મુંબઈઃ મુંબઈ મહાનગર પાલિકા (BMC)ની 236 બેઠકમાંથી ઘટાડીને 227 કરવા મુદ્દેની અરજીની સુનાવણી વખતે બોમ્બે હાઈ કોર્ટે રાજ્ય સરકારને સવાલ કર્યો હતો કે પાલિકાના વોર્ડ પુનર્ગઠનના કામકાજને તાત્કાલિક રોકવામાં આવશે? આ મુદ્દે રાજ્ય સરકારે વોર્ડના પુનર્ગઠનના કામકાજને તાત્કાલિક રોકવામાં આવ્યું હોવાની માહિતી હાઈ કોર્ટને આપી હતી.
શિવસેનાના ઉદ્વવ ઠાકરે ગ્રૂપના નગરસેવક રાજુ પેડણેકરની અરજીની સુનાવણી હાથ ધરવામાં આવી હતી. અગાઉ રાજ્ય સરકારના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો, પરંતુ સુપ્રીમ કોર્ટે આ કેસ બોમ્બે હાઈ કોર્ટમાં લઈ જવાનો નિર્દેશ આપ્યો હતો. આ કેસની સુનાવણી દરમિયાન હાઈ કોર્ટે પૂછ્યું હતું કે તમે વોર્ડના પુનર્ગઠનનું કામકાજ તાત્કાલિક રોકશો. આ મુદ્દે રાજ્ય સરકારે આજે અઢી વાગ્યે તેનો જવાબ દાખલ કર્યો હતો, જેમાં વોર્ડના સીમાંકનની પ્રક્રિયાને તાત્કાલિક રોકવાની જાણકારી હાઈ કોર્ટને આપી હતી અને આ કેસની આગામી સુનાવણી 20મી ડિસેમ્બરના હાથ ધરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રની તત્કાલીન મહાવિકાસ આઘાડી (એમવીએ)ની સરકારે મુંબઈ પાલિકાની નવ બેઠક વધારીને કુલ સંખ્યા 236 કરી હતી, પરંતુ રાજ્યમાં સત્તાના પરિવર્તન પછી વર્તમાન સરકારે એ નિર્ણયને ઉથલાવીને 227 વોર્ડની ચૂંટણી કરવાનો આદેશ જાહેર કર્યો હતો.
મનપાના વોર્ડ પુનર્ગઠનનું કામકાજ રોક્યુંઃ હાઈ કોર્ટને રાજ્ય સરકારે જણાવ્યું
RELATED ARTICLES