મુંબઈઃ રાજ્યના આરોગ્ય ખાતાના ભૂતપૂર્વ પ્રધાન ડો. દીપક સાવંતની ગાડીને અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતમાં સાવંતને પીઠમાં અને ગરદન પર ઈજા પહોંચી છે અને તેઓ અંધેરી ખાતે હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે, આ અકસ્માત અંગે જાત-જાતની શંકાઓ વ્યક્ત કરાઈ રહી છે.
સાવંત સવારે કાશિમીરાથી પાલઘરની દિશામાં જઈ રહ્યા હતા એ સમયે પાછળથી આવેલા ડંપરે તેમની કારને ટક્કર મારી હતી. આ ટક્કર એટલી જોરદાર હતી કે કારની પાછળનો ભાગ ડેમેજ થઈ ગયો છે. અકસ્માત થતાં જ આસપાસના લોકોએ તાત્કાલિક મદદ કરીને સાવંતને અંધેરી ખાતેની હોસ્પિટલમાં સારવાર માટે રવાના કર્યા હતા.
બીજી બાજુ એક્સિડન્ટ કઈ રીતે થયો હતો એ બાબતની માહિતી ના મળી રહી હોય તો પણ પાછળથી વાગેલી ટક્કરને કારણે આ અકસ્માત બાબતે શંકા વ્યક્ત કરાઈ રહી છે. અકસ્માતમાં સાવંતની પીઠ અને ગરદન પર ઈજા થઈ રહી છે, અને પ્રાઈવેટ હોસ્પિટલમાં તેઓ સારવાર લઈ રહ્યા છે.
છેલ્લાં કેટલાય દિવસથી લોકપ્રતિનિધિઓના વાહનોને અકસ્માત થવાના પ્રમાણમાં વધારો જોવા મળી રહ્યો છે. આ પહેલાં ભૂતપૂર્વ પ્રધાન ધનંજય મુંડે, વિધાન સભ્ય જયકુમાર ગોરે, યોગેશ કદમ, બાળાસાહેબ થોરાતની ગાડીને અકસ્માત નડ્યા હતા. જ્યારે વિનાયક મેટેનું એક્સિડન્ટમાં જ મૃત્યુ થઈ ગયું હતું. એ ઘટનાને ધ્યાનમાં લઈને રાતના સમયે પ્રવાસ કરવાનું ટાળવું જોઈએ એવું આહ્વાન વિરોધપક્ષના નેતા અજિત પવારે સભાગૃહમાં કર્યું હતું.