લોકોને ખોટા સપનાં દેખાડવામાં આવ્યાં છે: સામનામાં ટીકા
મુંબઈ: શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે)એ મહારાષ્ટ્રના ૨૦૨૩ – ૨૪ના નાણાકીય વર્ષના બજેટની સરખામણી ગાજરના હલવા સાથે કરી ચૂંટણીના વર્ષમાં જનતાને લહાણી કરી ખોટા સપનાં દેખાડવાનો આક્ષેપ એકનાથ શિંદે – ભારતીય જનતા પક્ષની યુતિ સરકાર પર કર્યો છે. પક્ષના મુખપત્ર ‘સામના’માં શિવસેના દ્વારા જણાવવામાં આવ્યું છે કે ગુરુવારે વિધાનસભામાં બજેટ રજૂ કરનાર નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે અનેક આશ્ર્વાસનનો વરસાદ વરસાવ્યો પણ આ અઠવાડિયાના પ્રારંભમાં કમોસમી વરસાદને કારણે નુકસાન ભોગવનાર ખેડૂતોને વળતર આપવાની જાહેરાત કરવાની ઉદારતા નથી દેખાડી.
નાયબ મુખ્ય પ્રધાન ઉપરાંત રાજ્યના નાણાં પ્રધાનની જવાબદારી સંભાળતા ફડણવીસે પોતાના પ્રથમ બજેટમાં ખેડૂતોને ૬૦૦૦ રૂપિયાની મદદ અને ૧ રૂપિયામાં પાકનો વીમો જેવી સવલતોની કરેલી જાહેરાત ઉપરાંત કામ કરતી મહિલાને પ્રોફેશનલ ટેક્સમાં રાહત, રાજ્ય સંચાલિત બસ સર્વિસના ટિકિટ દરમાં મહિલાઓને ૫૦ ટકા છૂટ તેમ જ બાળકી માટે નવી યોજના જેવી રાહતો માટે જોગવાઈ કરી છે. નોંધનીય છે કે મુંબઈ મહાનગરપાલિકા સહિત રાજ્યના અનેક નાગરી સંસ્થામાં ચૂંટણી થવાની છે. રાજ્યની વિધાનસભાની ચૂંટણી ૨૦૨૪ના ઓક્ટોબરમાં થવાની છે. પક્ષના કહેવા અનુસાર ‘બજેટમાં ગાજરના હલવા જેવી જાહેરાતો
કરી લોકોને ગેરમાર્ગે દોરવામાં
આવ્યા છે.’ (પીટીઆઈ)