એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ
ભારતમાં દરેક વાતમાં રાજકારણ ઘુસાડીને એ લોકોને લડાવીને રાજકીય ફાયદો ઉઠાવવાની માનસિકતા હદે વધી છે કે ક્યારે ક્યા મુદ્દે ઘમાસાણ મચી જાય એ કહેવાય નહીં. આપણને સાવ ફાલતુ લાગતો હોય એવો મુદ્દો પણ રાજકારણીઓને રાજકીય પાક લણવાનો મુદ્દો લાગે તો એ લોકો સામાન્ય લોકોને ભડકાવીને તેનો ફાયદો ઉઠાવતાં જરાય શરમાતા નથી. ભાજપના નેતા તો આ મામલે ચેમ્પિયન છે જ પણ બીજા નેતા પણ પાછળ નથી. આ હલકી ને સંકુચિત માનસિકતા છે ને તમિલનાડુમાં અત્યારે આવી જ હલકી માનસિકતાનું પ્રદર્શન થઈ રહ્યું છે.
તમિલનાડુમાં રાજ્યનું દૂધ ઉત્પાદક સંઘ નંદિની બ્રાન્ડથી દહીં વેચે છે. તમિલનાડુ સહકારી દૂધ ઉત્પાદક સંઘને આવિન નામથી ઓળખવામાં આવે છે. પહેલાં આવિનનાં પાઉચ પર અંગ્રેજીમાં નંદિની કર્ડ લખાઈને આવતું હતું. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (ઋજજઅઈં)એ દહીનાં પેકેટ પર કર્ડ હટાવીને દહીં લખવા કહ્યું ને દૂધ ઉત્પાદક સંઘે તેનો અમલ કરીને નંદિની દહીં લખવા માંડ્યું તેમાં તો ભડકો થઈ ગયો. તમિલનાડુના લોકો પાઉચ પર દહીં લખવાના વિરોધમાં રસ્તા પર ઉતરી આવ્યાં ને તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિને પણ તેનો વિરોધ કર્યો છે.
સ્ટાલિને તો લટકામાં દક્ષિણ ભારતના લોકો પર મોદી સરકાર હિંદી થોપવાનો પ્રયત્ન કરી રહી છે એવો આરોપ મૂકી દીધો. આ હોબાળો એટલો વધ્યો કે, દૂધ ઉત્પાદક સંઘે કહેવું પડ્યું છે કે, ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયા જાય તેલ લેવા પણ હવેથી અમે અમારા પેકેટ પર દહીં શબ્દ નહીં લખીએ. અંગ્રેજી શબ્દ કર્ડ પણ નહીં લખીએ પણ તેની જગ્યાએ તમિલ શબ્દ તાયિરનો જ ઉપયોગ કરશે. તમિલમાં દહીંને તાયિર કહે છે.
દૂધ ઉત્પાદક સંઘે શરણાગતિ સ્વીકારી લીધી પણ રાજકારણીઓને સંતોષ થયો નથી તેથી તેમણે આ મુદ્દાને ચગાવ્યો છે. રાજ્યના દૂધ વિકાસ મંત્રી એસએમ નસરે તો ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયાને પત્ર લખી નાંખ્યો છે. રાજ્યના દૂધ વિકાસ પ્રધાને ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયાને કર્ડની જગ્યાએ દહીં લખવાનો આદેશ આપતું નોટિફિકેશન પરત લેવાની માગ તો કરી જ છે પણ સાથે સાથે હુંકાર કર્યો છે કે, રાજ્યમાં હિંદીને કોઈ સ્થાન નથી.
નસરે એવી દલીલ પણ કરી કે, કર્ડ એક સામાન્ય શબ્દ છે ને તેનો ઉપયોગ કોઈપણ ભાષામાં કરી શકાય છે પણ દહીં એક ખાસ પ્રોડક્ટ છે કે જેનો સ્વાદ કર્ડ કરતાં અલગ હોય છે તેથી કર્ડને બદલે દહીં ના લખી શકાય. નસરે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયાને વહેલી તકે નામ બદલવા અલ્ટિમેટમ આપ્યું છે.
તમિલનાડુના મુખ્ય પ્રધાન એમ. કે. સ્ટાલિને તો આખી વાતને કેન્દ્ર દ્વારા હિંદી થોપવાની મથામણનો મુદ્દો જ બનાવી દીધો છે. સ્ટાલિનનું કહેવું છે કે, કેન્દ્ર સરકારની હિંદી થોપવાની જીદ એ હદ સુધી પહોંચી ગઈ છે કે, અમને કર્ડના પેકેટ પર નામ પણ હિંદીમાં લખવાના આદેશ આપવામાં આવી રહ્યા છે. બળજબરીથી હિંદી થોપવાની માનસિકતાના કારણે અમારા દક્ષિણનાં રાજ્યોની ભાષા પાછળ પડી રહી છે પણ અમે અમારી માતૃભાષાનું અપમાન કરનારાંને સાંખી નહીં લઈએ ને ઉઠાવીને રાજ્ય બહાર ફેંકી દઈશું.
તમિલનાડુના બીજા રાજકીય પક્ષો પણ આ જ ભાષા બોલી રહ્યા છે. રસપ્રદ વાત એ છે કે, તમિલનાડુ ભાજપના પ્રદેશ પ્રમુખ કે. અન્નામલાઈએ પણ આ આદેશને પાછો ખેંચવાની માગ કરી છે. અન્નામલાઈનું કહેવું છે કે, આ આદેશ પ્રાદેશિક ભાષાઓને પ્રોત્સાહન આપવાની કેન્દ્રની નીતિ સાથે મેળ નથી ખાતો.
તમિલનાડુમાં હિંદી ભાષાના વિરોધનો વિવાદ નવો નથી. તમિલનાડુ લાંબા સમયથી એક રેકર્ડ વગાડ્યા જ કરે છે કે, કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર દક્ષિણના રાજ્યો પર હિંદી લાદી રહી છે પણ અમે એ નહીં થવા દઈએ. તમિલનાડુના બધા રાજકીય પક્ષો આ જ ભાષા બોલે છે કેમ કે તેમાં રાજકીય ફાયદો છે. તમિલનાડુમાં છેક ૧૯૫૦ના દાયકાથી લોકોના માનસમાં એવું ઝેર રેડીદેવાયું છે કે, હિદીને અપનાવવા જઈશું તો આપણી ભાષા ને આપણી સંસ્કૃતિ ખતમ થઈ જશે. ઉત્તર ભારતીયો આપણા પર ચડી બેસશે ને આપણે તેમના ગુલામ થઈ જશે.
આ મુદ્દે લોકોમાં ઉન્માદ પેદા કરીને રાજ્યમાં હિંદી વિરોધી આંદોલનો પણ થયા હતા. હિંસા ફાટી નિકળી પછી કેન્દ્ર સરકારે રાજ્યને વિશ્ર્વાસ અપાવ્યો હતો કે, કેન્દ્ર અને દક્ષિણના રાજ્યો વચ્ચેની સત્તાવાર ભાષા અંગ્રેજી જ રહેશે. એ પછી આંદોલન પત્યું પણ વિવાદ પત્યો નથી ને રાજકારણીઓ પોતાના સ્વાર્થ ખાતર નિયમિત રીતે આ વિવાદની હોળીમાં પેટ્રોલ છાંટીને તેને ભડકાવ્યા કરે છે તેથી કદી વિવાદ શમશે પણ નહીં.
મજાની વાત એ છે કે જે તમિલનાડુને હિંદી ભાષા તરફ નફરત છે એ જ તમિલનાડુને હિદીભાષી મજૂરો જોઈએ છે. તમિલનાડુમાં કોઇમ્બતૂર અને ત્રિચુર ગારમેન્ટ અન્ય મેન્યુફેક્ચરિંગ યુનિટ્સના હબ મનાય છે. આ બે શહેરોમાં દસ લાખથી વધારે હિંદીભાષી મજૂરો કામ કરે છે. આ મજૂરો દર વર્ષે હોળી મનાવવા માટે પોતપોતાના રાજ્યોમાં જાય છે ને પાછા આવી જાય છે.
આ વખતે તમિલનાડુમાં હિંદીભાષી મજૂરો પર હુમલા થયાના નકલી વીડિયો વાયરલ થયેલા. તેના કારણે ઉત્તર ભારતના મજૂરોમાંથી અંદાજે ૨ લાખ મજૂરો પાછા ફર્યા નથી. તેના કારણે કોઇમ્બતૂર અને ત્રિચુરમાં કકળાટ છે. હોળી પછીના એક પખવાડિયામાં ઉત્પાદનમાં અંદાજે ૨૦ ટકાનો ફટકો પડી ગયો છે તેમાં તો કકળાટ મચી ગયો છે. આ મજૂરોને પાછા લાવવા માટે સ્ટાલિને અધિકારીઓને ઉત્તર પ્રદેશ ને બિહાર લગી દોડાવ્યા છે. બીજી તરફ જ મજૂરોની ભાષાનો એક શબ્દ લખાય તેમાં તો આભ તૂટી પડ્યું હોય ને પોતાની માતૃભાષા સાવ પાંગળી થઈ ગઈ એવો દેકારો કરી દેવાયો છે.
રાજકારણીઓની જાત આવી જ છે. એ લોકોને પોતાના સ્વાર્થ માટે કોઈને પંપાળવામાં કે પગમાં આળોટી જવામાં પણ શરમ નથી નડતી ને પોતાના ફાયદા માટે લોકોને ભડકાવવામાં પણ કશું આડું આવતું નથી.