Homeઆમચી મુંબઈરાજ્ય સરકારની માલિકીની વીજ કંપનીના કર્મચારીઓ ૭૨ કલાકની હડતાળ પર

રાજ્ય સરકારની માલિકીની વીજ કંપનીના કર્મચારીઓ ૭૨ કલાકની હડતાળ પર

મુંબઈ: રાજ્ય સરકારની માલિકીની ત્રણ વીજ કંપનીના કર્મચારીઓએ ચોથી જાન્યુઆરીથી ૭૨ કલાકની હડતાળ પર જવાનું એલાન કર્યું છે. વીજ કંપનીઓના ખાનગીકરણના વિરોધમાં બુધવારથી આ હડતાળનું એલાન કરવામાં આવ્યું છે. મહારાષ્ટ્ર રાજ્ય કર્મચારી, અધિકારી અને અભિયંતા સંઘર્ષ સમિતિ દ્વારા આ હડતાળનું એલાન કરવામાં આવ્યું છે. આ સંસ્થા વીજ કંપનીના કર્મચારી યુનિયનની એક્શન સમિતિ છે. મહારાષ્ટ્ર સ્ટેટ ઈલેક્ટ્રિસિટી વર્કર્સ ફેડરેશનના જનરલ સેક્રેટરી ક્રુશાન ભોઈરે કહ્યું હતું કે રાજ્ય સરકાર સંચાલિત વીજ કંપનીના
ડ્રાઈવર, વાયરમેન, એન્જિનિયર અને અન્ય કર્મચારીઓ સહિત ૩૦થી વધુ યુનિયનો ખાનગીકરણના વિરોધમાં હડતાળમાં જોડાયા છે.
મહારાષ્ટ્ર સ્ટેટ ઈલેક્ટ્રિસિટી ડિસ્ટ્રિબ્યુશન કંપની (મહાવિતરણ), મહારાષ્ટ્ર સ્ટેટ ઈલેક્ટ્રિસિટી ટ્રાન્સમિશન કંપની (મહાટ્રાન્સકો) અને મહારાષ્ટ્ર સ્ટેટ ઈલેક્ટ્રિસિટી જનરેશન કંપની (મહાજેન્કો) આ ત્રણેય રાજ્યસરકાર સંચાલિત વીજ કંપની છે.
આ ત્રણેય કંપનીના કર્મચારીઓ કથિત ખાનગીકરણના વિરોધમાં આંદોલન કરી રહ્યા છે. સોમવારે અંદાજે ૧૫,૦૦૦ કર્મચારીઓએ થાણે કલેક્ટરની કચેરી સામે દેખાવો કર્યા હતા. બુધવારે રાજ્યના ૪૨,૦૦૦ કૉન્ટ્રેક્ટ કર્મચારીઓની સાથે કુલ ૮૬,૦૦૦ કર્મચારીઓ, અધિકારીઓ અને એન્જિનિયરો ૭૨ કલાકની હડતાળ પર જશે.
હડતાળીયા કર્મચારીઓની સૌથી મોટી માગણી છે કે અદાણી જૂથની કંપનીને પૂર્વ મુંબઈના ભાંડુપ, થાણે અને નવી મુંબઈના વિસ્તારોમાં સમાંતર વીજ વિતરણના અધિકારો ન આપવા જોઈએ.
અહીં ઉલ્લેખનીય છે કે ગયા વર્ષના નવેમ્બર મહિનામાં અદાણી જૂથની કંપનીએ વીજ વિતરણ વ્યવસાયનો વ્યાપ વધારવા માટે લાઈસન્સ માગ્યું હતું. અદાણી ઈલેક્ટ્રિસિટી નવી મુંબઈ લિ. નામની કંપનીના નામે આ લાઈસન્સ માગવામાં આવ્યું હતું અને મહારાષ્ટ્ર ઈલેક્ટ્રિસીટી રેગ્યુલેટરી ઓથોરિટી સમક્ષ અરજી કરવામાં આવી હતી. આ લાઈસન્સમાં ભાંડુપ, મુલુંડ, થાણે, નવી મુંબઈ, પનવેલ, તળોજા અને ઉરણ વિસ્તારોમાં વીજ વિતરણ માટેની પરવાનગી મગાઈ હતી.
આ આંદોલન આર્થિક માગણીઓ માટે નથી કરવામાં આવી. અમારે રાજ્ય સરકાર દ્વારા સંચાલિત વીજ કંપનીઓને જિવિત રાખવી છે. આ ખાનગી મૂડીવાદીઓ નફો કરવા માટે સરકારી કંપનીઓને ખરીદી રહ્યા છે, એમ ભોઈરે કહ્યું હતું.
રાજ્યસરકારને ગયા મહિને આપવામાં આવેલી હડતાળની નોટિસમાં એવી પણ ચેતવણી ઉચ્ચારવામાં આવી છે કે તેમની માગણી સંતોષવામાં નહીં આવે તો ૧૮ જાન્યુઆરીથી બેમુદત હડતાળ કરવામાં આવશે.
બીજી તરફ મહાવિતરણના સ્વતંત્ર ડિરેક્ટર વિશ્ર્વાસ પાઠકે કહ્યું હતું કે બે ખાનગી કંપનીઓએ રાજ્યમાં સમાંતર વીજ વિતરણ માટે અરજી કરી છે, પરંતુ આ ખાનગીકરણ નથી.
સમાંતર વીજ વિતરણનું લાઈસન્સ આપવું એ ખાનગીકરણ નથી. સરકાર મહાવિતરણની માલિકી ધરાવે છે અને તેમાં રાજ્ય સરકારનો હિસ્સો ૧૦૦ ટકા છે. આના પર કોઈ અસર થવાની નથી, એમ પાઠકે કહ્યું હતું.
તેમણે એમ પણ કહ્યું હતું કે ઈલેક્ટ્રિસિટી એક્ટ ૨૦૦૩ અને ૨૦૧૦માં વીજ વિતરણ માટે સમાંતર લાઈસન્સ આપવાની જોગવાઈ કરવામાં આવી છે. આને માટે કોઈપણ ખાનગી વીજ વિતરણ કંપની લાઈસન્સ મેળવવા માટે અરજી કરી શકે છે.
લાઈસન્સ આપવાનું કામ એમઈઆરસીનું છે. રાજ્ય સરકારને આખી પ્રક્રિયામાં કોઈ ભૂમિકા ભજવવાની રહેતી નથી. આથી મારી વીજ કર્મચારીઓને અપીલ છે કે તેમણે તરત જ પોતાની હડતાળ પાછી ખેંચી લેવી.
——
મહાવિતરણે બનાવ્યો વિશેષ ક્ધટ્રોલ રૂમ
વીજ કંપનીના કર્મચારી-અધિકારીઓની ૭૨ કલાકની હડતાળને ધ્યાનમાં લેતાં મહાવિતરણે મધરાતથી વિશેષ ક્ધટ્રોલરૂમ કાર્યરત કર્યા છે. ગ્રાહકોને અખંડિત વીજ પુરવઠો મળી રહે તે માટે કલ્યાણ ડિવિઝનમાં આ ક્ધટ્રોલ રૂમ બનાવવામાં આવ્યો છે. આ ક્ધટ્રોલ રૂમ કલ્યાણ ઝોન હેઠળ આવતા વિસ્તારો માટે છે. કલ્યાણ ડિવિઝન હેઠળ વસઈ અને પાલઘર જિલ્લામાં પણ વીજ પુરવઠો કરવામાં આવે છે. આ ઉપરાંત મહાવિતરણ દ્વારા જે કર્મચારીઓ હડતાળ પર નથી તેમનો, કૉન્ટ્રેક્ટ પર કામ કરનારા કર્મચારીઓ અને નિવૃત્ત કર્મચારીઓની મદદ લેવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular