સ્ટાર્ટર – સ્વીટ ડિશ – ખટમીઠી ચટણી

મેટિની

‘આપ કી આંખોં મેં કુછ મહેકે હુએ સે રાઝ હૈ’ ગુલઝારના મખમલી શબ્દો, રાહુલ દેવ બર્મનનું કાનમાં ઝાંઝર વગાડતું સ્વરાંકન જો કઢાયેલું દૂધ જેવું મધુરમ છે તો ગીતની શરૂઆતમાં અને વચ્ચે વચ્ચે રણકતું ગિટાર એ કેસરના તાંતણા છે જેના સ્પર્શથી રચના હૃદય સિંહાસન પર ઠાઠથી બિરાજમાન થાય છે. આરડીનાં અનેક સ્વરાંકન વિશિષ્ટ ધ્વનિને કારણે અનોખાં બન્યાં છે અને એમાં ગિટારિસ્ટ ભૂપિન્દરનો ફાળો નાનોસૂનો નથી. આરડીના સ્વરાંકનમાં ભૂપિન્દરની ગિટારની ગૂંથણી એવી આહ્લાદક છે કે ‘ઘી વિના લૂખો કંસાર’ જેવું લાગે. ગિટારની હાજરી ક્યારેક સ્ટાર્ટર જેવી છે તો ક્યાંક સ્વીટ ડિશની ગરજ સારે છે તો ખટમીઠી ચટણી જેવી હાજરી પણ અમુક ઠેકાણે છે.
સંગીતની સમજણ, એના માટે પ્રીતિ ઉપરાંત કેટલાક લોકોમાં એના માટે ગાંડપણ સુધ્ધાં હોય છે. રાહુલ દેવ બર્મનમાં મ્યુઝિક માટે જે ઘેલછા, જે સ્પોન્ટેનિટી (સ્વયંસ્ફૂર્તતા) હતાં લગભગ એવા જ ગુણ ભૂપિન્દરમાં પણ હતા. એટલે જ કદાચ અનાયાસે થયેલી મુલાકાત દોસ્તીમાં પરિણમી અને આરડીનું ૧૯૯૪માં અવસાન થયું ત્યાં સુધી મજબૂત તાંતણે બંધાયેલી રહી. ગિટાર પર ભૂપિન્દરની હથોટીથી પ્રભાવિત થયેલા આરડીએ ગીતના સ્વરાંકનમાં ભૂપિન્દરને શ્રેષ્ઠ લાગે એ રીતે ગિટાર વગાડવા છુટ્ટો દોર આપ્યો અને આ જોડીએ એવો જાદુ પાથર્યો કે જે આજની તારીખમાં પણ ભાવકને રસતરબોળ કરી દે છે. સ્ટાર્ટર હોય કે સ્વીટ ડિશ કે પછી ખટમીઠી ચટણી જેવી ગિટારની હાજરીને કારણે કાનને જીભ બની જતાં વાર નથી લાગતી. આરડીના કંપોઝિશનમાં ભૂપિન્દરની ગિટારના મખમલી સ્પર્શની મજા માણવી હોય તો આ ગીત જરૂર સાંભળજો. બધાં ગીત યુટ્યુબ પર ઉપલબ્ધ છે. ૧) પ્યાર હુઆ હૈ જબસે મુઝકો નહીં ચૈન આતા – અભિલાષા, ૨) આપ કી આંખોં મેં કુછ મહેકે હુએ સે ખ્વાબ હૈ – ઘર, ૩) નહીં નહીં અભી નહીં, અભી કરો ઇન્તઝાર – જવાની દિવાની, ૪) ચલા જાતા હૂં કિસી કી ધૂન મેં – મેરે જીવન સાથી, ૫) પ્યાર હમે કિસ મોડ પે લે આયા – સત્તે પે સત્તા, ૬) આજ કી રાત કોઈ આને કો હૈ રે બાબા – અનામિકા, ૭) ચુરા લિયા હૈ તુમને જો દિલ કો – યાદોં કી બારાત, ૮) ચાંદ મેરા દિલ – હમ કિસીસે કમ નહીં, ૯) દમ મારો દમ – હરે રામ હરે કૃષ્ણ, ૧૦) લેકર હમ દીવાના દિલ – યાદોં કી બારાત, ૧૧) ચંદા ઓ ચંદા – લાખોં મેં એક, ૧૨) ઈક દિન બિક જાએગા માટી કે મોલ – ધરમ કરમ.
‘દમ મારો દમ’ કે પછી ‘ચુરા લિયા હૈ તુમને જો દિલ કો’ અથવા ‘મેહબૂબા મેહબૂબા’ અને ‘આનેવાલા પલ જાનેવાલા હૈ’ સહિત કેટલાંક ગીતમાં ભૂપિન્દરનું ગિટાર ગીતને અલગ સપાટી પર લઈ જાય છે. જોકે ગુલઝારના ‘ઘર’ના ‘આપ કી આંખોં મેં કુછ મહેકે હુએ સે ખ્વાબ હૈ’ની વાત જ ન્યારી છે. આ ગીતના શબ્દોમાં, એના સ્વરાંકનમાં અને એની ગાયકીમાં પ્રેમ છલોછલ છે. ગઈ કાલે, આજે કે આવતી કાલે પણ આ ગીત રોમેન્સના હસ્તાક્ષર જેવું છે. આ ગીત જોઈ દરેક પુરુષને પોતે વિનોદ મેહરા હોય અને પત્ની રેખા જેવી પ્રેમાલાપમાં તરબોળ થઈ જાય એવી હોય કે દરેક ીને પોતે રેખા હોય અને પતિ વિનોદ મેહરા જેવો પ્રેમાલાપ કરતો હોય એવી લાગણી થયા વિના રહે નહીં અને એમાં ગીતની શરૂઆતમાં જ ભૂપિન્દરનું ગિટાર એવો સમા બાંધી દે છે કે ચોમાસા વિના તમે આખેઆખા ભીંજાઈ જાઓ. જોઈ-સાંભળીને ખાતરી કરી લેજો અને રૂંવાડાંમાં રોમેન્સ વણાઈ જાય તો એક હાથે ભૂપિન્દર સિંહને સલામ પણ મારજો. સ્વર્ગમાં પણ એ મલકાઈ ઊઠશે અને કદાચ ગાશે કે ‘મેરી ગિટાર હી પેહચાન હૈ, ગર યાદ રહે.’

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.