બ્રહ્માંડ દર્શન -ડૉ. જે. જે. રાવલ
ઈસુ પૂર્વેના સાતમા વર્ષે ગુરુ-શનિની પ્રથમ યુતિ મે મહિનામાં થઈ હતી તેની બીજી યુતિ ઑક્ટોબર મહિનામાં થઈ હતી અને તેની ત્રીજી યુતિ ડિસેમ્બર મહિનામાં થઈ હતી માટે પ્રથમ યુતિના દર્શન કરી, તે ત્રણ જ્યોતિષી ખ્રિસ્તી ધર્મગુરૂઓ કદાચ આ ગ્રહોની બીજી યુતિઓનું નિરીક્ષણ કરવા તેમના ગામથી નીકળી પડયા હોય અને તે જ વર્ષના ડિસેમ્બર મહિનામાં તેમણે જેરુસલામની નજીક બૅથલ્હેમના આકાશમાં પરોઢિયે આ યુતિના ફરીવાર દર્શન કર્યા હોય.
બીજી પણ ખગોળીય ઘટના તે સમયે બની હતી પણ એ બૅથલ્હેમનો તારો બનવા લાયક ન હતી. આમ બૅથલ્હેમનો તારો તે ગુરુ-શનિની યુતિ હોવાનો સંભવ વધારે છે.
એમ પણ બન્યું હોય કે તે વખતે કોઈ અતિપ્રકાશિત તારો ન પણ દેખાયો હોય અને સેન્ટ મેથ્યુએ મસીહા ઈસુના જન્મને બિરદાવવા આવી વાત રૂપકરૂપે રજૂ કરી હોય ઘડી કાઢી હોય.
આમ ઈસુના જન્મ વખતે બૅથલ્હેમના આકાશમાં દેખાયેલો પ્રકાશિત તારો ખરેખર કઈ ખગોળીય ઘટના હતી, તે એક કોયડો છે. બૅથલ્હેમનો તારો ખરેખર શું હતો, તે જાણવા પ્રયત્નો થયા છે, અને હજુ પણ થાય છે. ખગોળ વિજ્ઞાનીઓ આ ઘટનાનો તાગ મેળવવા ભૂતકાળ ફંફોસવા પ્રયત્ન કરે છે. કોઈ વળી પ્લેનેટેરીયમ પ્રોજેક્ટને ૨૦૦૦ વર્ષ ભૂતકાળમાં લઈ જઈ આ ઘટના શું હતી તે જાણવા પ્રયત્ન કરે છે.
આકાશના તારા ભૂતકાળને પણ તેની સોડમાં લઈને બેઠા છે. આપણા લોકમાન્ય તિલકે તારાની મદદથી મહાભારતનું યુદ્ધ ક્યારે થયું હતું (આજથી ૫૦૦૦ વર્ષ પહેલાં) તેની ભાળ કાઢી છે અને વેદો ક્યારે લખાયા (આજથી ૬૫૦૦ વર્ષ પહેલાં) તેની પણ ભાળ કાઢી છે. તેથી તેની પણ આગળ વધારે અભ્યાસ કરીને ખબર પડી કે ભારતીય કેલેન્ડર અદિતી કેલેન્ડર આજથી ૮૦૦૦ વર્ષ પહેલાં શરૂ થયું હતું.
જો તારાનું રીડિંગ બરાબર કરવામાં આવે અને એ સંબંધિત વાત જો પૌરાણિક કથાઓ અને સાહિત્યમાં લખાયેલી પડી હોય તો તારા આપણને સચોટ રીતે તે ઘટના ક્યારે થઈ હશે તેની જાણ કરી શકે.
જે આજે આપણે છીએ તે તારાને લીધે જ છીએ. સૂર્ય એક તારો છે અને બધાં તારા સૂર્ય. સૂર્યને લીધે જ પૃથ્વી પર જીવન ઉત્પાદન થયું છે અને આજ સુધી ધબકે છે, અને સૂર્ય જ્યાં સુધી રહેશે ત્યાં સુધી પૃથ્વી પર જીવન ધબકતું રહેશે.
તારાઓએ જ આપણને દિશાનું ભાન કરાવ્યું છે, સમયનું, કેલેન્ડરનું અને ઋતુઓનાં આગમનનું ભાન કરાવ્યું છે. તારાના નિરીક્ષણે જ આપણને દર્શાવ્યું કે પૃથ્વીની ધરી વાંકી છે તે તેની ધરી પર ગોળ ગોળ ઘૂમે છે અને પૃથ્વી સહિતના બધાં જ ગ્રહો સૂર્યની પરિક્રમા કરે છે. તારાની મદદથી જ આપણે આપણી પૃથ્વીનો પરિઘ માપી શક્યાં. તારાએ જ આપણને કહ્યું કે સૂર્ય, વિશ્ર્વના કેન્દ્રમાં નથી, આપણી આકાશગંગા, મંદાકિની પણ આપણા વિશ્ર્વના કેન્દ્રમાં નથી.
સૂર્ય આપણી મંદાકિનીના કેન્દ્રમાં નથી, તે આપણી મંદાકિનીના કેન્દ્રથી ૩૨૦૦૦ પ્રકાશવર્ષ દૂર છે (૧ પ્રકાશવર્ષ = લગભગ ૧૦,૦૦૦ અબજ કિ.મી), આપણું વિશ્ર્વ ક્ષણે ક્ષણે વિસ્તૃત થતું જાય છે. આપણા શરીરમાં જે કાંઈ તત્ત્વો છે તે બધાં જ તારામાંથી આવ્યાં છે. આપણે તારાનાં જ બાળકો છીએ.
ભગવાન ઈસુનો જન્મસમય અને વર્ષ વિદ્વાનોમાં ચર્ચાનો એક વિષય બની રહ્યો છે. મુખ્ય મુશ્કેલી એ છે કે ભગવાન ઈસુ ખરેખર ક્યારે જન્મ્યા તે સમય વિશે કોઈ ઐતિહાસિક પ્રમાણ નથી.
કેનેડાની નેશનલ રિસર્ચ કાઉન્સિલના વિદ્વાન ર્પાસ ફેલ્ડમનનું કહેવું છે કે ઈસુ વસંતઋતુ (જાશિક્ષલ)માં જન્મ્યા હતા, કારણ કે લ્યૂકના ગોસ્પલે કહે છે કે ઈસુ જ્યારે જન્મ્યા તે સમયે ભરવાડો રાતભર ઘેટાં-બકરાં ચરાવતાં હતાં અને એ સમય ત્યાં વસંતઋતુનો હોય છે, એટલે કે ફેલ્ડમનનું કહેવું છે કે ભગવાન ઈસુ ૨૫ ડિસેમ્બરે જન્મ્યા ન હતા, તેમ છતાંં નાતાલ ૨૫ ડિસેમ્બરે ઉજવાય છે, તેની પાછળના કારણોમાં બીજા પ્રાચીન સાંસ્કૃતિ તહેવારો છે.
ઈસુ જેરુસાલેમની પૂર્વમાં ૯ કિ.મી. દૂર બૅથલ્હેમ નામના ગામમાં જન્મ્યા હતા. તે જ્યારે જન્મ્યા ત્યારે આકાશમાં અતિપ્રકાશિત તારાનો ઉદય થયો હતો. ગોસ્પેલ લખનાર મેથ્યુએ ઈસુના જન્મ વખતે ઉદય પામેલા પ્રકાશિત તારાનું વર્ણન કર્યું છે. ચીની લોકોની નોંધમાં ઈસ્વીસન પૂર્વે પાંચ વર્ષ પહેલાં આકાશમાં એક ધૂમકેતુ દેખાયો હતો તેમ લખેલું છે અને તેનું વર્ણન પણ તેઓએ લખ્યું છે. મેથ્યુનું એ પ્રકાશિત તારાનું વર્ણન અને ચીની લોકોના તે સમયમાં દેખાયેલા ધૂમકેતુનું વર્ણન ઘણું મળતું આવે છે. તેથી ફેલ્ડમન અભિપ્રાય બાંધે છે કે ઈસુના જન્મ વખતે બૅથલ્હેમના આકાશમાં જે પ્રકાશિત તારો દેખાયો હતો તે ધૂમકેતુ હતો માટે ઈસુ તે વખતે જન્મ્યા હોવા જોઈએ.
શેફિલ્ડના ધૂમકેતુવિદ હ્યુજીસ જેઓને ખગોળવિજ્ઞાનના ઈતિહાસમાં પણ રસ છે તેઓ માને છે કે ઈસુના જન્મ વખતે આકાશમાં જે પ્રકાશિત તારો દેખાયો હતો તે ધૂમકેતુ ન હતો પણ તે ગુરુ અને શનિની મીન રાશિમાં થયેલી યુતિ હતી. એ ગ્રહોની યુતિ ઈસ્વીસન પૂર્વે ૭ વર્ષે થઈ હતી અને એક વર્ષમાં ત્રણવાર આ યુતિ થઈ હતી એટલે કે એક વર્ષમાં પૃથ્વી તેની કક્ષામાં ત્રણ
જગ્યાએ એવી રીતે હતી કે તેની પરથી જોતાં ગુરુ અને શનિ મીન રાશિમાં તદ્દન નજીક નજીક લાગતા હતાં. આપણને ખબર છે કે ગુરુ એક વર્ષે રાશિ બદલે છે અને શનિ અઢી વર્ષે માટે આ શક્ય છે. જ્યોતિષીઓ માને કે શનિરૂપે યહૂદી, ગુરુરૂપ ઈશ્ર્વર સાથે મીન રાશિ રૂપ પેલેસ્ટાઈનમાં ભેગા થયા હતા અને તે ઈસુ ભગવાનના જન્મનો સંકેત હતો. હ્યુજીસ તેથી માને છે કે ઈસુનો જન્મ ઈસ્વીસન પૂર્વે ૭ વર્ષમાં થયો હોવો જોઈએ. શું બૅથલ્હેમનો તારો એ ગુરુ-શનિની યુતિ હતી?
કેલિફોર્નિયાના બિબ્લીક રિસર્ચ ફાઉન્ડેશનના સંશોધકોએ કોમ્પ્યુટર વડે ૨૦૦૦ વર્ષ પહેલાં સૂર્ય, ચંદ્ર અને ગ્રહોની આકાશમાં સ્થિતિ ઉત્પન્ન કરી તો તેમને માલૂમ પડ્યું કે બૅથલ્હેમનો તારો ગુરુગ્રહ હતો. તે વખતના જ્યોતિષીઓએ તે વખતે આકાશમાં દૃશ્યમાન થયેલા આકાશીપિંડનું અર્થઘટન ઈસુના જન્મના સંકેત તરીકે કર્યું હતું.
અમેરિકાની પ્રિન્સ્ટન યુનિવર્સિટીના વરિષ્ઠ સંશોધક પ્રૉફેસર ડી. સી. માર્ટન લખે છે કે ઈસ્વીસન પૂર્વે બીજા વર્ષે ૧૭ જૂને થયેલી ગુરુ-શુક્રની યુતિ એક નોંધનીય ઘટના હતી અને તે પછી હજુ સુધી તે થઈ નથી. તે જ વર્ષે ૨૭ ઓગસ્ટે ગુરુ, મંગળ, શુક્ર અને બુધની સિંહ રાશિમાં યુતિ થઈ હતી તે વખતે ચંદ્ર સિંહ રાશિમાં પ્રવેશ કરવા તૈયાર હતો અને સૂર્ય ક્ધયા રાશિમાં પ્રવેશ કરવાની તૈયારીમાં હતો એટલે કે ઉપરોક્ત મહાયુતિ ઉષા સમયે સૂર્યોદય થાય તે પહેલાં દૃશ્યમાન થતી હતી. એ વખતે બૅથલ્હેમ પર પૂર્વ ક્ષિતિજ પર સિંહ રાશિમાં આ યુતિ દૃશ્યમાન થતી હતી. તે વખતે પશ્ર્ચિમ ક્ષિતિજે મીન રાશિ દૃશ્યમાન થતી હતી. શું તે સમયના જ્યોતિષ-ધર્મગુરુઓએ આ ઘટનાને ઈસુના જન્મ સંકેત તરીકે ગણી હશે? સિંહ રાશિમાં રહેલો પદ્માતારો અને ગુરુ રાજા ગણાય છે, તેથી યહૂદી લોકો માનતાં કે યહૂદીઓમાં એક મહાન પુરુષનો જન્મ થયો હોવો જોઈએ. એ મહાન પુરુષ ઈસુ હતા. ઈસ્વીસન પૂર્વે બીજા વર્ષે ૨૫ ડિસેમ્બરે ગુરુ ગ્રહ ક્ધયા રાશિમાં હતો. શું તે જ બૅથલ્હેમનો તારો હતો? કદાચ તે જ બૅથલ્હેમનો તારો હતો, જેને તે વખતના લોકોએ ઈસુના જન્મના સંકેત તરીકે લીધો હતો.
તે વખતના જ્યોતિષ-ધર્મગુરુઓ ઈસુના જન્મની કુંડળી બનાવવા ઈચ્છતાં હતાં. પણ તે પાપ ગણાતું માટે તેઓએ ઈસુના જન્મની કુંડળી બનાવવાનું માંડી વાળ્યું હતું. કાશ, તેઓએ આવી અંધશ્રદ્ધા રાખી ન હોત તો આપણને અત્યારે ખબર હોત કે ઈસુના જન્મ વખતે આકાશ કેવું હતું અને ખરેખર ઈસુનો જન્મ ક્યારે થયો હતો. અંધશ્રદ્ધામાં આપણે કેટલું ખોઈ બેઠાં અને હજુ કેટલું ખોઈ બેસીએ છીએ. અંધશ્રદ્ધામાં લોકો ખગ્રાસ સૂર્યગ્રહણ પણ જોતાં નથી, ધૂમકેતુ પણ જોતાં નથી.
જો આપણને ઈસુના જન્મની સાચી કુંડળી મળે તો તે વખતના આકાશમાં ગ્રહોની સ્થિતિ શું હતી તેની આપણને ખરેખરી જાણ થાય અને માલૂમ પડે કે ઈસુના, જન્મ વખતે દૃશ્યમાન થયેલો પ્રકાશિત તારો જે બૅથલ્હેમના તારા તરીકે ઓળખાય છે તે હકીકતમાં કયો આકાશીપિંડ હતો. શુંં તે ગુરુગ્રહ હતો કે પછી ધૂમકેતુ હતો કે પછી અભિનવ તારો (તારાનો નોવા વિસ્ફોટ) અથવા સુપરનોવા (તારાનો મહાવિસ્ફોટ) હતો, કે પછી ધર્મગુરુઓએ ઉપજાવી કાઢેલી વાત હતી, કે પછી એ ચમત્કાર હતો. કોઈને પણ અંતિમ હકીકતની ખબર નથી. વિજ્ઞાન ચમત્કારમાં માનતું નથી.
બૅથલ્હેમ તારાની વાર્તા રસપ્રદ બિના છે, સાથે સાથે ઘણી ગૂંચવણ ભરેલી બીના છે તે વિશ્ર્વમાં બનેલી ઈસુના જન્મ વિશેની મહાન ઘટના સાથે સંકળાયેલી છે. તેનો તાગ કાઢવો જરૂરી ખરો.