સુરતના હીરા ઉદ્યોગ માટે રાજ્ય ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ કરી મહત્વની જાહેરાત

આપણું ગુજરાત વેપાર વાણિજ્ય

Surat: સુરતના હીરા ઉદ્યોગ માટે રાજ્ય ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ મહત્વની જાહેરાત કરી છે. સુરત ડાયમંડ એસોસિએશન દ્વારા આયોજિત નેચરલ અને લેબગ્રોનના લુઝ ડાયમંડના એક્ઝિબિશનના ઉદ્દઘાટન પ્રસંગે રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવી હાજર રહ્યા હતા. ગૃહપ્રધાને જણાવ્યું હતું કે હીરા ઉદ્યોગના વેપારીઓ સાથે થતી ઠગાઈ રોકવા અને આરોપીઓ સામે ઝડપી કાર્યવાહી કરવા માટે SITની રચના કરાશે. આ પ્રસંગે કેન્દ્રીય પ્રધાન પુરુષોત્તમ રૂપાલા, ટેક્સટાઈલ અને રેલવેના રાજ્યકક્ષાના કેન્દ્રીય પ્રધાન દર્શના જરદોશ હાજર રહ્યા હતા. આ ઉપરાંત સુરતના અગ્રણી ઉદ્યોગપતિઓ હાજર રહ્યા હતા.


હાજર રહેલા હીરાના ઉદ્યોગપતિઓને સંબોધિત કરતા રાજ્ય ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે અમદાવાદમાં ટેક્સટાઈલ વેપારના સભ્યો માટે એક SIT બનાવવામાં આવી, જેમાં ઠગાઈનો ભોગ બનેલા 350 વેપારીમાંથી 57 ના રૂપિયા SIT દ્વારા પરત અપાયા હતાં. હવે ડાયમંડ ઉદ્યોગ સાથે થતી ચિટિંગ અટકાવવા માટે પણ એક SIT રચના કરાશે. 15-15 પોલીસની ટીમ બનાવાશે. પોલીસ કમિશનર અને ડાયમંડ એસોસિએશનની બેઠક બાદ પ્લાન તૈયાર કરાશે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે ટૂંક સમયમાં ડાયમંડ બુર્સ સંપૂર્ણપણે બનીને તૈયાર થઇ જશે. સુરતના ડાયમંડ બુર્સની ઓળખ માત્ર હીરા ઉદ્યોગ માટે જ નથી દુનિયાનું સૌથી મોટું ઓફિસ બિલ્ડિંગ હશે. ડાયમંડ બુર્સની પહેલી ઓફિસ શરૂ થાય તે પહેલા હાઈટેક પોલીસ સ્ટેશન શરૂ કરવામાં આવશે.


હાજર રહેલા કેન્દ્રીય પ્રધાન પુરૂષોત્તમ રૂપાલા એ જણાવ્યું હતું કે સુરતમાં અંતરરાષ્ટ્રીય કક્ષાનું એરપોર્ટ છે અને હવે વહેલી તકે ઈન્ટરનેશનલ ફ્લાઈટોમાં વધારો કરવામાં આવશે. સુરતમાં પણ જ્યારે ડાયમંડ બુર્સ બનાવાની વાત આવી ત્યારે તેને અટકાવવા પ્રયાસો કરાયા હતા. સુરતના વેપારીઓ અટક્યા વિના બુર્સનું નિર્માણ કર્યું.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.