Homeઆમચી મુંબઈમુંબઈના અર્થતંત્ર માટે રાજ્ય સરકારનો બૂસ્ટર ડોઝ

મુંબઈના અર્થતંત્ર માટે રાજ્ય સરકારનો બૂસ્ટર ડોઝ

વિપુલ વૈદ્ય

બીકેસી જેવા આઠ ઈકોનોમિક હબ તૈયાર કરવાની મહત્વાકાંક્ષી યોજના

મુંબઈ: મુંબઈ મહાનગર પ્રદેશ (એમએમઆર)માં બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સ જેવા આઠ આર્થિક વિકાસ કેન્દ્ર (ઈકોનોમિક હબ) તૈયાર કરવામાં આવશે અને તેમજ શિવડી ન્હાવા-શેવા પ્રોજેક્ટ પૂરો થયા બાદ આની આસપાસ મોટા પ્રમાણમાં વિકાસ કરવામાં આવશે. આ માધ્યમથી વધુમાં વધુ રોકાણો આકર્ષિત કરવાનો હેતુ રાખવામાં આવ્યો છે અને પાંચ વર્ષમાં ૨૫,૦૦૦ કરોડ ડોલરનું અર્થતંત્ર બનાવવાનું લક્ષ્યાંક રાખવામાં આવ્યું છે.
એમએમઆરડીએ દ્વારા આ સમગ્ર યોજના માટે અભ્યાસ કરવા માટે એક સલાહકારની નિયુક્તિ કરવામાં આવી છે અને ટૂંક સમયમાં તેનું ટેન્ડર બહાર પાડવામાં આવશે એવી માહિતી મુખ્ય પ્રધાનની કચેરી દ્વારા આપવામાં આવી રહી છે.
એમએમઆરડીએના માધ્યમથી મુંબઈ મહાનગર વિસ્તારમાં મૂળભૂત સુવિધાઓના વિકાસના કામ કરવામાં આવે છે, પરંતુ હવે એમએમઆરડીએનો ઉપયોગ આ વિસ્તારના આર્થિક વિકાસ માટે કરવાની યોજના ઘડવામાં આવી રહી છે. આગામી પાંચ વર્ષમાં એમએમઆરને ૨૫,૦૦૦ કરોડનું અર્થતંત્ર બનાવવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો હોવાનું એમએમઆરડીએના એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું.
કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે દેશને પાંચ ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બનાવવાનું લક્ષ્યાંક રાક્યું છે અને દેશના જીડીપીમાં મહારાષ્ટ્રનું યોગદાન ૧૪ ટકા જેટલું છે. આ બાબતને ધ્યાનમાં રાખવામાં આવે તો દેશને પાંચ ટ્રિલિયનનું અર્થતંત્ર બનાવવા માટે મહારાષ્ટ્રનું મહત્ત્વનું યોગદાન રહેશે. મહારાષ્ટ્રનો દેશના આંતરિક ઉત્પાદન (સ્ટેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ)માં એમએમઆરનો હિસ્સો ૪૦.૨૬ ટકા જેટલો છે. આથી દેશની અર્થવ્યવસ્થાને મજબૂત બનાવવા માટે આ એસડીપીને પચાસ ટકા પર લઈ જવાનું લક્ષ્યાંક રાખવામાં આવ્યું છે અને આમ એમએમઆરને ૨૫,૦૦૦ કરોડ ડોલરનું અર્થતંત્ર બનાવવાનું લક્ષ્ય થાય છે. આ લક્ષ્યાંક કેવી રીતે સાધ્ય કરી શકાય, તેને માટે કેવી યોજનાઓ ઘડવી પડશે વગેરે બાબતોનો ઊંડો અભ્યાસ કરવા માટે એક સલાહકારની નિયુક્તિ કરવાની જરૂર જણાઈ રહી છે અને તેથી આને માટે આંતરરાષ્ટ્રીય ટેન્ડર બહાર પાડવામાં આવશે. ઑક્ટોબર મહિનામાં એમએમઆરડીએની જે બેઠક થઈ હતી તેમાં સૈદ્ધાંતિક માન્યતા આપવામાં આવી હતી.
મુંબઈ અને નવી મુંબઈનું અંતર ઓછું કરવા માટે એમએમઆરડીએ દ્વારા શિવડી ન્હાવા-શેવા સી લિંક પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવી રહ્યો છે. આ પ્રોજેક્ટ પૂરો થયા બાદ તેની આસપાસના વિસ્તારોમાં ડેવલપમેન્ટ ઝોન તૈયાર કરવાની યોજના પણ ઘડવામાં આવી છે. જેવી રીતે આ ડેવલપમેન્ટ ઝોન તૈયાર થઈ રહ્યા છે તે જ આધારે બીકેસી જેવા બીજા આઠ આર્થિક વિકાસ કેન્દ્રો તૈયાર કરવાનો પ્રયાસ એમએમઆરડીએનો છે. આની સાથે બીજા ક્યા પ્રોજેક્ટ કરી શકાય તેની બ્લ્યુ પ્રિન્ટ તૈયાર કરવાની જવાબદારી સલાહકારની રહેશે, એમ પણ આ અધિકારીએ જણાવ્યું હતું.

RELATED ARTICLES

Most Popular