ખોખા સરકાર પાસે ફાલતુ ખર્ચ માટે પૈસા છે, પણ એસટી કર્મચારીઓ માટે નથી: નાના પટોલે
મુંબઈ: શિંદે-ફડણવીસ સરકાર એસટી કોર્પોરેશનના અધિકારીઓ અને કર્મચારીઓના વેતન સમય પર આપી નથી શકતી. વેતન ન મળવાને કારણે નિરાશ સાંગલી જિલ્લાના એસટી ડેપોમાં કામ કરતા ભીમરાવ સૂર્યવંશીએ આત્મહત્યા કરી લીધી. રાજ્ય સરકાર માટે આ શરમજનક બાબત છે. મહારાષ્ટ્ર પ્રદેશ કોંગ્રેસ કમિટીના અધ્યક્ષ નાના પટોલેએ એસટી કામદારો વતી અપીલ કરતાં જણાવ્યું હતું કે કર્મચારીઓ ધીરજ ન ખોઇ બેસે અને ઉતાવળે કોઇ પગલું ન ભરે. તેમણે કહ્યું હતું કે કોંગ્રેસ એસટીના કર્મચારીઓ સાથે મજબૂત રીતે પડખે ઊભી છે અને બજેટ સેશનમાં તેમના મુદ્દાઓને ઉઠાવવામાં આવશે.
આ મુદ્દાને લઇને કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ નાના પટોલેએ શિંદે-ફડણવીસ સરકારને ઘેરી વળતાં કહ્યું હતું કે એસટી કોર્પોરેશનના પોતાના કર્મચારીઓને વેતન માટે રૂ. ૩૬૦ કરોડની જરૂર રહેતી હોય છે, જે એમવીએ સરકારના સમયગાળામાં નિયમિત રૂપે આપવામાં આવતું હતું. જ્યારે એસટી કર્મચારીઓ પોતાની માગને લઇને આઝાદ મેદાનમાં હડતાળ પર ઊતર્યા હતા ત્યારે મોંઘવારીભથ્થામાં ૨૮ ટકાનો વધારો કરવામાં આવ્યો હતો. કર્મચારીઓની માગણી પર હાઉસિંગ રેન્ટ અને વેતનમાં પણ વધારો કરવામાં આવ્યો હતો. એ હડતાળ દરમિયાન પણ કોંગ્રેસ પાર્ટી અને એમવીએ સરકાર વિરુદ્ધ વાતાવરણ કરવાનું કામ કરવામાં આવ્યું હતું. કોર્ટના નિર્ણય બાદ પણ હડતાળ પાછી નહોતી ખેંચવામાં આવી. અહીં સવાલ એ થાય છે કે એસટી કામદારોને ભટકાવનારા નેતાઓ અત્યારે કેમ ચૂપ છે. એસટીના કર્મચારીઓને સમય પર વેતન નથી મળી રહ્યું. શું એસટીને મર્જ કરવાથી શિંદે-ફડણવીસ સરકારના કોઇએ હાથ બાંધી રાખ્યા છે, એવા સળગતા સવાલ પટોલેએ કર્યા હતા.
બજેટ અધિવેશનમાં એસટી કર્મચારીઓનો મુદ્દો ગાજશે
RELATED ARTICLES