભરડો યથાવત્ રહેવા પામ્યો છે. જનજીવનને મૂર્છિત કરી રહેલી આ ઠંડીની તીવ્રતા એટલી બધી છે કે, કચ્છ સહિત સમગ્ર ગુજરાતના કેટલાક શહેરો વિશ્વના કેટલાક પ્રણાલિગત ઠંડા શહેરો કરતાં પણ વધુ ઠંડા બન્યાં છે.
આજે નલિયા ખાતે લઘુતમ તાપમાન ૪.૫ ડિગ્રી સેલ્સિયસ જેટલું રહેવા પામ્યું છે, તો ભુજ ખાતે પણ લઘુતમ તાપમાન ૯.૭ ડિગ્રી જેટલું રહેવા પામ્યું છે.
આજે કચ્છનું નલિયા પંજાબના લુધિયાણા, પટિયાલા અને રાજસ્થાનના બિકાનેર કરતાં પણ વધુ ઠંડુ રહેવા પામ્યું છે, જયારે વૈશ્ર્વિકરીતે જોઈએ તો નલિયા ઇરાકની રાજધાની બગદાદ, વાનકુંવર, વૉશિંગ્ટન ડીસી, રોમ, ચીનના સંઘાઈ અને ટોક્યો કરતાં પણ વધુ ઠંડુ રહેવા પામ્યું છે. તેવી જ રીતે ભુજની વાત કરીએ તો ભુજ અમૃતસર કરતાં ઠંડુ છે અને વૈશ્ર્વિકરીતે ન્યુ યોર્ક, ફિલાડેલ્ફિયા અને એડીસ અબાબા કરતાં પણ અહીં વધુ ઠંડી પડે છે.
જોકે, કચ્છ સિવાય રાજ્યના અન્ય ભાગોમાં હવે ઠંડીમાં આંશિક રાહત મળી રહી છે. હવામાં ભેજનું પ્રમાણ હવે ઘટી રહ્યું છે પણ મહત્તમ તાપમાન સામાન્ય કરતાં ૮થી ૧૦ ડિગ્રી સે. જેટલું નીચું હોઈ ઠંડીની તીવ્રતા વધુ અનુભવાઈ રહી છે.
કચ્છમાં દિવસ દરમ્યાન મહત્તમ તાપમાન ૨૩ ડિગ્રીથી ૨૬ ડિગ્રી જેટલું નીચું રહેવા પામ્યું છે અને ભુજમાં તો બપોરે ૧૨ વાગ્યે ૧૭ ડિગ્રી સે. જેટલું નીચું નોંધાયું છે. એકધારી પડી રહેલી ભારે ઠંડીને કારણે ચામડીના રોગોમાં વધારો થવા પામ્યો છે. એક તબીબ ડૉ. ઋત્વિજ અંજારિયાના જણાવ્યા પ્રમાણે ચામડી-પગની એડીઓ ફાટી જવી, દાદર ખરજવું જેવા રોગો વધ્યા છે. તેમણે આવી ઋતુમાં ચામડી પર કોપરેલ તેલની માલિશ કે અન્ય મોસ્ચ્યુરાઇઝરનો ઉપયોગ કરવા સૂચવ્યું છે.
ભારે ઠંડીના અવિરત રહેલાં મોજાંને કારણે લોકોને હવામાનની વિગતો જાણવામાં રસ પડી રહ્યો છે અને લોકો કચ્છમાં ઠંડીમાં રાહત ક્યારે વર્તાશે તે જાણવા અધીરા બન્યા છે.
દરમ્યાન, સતત પડી રહેલી ઠંડીને પગલે જાહેર માર્ગો પર ખૂબ ઓછા લોકો દેખાય છે અને કેટલાક સ્થળોએ ભરબપોરે તાપણાં કરતા લોકો નજરે પડે છે.
કચ્છ-ગુજરાતમાં તો હાલ ઠંડીનો મુદ્દો ટોક ઓફ ઘી ટાઉન બન્યો છે. ઉ
કચ્છમાં ઠંડી યથાવત્: નલિયા ૪.૫ જયારે ભુજ ૯.૭ ડિગ્રી લઘુતમ તાપમાન
RELATED ARTICLES