Homeમેટિનીસ્ટાર ખિલતે થે ગુલશન ગુલશન

સ્ટાર ખિલતે થે ગુલશન ગુલશન

દૂરદર્શન પર સતત ૨૧ વર્ષ ચાલેલો તબસ્સુમનો શો મોટે ભાગે ગળચટ્ટો રહેતો, પણ કમાલ અમરોહી કે તનુજાને કારણે એમાં ક્યારેક કોલ્હાપુરી મરચાંની તીખાશ રહેતી

હેન્રી શાસ્ત્રી

ગયા હપ્તામાં આપણે બાળ કલાકાર તરીકે અફાટ લોકપ્રિયતા અને તગડું આર્થિક વળતર મળ્યા પછી પુખ્ત વયની ઉંમરે સફળતાથી કેવું છેટું રહ્યું તેની વિગતે વાત કરી. જોકે, ફિલ્મ કારકિર્દીમાં જે ન મળ્યું એનું અનેકગણું સાટું રેડિયો – ટેલિવિઝનની દુનિયામાં વળી ગયું એ હકીકત છે. આઠ ઑક્ટોબર, ૧૯૭૨થી શરૂ થયેલા તબસ્સુમના એકહથ્થુ શાસનના શોમાં ફિલ્મ દુનિયાની સેલિબ્રિટીઓ સાથેનો તબસ્સુમનો સંવાદ એવો રંગ લાવતો હતો કે ત્યારે ‘ફૂલ ખિલે હૈં ગુલશન ગુલશન’ની એક ઓળખ ‘સ્ટાર ખિલતે થે ગુલશન ગુલશન’ જેવી બની ગઈ હતી. જોક, શાયરી અને તબસ્સુમના ખિલખિલાટ કરતા અવાજમાં કલાકાર સાથેની વાતચીત અને ફિલ્મનાં દ્રશ્યોના મિશ્રણવાળો આ કાર્યક્રમ ૧૯૮૦ના દાયકામાં વિજ્ઞાપનકારો માટે વિશાળ જનતા સુધી પહોંચવાનું મહત્ત્વનું માધ્યમ બની
ગયો હતો.
બ્લેક એન્ડ વ્હાઇટ ટીવી અને ટીવી એટલે માત્ર દૂરદર્શન એ દોર જેમને નથી ખબર એવા મનોરંજન રસિકો તો ‘રેંદાવૂં વિથ સિમી ગરેવાલ’ અને ‘કોફી વિથ કરણ’ સેલિબ્રિટીના ચેટ શો માણતા આવ્યા છે. ‘ફૂલ ખિલે હૈં ગુલશન ગુલશન’ આ બંને શોની મૂળ આવૃત્તિ કહી શકાય. અલબત્ત તબસ્સુમના અને સિમી – કરણના શોમાં કેટલાક મૂળભૂત તફાવત છે. સૌથી મહત્ત્વની વાત એ કે તબસ્સુમનો શો લાઈવ રહેતો. જ્યારે સિમી – કરણના શો રેકોર્ડેડ હોય, એમાં એડિટિંગ થાય. સેલિબ્રિટીને કોઈ બાબત ખૂંચી હોય તો એ દૂર કરી દેવામાં આવે. તબસ્સુમ સાથેની વાતચીત તો કમાનમાંથી છૂટેલા તીર જેવી રહેતી, બોલેલા શબ્દો પાછા ખેંચી જ ન શકાય. બીજો એક મહત્ત્વનો ફરક એ હતો કે સિમીના શોમાં મૃદુતાનો અતિરેક હતો, વધુ પડતો મુલાયમ હતો અને કરણના શોમાં ગોસિપ ઝાઝી હોય છે. આ બંને શો પત્રકારત્વથી જોજન દૂર ગણાય. તબસ્સુમના શોમાં પણ ઘણી ગળચટ્ટી વાત આવતી, પણ એવા કેટલાક ઉદાહરણ છે જેમાં સાચી વાત જાણવા સેલિબ્રિટીના ચહેરાની શરમ નહોતી રાખવામાં આવી. કમાલ અમરોહીનો એપિસોડ એનું ઉદાહરણ છે. તીખી તમતમતી વાત બિન્ધાસ્તપણે બોલવા માટે પંકાયેલી તનુજાએ એક એપિસોડમાં કબૂલાત કરી હતી કે અમુક નિર્માતાઓએ તેને છેતરી હોય એવા પ્રસંગ બન્યા છે. ‘મારામાં ભરોસો રાખ અને હું કહું છું એમ ફિલ્મ કરી લે. હું ફિલ્મમાં કામ કરતી અને પછી મને જાણ થતી કે મને જે વચન આપવામાં આવ્યું હતું એવો એ રોલ નહોતો,’ તનુજાએ તબસ્સુમને શબ્દો ચોર્યા વિના કહ્યું હતું. અરુણા ઈરાનીને ‘મેહમુદે તને કેમ તરછોડી દીધી’ એવો અણિયાળો સવાલ પણ કરવામાં આવ્યો હતો. કાશ, આવી બિન્ધાસ્ત વાત આ શોમાં વધુ જોવા મળી હોત એવો વિચાર આવે ખરો. ફિલ્મ ઈન્ડસ્ટ્રીના એક અભ્યાસુએ નોંધ્યું છે કે ‘ફિલ્મ સ્ટાર્સને તબસ્સુમમાં જબરો વિશ્ર્વાસ હતો અને એ કલાકારો મોકળા મને વાત કરવા તૈયાર હોય એવું અનેક વાર લાગ્યું. તબસ્સુમ એમના અંતરમાં કે માનસપટમાં ડોકિયું કરી એવી ઘણી અંતરંગ વાતો લોકો સુધી પહોંચાડી શકી હોત જે સામાન્યપણે જાણવા નથી મળતી. જોકે, તબસ્સુમે મોટેભાગે ખિલખિલાટને પ્રાધાન્ય આપ્યું.’ ખેર. આ શોની કેટલીક મજેદાર વાતો જાણીએ.
+ મુંબઈ દૂરદર્શનનો પ્રારંભ બીજી ઑક્ટોબર, ૧૯૭૨ના દિવસે થયો અને એક અઠવાડિયા પછી તબસ્સુમના શોની શરૂઆત થઈ હતી. દૂરદર્શન એ શોનું નામ ‘ગુલદસ્તા’ રાખવા માગતું હતું, પણ તબસ્સુમને એ નામ ફિક્કું લાગ્યું હતું. તેણે બેગમ અખ્તરની એક ગઝલમાંથી ‘ફૂલ ખિલે હૈં ગુલશન ગુલશન’ શબ્દો પસંદ કરી એજ નામ જ રાખવાનો આગ્રહ રાખ્યો. સદનસીબે એની વાત સ્વીકારાઈ ગઈ અને દરેક એપિસોડમાં ગુલાબના ફૂલ સાથેની હાજરી સ્ટાઈલ સ્ટેટમેન્ટ બની ગઈ. શરૂઆતમાં પ્રત્યેક શોના ૭૫ રૂપિયા મળતા હતા અને શો સંકેલાયો ત્યારે તબસ્સુમને એ સમયે ઝાઝા બધા કહેવાય એવા ૭૫૦ રૂપિયા ચૂકવવામાં આવતા હતા.
+ પહેલા એપિસોડમાં સંગીતકાર નૌશાદ હાજર હતા. ત્યાર બાદ ધર્મેન્દ્રને બાદ કરતા લગભગ દરેક ટોપ સ્ટાર ‘ફૂલ ખિલે હૈં ગુલશન ગુલશન’ના મહેમાન બની ચુક્યા હતા. ‘મને કોઈ ના પાડતું નહીં, કારણ કે મોટાભાગના એક્ટરોની હાજરીમાં જ ઉછરી હતી. બધાને મારા માટે લાગણી હતી. અભિનેત્રી તરીકે જે પ્રસિદ્ધિ – નામનાથી હું વંચિત રહી ગઈ એનાથી અનેકગણી લોકપ્રિયતા આ શોએ મને અપાવી, ‘તબસ્સુમે એ ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું. શરૂઆતમાં કલાકાર આ શોમાં આવવા આનાકાની કરતા હતા, પણ શોને અફાટ લોકપ્રિયતા મળ્યા પછી એ જ કલાકારો શોમાં આવવા તલપાપડ રહેતા.
+ કરણ જોહર એક સફળ ફિલ્મ નિર્માતા અને દિગ્દર્શક ઉપરાંત ટીવીના સેલિબ્રિટી ચેટ શો ‘કોફી વિથ કરણ’ માટે પણ જાણીતો છે. અંજલિ આપતા બાળપણમાં પોતે તબસ્સુમથી કઈ હદે પ્રભાવિત હતો એ વિશે કરણે જણાવ્યું હતું કે ‘નાનપણથી જ તેમને માટે મારા મનમાં અહોભાવ હતો. ‘ફૂલ ખિલે હૈં ગુલશન ગુલશન’ મેં જોયેલો પ્રથમ ચેટ શો હતો. લાલ ગુલાબ સાથે તબસ્સુમને વાતચીત કરતા જોવા એ લ્હાવો હતો. એક વાર પિતાશ્રીએ મને પૂછ્યું કે મોટા થઈને તારે શું બનવું છે જેના જવાબમાં મેં કહ્યું કે ‘મારે તબસ્સુમ બનવું છે.’ આવો હતો એમનો પ્રભાવ.
+ તબસ્સુમ પાસે કલાકાર અનુસાર વાતચીત કરવાની, રોચક પ્રસંગો દર્શકો સુધી પહોંચાડવાની કુનેહ હતી. ચંકી પાંડેનો ઈન્ટરવ્યૂ એનું વિશિષ્ટ ઉદાહરણ છે. તબસ્સુમના અવસાન પછી ચંકીએ સોશિયલ મીડિયા પર તબસ્સુમે લીધેલો ઈન્ટરવ્યૂ શેર કરી લખ્યું હતું કે ‘તબસ્સુમજી, તમારી ખોટ સાલશે. મને ‘ફૂલ ખિલે ગુલશન ગુલશન’માં ચમકવાની તક મળી એને હું મારૂં સદભાગ્ય સમજુ છું.’ બોલિવૂડમાં પહેલી ફિલ્મ કેવી રીતે મળી એના મજેદાર કિસ્સા સહિત ઘણી હળવી વાત ચંકીએ એ ઈન્ટરવ્યૂમાં કરી હતી. જોકે, સૌથી મજેદાર વાત કઢાવવામાં તબસ્સુમનો સવાલ કામ કરી ગયો. ઈન્ટરવ્યૂ લેતા પહેલા દરેક સેલિબ્રિટીની ઝીણામાં ઝીણી વિગતથી વાકેફ રહેવું તબસ્સુમનો સ્વભાવ હતો. એટલે તેમણે ચંકીને પૂછ્યું કે ઘણી ફિલ્મમાં તેનું પાત્ર કેમ મૃત્યુ પામે છે? જવાબમાં ચંકીએ તેની લાક્ષણિક શૈલીમાં કહ્યું હતું કે એવી માન્યતા બની હતી કે જો તેનું પાત્ર મૃત્યુ પામે તો નિર્માતા જીવતો રહે છે કારણ કે ફિલ્મને સફળતા મળે અને સારી આવક થાય. આ જવાબ સાંભળી તબસ્સુમ તો મલકાઈ જ પડ્યા, એપિસોડ જોનારા દર્શકો પણ ખડખડાટ હસી પડ્યાં હશે એ વિશે કોઈ શંકા નથી.
+ મોટાભાગના કલાકાર મોકળા મને વાત કરતા અને વાર્તાલાપ બરાબર જામતો. અલબત્ત તબસ્સુમને એવી હસ્તીઓનો પણ સામનો કરવો પડ્યો હતો જે અમુક બાબતો વિશે ફોડ પાડીને કે વિસ્તારપૂર્વક વાત કરવા તૈયાર ન હોય. ’પાકીઝા’ના નિર્માતા – દિગ્દર્શકનું ઉદાહરણ આપી તબસ્સુમે જણાવ્યું હતું કે ‘કમાલ અમરોહી સાબ પત્ની મીના કુમારી વિશે વાત કરવા ઉત્સુક નહોતા. હા, મીનાજી અભિનેત્રી તરીકે કેવા હતા એ સવાલનો જવાબ તેમણે આપ્યો હતો ખરો. શો લાઈવ હોવાથી મેં મીનાજી પત્ની તરીકે કેવા હતા એ સવાલ પૂછી જ લીધો. તેમનો જવાબ હતો કે ‘વો એક્ટ્રેસ તો બહુત અચ્છી થી, લેકિન બીવી અચ્છી નહીં થી. ઘર મેં ભી વો અપને આપ કો એક્ટ્રેસ હી સમજતી થી.’ કમાલ અમરોહી મીના કુમારી વિશે શું માનતા હતા એ વાત દર્શકો સુધી તબસ્સુમે પહોંચાડી દીધી. પછી જ્યારે અભિનેત્રી રાખીનો ઈન્ટરવ્યૂ કર્યો ત્યારે તબસ્સુમે રાખીને સવાલ કર્યો કે ‘કમાલસાબનું કહેવું છે કે કોઈ સ્ત્રી કાં તો સારી પત્ની બની શકે અથવા સારી અભિનેત્રી બની શકે, બંને નહીં. એ વિશે તમારું શું કહેવું છે?’ રાખીએ સામે સવાલ કર્યો કે ‘તુમ ભી તો બીવી ઔર એક્ટ્રેસ હો, તુમ બતાઓ ના.’ ન બોલ્યા વગર વાત જણાવી દેવાની આવી ક્ષણ તબસ્સુમના કાર્યક્રમમાં જોવા – સાંભળવા મળી હતી.
+ ૧૯૪૦ – ૫૦ના દાયકામાં ગાયિકા – અભિનેત્રી તરીકે ખ્યાતિ મેળવનાર ઉમાદેવી (ટુનટુન)નો ઈન્ટરવ્યૂ તબસ્સુમે કર્યો હતો. ઈન્ટરવ્યૂ થયો ત્યારે ટુનટુનનો સુવર્ણકાળ સમાપ્ત થઈ ગયો હતો. જોકે, સુવર્ણકાળમાં જીવવાની આદત છૂટી નહોતી. આ સંદર્ભમાં તબસ્સુમે જણાવ્યું હતું કે ‘નિર્માતા કલાકારની કાળજી રાખે એ વાતની તેમને (ટુનટુનને) ટેવ પડી ગઈ હતી. સ્ટુડિયો ટેક્સીમાં આવ્યા અને ભાડું ચૂકવવા અમને કહ્યું. આ જોઈ સેટ પર હાજર બધા ચોંકી ગયા હતા. પછી ભોજનમાં તેમણે બહારથી ચાઈનીઝ ફૂડ મંગાવી ખાવાનો જ આગ્રહ રાખ્યો. કોઈને તેમની સ્ટાઈલમાં તોછડાઈ કે અભિમાન લાગે, પણ હકીકતમાં તેઓ સાવ નિર્દોષ હતાં. જે વાતાવરણમાં તેઓ વધુ સમય રહ્યા એ જ રીતે રહેવાની ટેવ પડવી સ્વાભાવિક હતું.’
———–
‘ફૂલ ખિલે હૈં’…ની મહેક
ફિલ્મ પત્રકારત્વ મોટેભાગે ચમકીલા વરખવાળું રહ્યું છે. અલબત્ત દરેક બાબતમાં અપવાદ હોય છે એમ ‘ફૂલ ખિલે હૈં ગુલશન ગુલશન’ના અમુક એપિસોડ વરખ વગરના હતા. ખાસ ઉલ્લેખ કરવો જોઈએ એક એપિસોડનો જે કામ ન મેળવી શકતા એક્ટર અને પડદા પાછળના કલાકાર માટે એક નવો શો શરૂ કરવામાં નિમિત્ત બન્યો. તબસ્સુમે એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે ‘એક દિવસ હું ટેક્સીમાં જઈ રહી હતી ત્યારે સિગ્નલ પર ભીખ માગતી એક વ્યક્તિને મેં જોઈ. જોઈને મને ખ્યાલ આવી ગયો કે એ એક સમયના બાળ કલાકાર અને પછી ટોચના વિલન બનેલા પરશુરામ હતા. મારી કેટલીક ફિલ્મોમાં તેમણે પિતાનો રોલ કર્યો હતો. એમને ભીખ માગતા જોઈ મને આંચકો લાગ્યો. હું એમને અમારા શોના ડિરેક્ટર પાસે લઈ ગઈ અને તેઓ પણ એમને ઓળખી ગયા અને મને પરશુરામનો ઈન્ટરવ્યૂ કરવા કહ્યું. એ એપિસોડને એવો આવકાર મળ્યો કે અનેક લોકોએ આર્થિક મદદ મોકલી. મહારાષ્ટ્રના તત્કાલીન મુખ્ય પ્રધાન શંકરરાવ ચવ્હાણે મુખ્ય પ્રધાન રાહત ફંડમાંથી પૈસા આપ્યા. આ એપિસોડની સફળતા જોઈને દૂરદર્શને કામ નહોતું મળતું એવા એક્ટરો અને યુનિટના સભ્યો માટે એક શો શરૂ કર્યો. એ શોનું નામ હતું ‘પરિક્રમા’ અને એના સંચાલક હતા પ્રસિદ્ધ લેખક કમલેશ્ર્વર.’ આ શોને પણ ખાસ્સી લોકપ્રિયતા મળી હતી. ‘ફૂલ ખિલે હૈં ગુલશન ગુલશન’નું આ મહામૂલું યોગદાન છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular