સંસ્કૃતિ -મુકેશ પંડ્યા
ભારતની ઉત્તરે હિમાચ્છાદિત હિમાલય છે અને પવિત્ર ગંગા નદી વહે છે. આ પ્રદેશમાં અગણિત મૂલ્યવાન જડીબુટ્ટીઓનો વૈભવ પથરાયેલો છે, પણ ભારતની પૂર્વ, પશ્ર્ચિમ અને દક્ષિણે સમુદ્ર છે. આથી આ ક્ષારયુક્ત કાંઠા વિસ્તારમાં ઇશ્ર્વરે નાળિયેરીનાં વૃક્ષો ઉત્પન્ન કરી ત્યાં વસેલા લોકો પર જાણે અન્યાય થતો અટકાવ્યો છે. બારે માસ મળતા ખૂબ લાંબા સમય સુધી બગડયા વિના યથાવત્ રહેવાની ક્ષમતા ધરાવતા અને મનુષ્ય જીવનના અનેક ક્ષેત્રમાં ઉપયોગી આ ફળને શાસ્ત્રોએ ‘શ્રીફળ’ એવું નામ આપ્યું છે એમાં જરાય અતિશયોક્તિ કરી નથી. દરેક ફળની જેમ અને શારીરિક લાભ તો આ શ્રીફળ આપે જ છે સાથે કુદરતે તેને આપેલી વિશિષ્ટ રચનાને કારણે ધાર્મિક વિધિઓમાં અતિમહત્ત્વનુ સ્થાન પણ ધરાવે છે. લક્ષ્મીવાચક નામ જ તેમાં રહેલા અદ્વિતીય ગુણોને પ્રદર્શિત કરે છે. ધનલક્ષ્મી, સ્વાસ્થ્ય લક્ષ્મી, સંતાન લક્ષ્મી, મેઘાલક્ષ્મી, સૌંદર્ય લક્ષ્મી, કામ્યપ્રદા લક્ષ્મી, પ્રીતિવર્ધક લક્ષ્મી, રક્ષાલક્ષ્મી જેવી અષ્ટ લક્ષ્મી આ શ્રીફળમાં સ્થૂળ અને સૂક્ષ્મ રીતે વસેલી છે. સ્થૂળ રીતે શ્રીફળનું વિવિધ સ્વરૂપે સેવન થકી તેમ જ સૂક્ષ્મ રીતે તેના પૂજાપાઠ તથા સતત સાંનિધ્ય થકી સર્વ લક્ષ્મીના વૈભવની પ્રાપ્તિ કરી શકાય છે.
શ્રીફળ: પૌષ્ટિક ખાદ્યપદાર્થ
અત્યારે શિયાળાની ઠંડીમાં સૂકું કોપરું અને ગોળ ચાવી ચાવીને ખાવાનું ઘણું મહત્ત્વ છે. આ રીતે ખાવાથી શરીરને ગરમી મળવાની સાથે લોહી અને માંસની વૃદ્ધિ પણ થાયછે. નાનાં બાળકોને એ ખવડાવીએ તો તેમના શરીરનો બાંધો સુધરે છે અને તેમની ઊંચાઇ પણ વધે છે. નાળિયેરમાં રહેલા કેલ્શિયમ, આયર્ન, કોપર, ફોસ્ફરસ વગેરે હાડકાં, દાંત, નખ વાળને મજબૂત અને સ્વસ્થ બનાવે છે. તેમાં રહેલું મેગ્નેશિયમ આપણા શરીરમાં ૩૦૦ જેટલા પાચકરસ બનાવવામાં મદદ કરે છે. તદઉપરાંત જ્ઞાનતંતુને વધુ કાર્યક્ષમ બનાવે છે. મગજના કોષોને સતેજ બનાવી નવું બળ આપે છે. આમ, નાળિયેર પૌષ્ટિક અને બુદ્ધિવર્ધક ખાદ્યપદાર્થ છે.
કોપરાના નાના નાના ટુકડામાં સાકર ભેળવીને ભગવાનને ધરાવવા માટેની પ્રસાદી બનાવવામાં આવે છે. આ સંયોજન માત્ર પ્રસાદ જ નહીં, પણ એક ઉત્તમ ઔષધિ જેવું કામ આપે છે. પ્રાત:કાળે પ્રસાદીની માત્રામાં આ ખાવાથી સર્વ પ્રકારના તાવના ઉપદ્રવોથી બચી શકાય છે. સ્ત્રીઓને પણ નાળિયેર ખાસ ઉપયોગી છે. ગર્ભવતી સ્ત્રી જો નિત્ય કોપરા કે તેના પાણીનું સેવન કરે તો પોતાના શરીર માટે આવશ્યક પોષકતત્ત્વો મેળવે છે, સાથે ગર્ભમાંના બાળકને ચપળ અને બુદ્ધિશાળી પણ બનાવે છે. પ્રસૂતિ થયા પછી પણ સ્ત્રીને કોપરાનું સેવન ધારણ વધારવામાં ખૂબ ઉપયોગી બની રહે છે. નવા ઊગતા નાળિયેરની અંદર મોટી ગોટી જેવો અંકુર નીકળે છે. આ અંકુરને ખાવાથી નિ:સંતાન સ્ત્રીને પણ સંતાનપ્રાપ્તિની શક્યતા વધી જાય છે. આમ અનેક રીતથી હિતકારી બનતાં શ્રીફળને દરરોજ આરોગનારી વ્યક્તિ આરોગ્ય, બળ, તીક્ષ્ણ બુદ્ધિ અને દીર્ઘ આયુષ્ય પ્રાપ્ત કરી શકે છે.
શ્રીફળ: મનોકામનાપૂર્તિનું સાધન…
શ્રીફળ તમને ખોરાક, પાણી અને ઔષધિ તત્ત્વો તો પૂરાં પાડે જ છે, વધારામાં દરેક ધાર્મિક કે સામાજિક પ્રસંગમાં હાજર રહી એક વડીલની માફક તમારાં સંકલ્પો અને શુભકાર્યોને પાર પાડવામાં સહાયરૂપ થાય છે. આપણાં શાસ્ત્રોમાં સૂકા શ્રીફળને, તેના આકાર વાળ જેવા રેસાઓની ચોટલી અને ત્રણ ચકોર આંખોને કારણે મનુષ્યના મસ્તકની ઉપમા આપવામાં આવી છે. વળી તેના અંદરના શૂન્યાવકાશમાં શુદ્ધ વીજભાર ધરાવતા સોડિયમ, પોટેશિયમ કલોરાઇડ યુક્ત પાણી રહેલું છે. જે શુભ સંકલ્પોને અત્યંત બળવાન બનાવી તેને ફળીભૂત કરવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે. વિચારોને બળવાન બનાવી ધાર્યું કાર્ય કરી શકાય છે તે આજનું વિજ્ઞાન પણ પુરવાર કરે છે. એન્ટેના જેવી શ્રીફળની ચોટલી અને આયર્નયુક્ત પાણી કુદરતી ઇલેક્ટ્રોડ્સ જેવું કામ કરે છે. એ તમારા વિચારોને બળવાન બનાવી દિવ્ય શક્તિ (દેવ-દેવી)ઓના માનસપટ પર અંક્તિ કરે છે. વિવિધ ધાર્મિક કાર્યોમાં આ જ સિદ્ધાંતનો ઉપયોગ કરી શ્રીફળ કેવી રીતે કાર્ય કરે છે તે હવે આપણે જોઇએ.
નવી જગ્યાએ કુંભ મૂકવો
આપણે નવું ઘર, ઔફિસ કે દુકાનનું ઉદ્ઘાટન કરવાનું હોય ત્યારે કુંભ મૂકવાની વિધિ કરીએ છીએ. નવી જગ્યાએ પૂજા કરીને ઘરમાં સુખ શાંતિ વધે અથવા તો ઓફિસ અને દુકાનમાં સમૃદ્ધિ વધે તેવા સંકલ્પ સાથે તાંબાના લોટા કે માટીના ઘડા પર શ્રીફળ મૂકો છો ત્યારે તેની એન્ટેના જેવી ચોટલી તમારા સંકલ્પોને આકર્ષી પોતાની અંદર ઉતારે છે. સાધારણ પાણીમાં પણ સારા વિચારોની સુંદર છાપ અંક્તિ થતી હોય છે તેવું વિજ્ઞાન કહે છે તો શ્રીફળનું આ ચાર્જયુક્ત પાણી તો તમારા વિચારને કોઇપણ જાતનાં અવરોધ કે અશુદ્ધિ વગર અંક્તિ કરી વધુ અસરકારક બનાવે છે અને વાતાવરણમાં ફેલાવે છે. શ્રીફળની ત્રણ આંખો પણ ખૂબ મહત્ત્વનો ભાગ ભજવે છે. આ આંખો એટલે શ્રીફળનું સેન્સર બોર્ડ. જેમ ટેલિવિઝનનું એન્ટેના કે કેબલ સારા-નરસા દરેક ચેનલનાં તરંગો ઝીલે છે, પરંતુ તમારે અમુક કાર્યક્રમો બાળકને ન દેખાડવા હોય તો તે ચેનલને બ્લોક કરી શકાય છે. આ જ રીતે શુભ તરંગો તો શ્રીફળની અંદર જઇ શકે છે, જ્યારે હાનિકારક તરંગોને તેની આંખો પારખી જઇ અંદર જતા અટકાવે છે. સાથે વાતાવરણમાં ફેલાતાં પણ રોકે છે. આ શ્રીફળ પૂજાસ્થાને રાખતાં સમગ્ર વર્ષ દરમિયાન તમે લીધેલા ઘરના કે ધંધાના નિર્ણયોને શુભત્વ પ્રદાન કરે છે. પાણી ભરેલા કુંભ પર મૂકેલું શ્રીફળ અંકુરિત થઇ જાય તો તે વધુ જીવંત બની વધુ લાભ કર્તા બને છે. તેને બદલવાની જરૂર નથી, પણ જો ન ઊગે તો એક વર્ષ બાદ શ્રીફળ બદલી દેવું જોઇએ. જગ્યાના અભાવે શ્રીફળ અગર લાલ કપડામાં બાંધીને રાખતા હોય તો તેને પણ દર વર્ષે બદલી નાખવું જરૂરી છે.
પૂજાની સ્થાપનવિધિ
દરેક મોટી પૂજાઓમાં દેવદેવીઓના સ્થાપન હેતુ શ્રીફળ જ એવું એકમાત્ર ફળ છે, જેનો ઉપયોગ થાય છે. શાસ્ત્રોમાં શ્રીફળને લક્ષ્મીનું નિવાસસ્થાન ગણાવ્યું છે. આવા શ્રીલક્ષ્મીના વૈભવી નિવસાસ્થાનમાં પધારવાનું આમંત્રણ મળે તો ક્યા દેવને આવવાનું મન ન થાય? માટે સ્થાપના વિધિમાં શ્રીફળ જ ઉપયોગમાં લેવાય છે. હવે વિજ્ઞાનની રીતે શ્રીફળ શું ભાગ ભજવે છે તે જોઇએ. તમને ખબર હશે કે ‘સોનોગ્રાફી’ કરાવતી વખતે ડૉક્ટર વધુને વધુ પાણી પીવાનું કહે છે, જેથી મૂત્રાશયમાં ક્ષારયુક્ત પાણી જમા થાય. મૂત્રાશયમાં પૂરી રીતે ભરાયેલું ક્ષારયુક્ત પાણી આજુબાજુના અવયવોના આકારને વધુ સારી રીતે સ્પષ્ટ બનાવવામાં ઉપયોગી બને છે. જેથી નિદાન કરવામાં સરળતા રહે છે. આ જ રીતે સ્થાપન વખતે શ્રદ્ધાપૂર્વક અને શુદ્ધ હૃદયથી દેવદેવીઓના સ્વરૂપના વર્ણન સાથે આવાહન મંત્ર બોલાય કે પ્રાર્થના કરાય તો તે શ્રીફળમાં રહેલા વીજભાર ધરાવતા ક્ષારયુક્ત પાણીમાં પ્રવેશ વધુ બળવાન તો બને જ છે ઉપરાંત સોનોગ્રાફીના ચિત્રની જેમ વિચારોને વધુ સ્પષ્ટ આકાર પણ આપે છે, જે આરાધ્ય દેવદેવીની શક્તિને સ્થાપનના સ્થાન સુધી ખેંચી લાવે છે, જેથી ત્યાંનું વાતાવરણ દિવ્યશક્તિથી ચૈતન્યમય બની જાય છે અને આપણે કરેલા પૂજા પાઠ પૂર્ણ રીતે લાભદાયી બની રહે છે. આમ, શ્રીફળ આરાધ્ય દેવ અને ભક્ત બન્નેને જોડતી કડી સમાન છે.
ચાંદલાવિધિમાં શ્રીફળ કેમ વપરાય છે?
આપણે ત્યાં ચાંદલાવિધિ વખતે ક્ધયા પક્ષના વડીલો વરના હાથમાં શ્રીફળ આપે છે. તેમાં પણ વિજ્ઞાન રહેલું છે. ક્ધયાના વિચાર તરંગોને શ્રીફળગ્રહણ કરી લઇ વરના ઘરે પહોંચે છે અને અલગ અલગ સ્થિતિમાં ઊછરેલાં વર અને ક્ધયા બન્ને માટે સુમેળભર્યું વાતાવરણ બનાવવાનું કામ કરે છે. જૂના સમયમાં બાહ્ય દેખાવ
કરતાં વિચારોની સામ્યતાને વધુ મહત્ત્વ અપાતું હતું. માત્ર રૂપરંગના આકર્ષણના જોરે થતાં લગ્નમાં પણ જો પછી મનમેળ ન સધાય તો લગ્નજીવન ભાંગી પડવાની શક્યતા રહે છે. ક્ધયા સાસરે પહોંચે ત્યારે શ્રીફળ શ્ર્વસુરગૃહમાં તાલમેલ સાધતું વાતાવરણ સર્જતું હતું. આવી ધાર્મિક ક્રિયાથી કરેલાં લગ્નમાં વર-ક્ધયાએ એકબીજાને ન જોયેલાં હોવા છતાં પણ ટકી જતાં હતાં અને વૈચારિક પ્રક્રિયા સમાન થવાના કારણે સફળ પણ જતાં હતા.
આજના સર્વેક્ષણ મુજબ પણ કોર્ટ કચેરી કે પ્રેમલગ્ન કરતાં ધાર્મિક વિધિ વિધાનથી થયેલાં લગ્નો વધુ સફળ નીવડે છે. આજના ફાસ્ટ યુગમાં ક્ધયાના વડીલો બજારમાંથી શ્રીફળ ખરીદી તરત જ વર પક્ષને આપી દેતા હોય છે, જે યોગ્ય નથી. ખરેખર તો આગલા દિવસે શ્રીફળ લાવી તેનું ક્ધયાના હાથે શુભ ભાવથી સંકલ્પ સહિત પૂજન કરાવ્યા પછી જ વિવાહના દિવસ વરના હાથમાં આપવું જોઇએ જેથી ક્ધયાના વિચારો શ્રીફળમાં સમાઇ શકે અને વરના વિચારો સાથે એકરૂપતા સાધી શકે. આ રીતે કરાયેલી વિધિનું જ મહત્ત્વ છે.
શ્રીફળ શા માટે વધેરવામાં આવે છે?
જયારે કોઇ સંકલ્પ સાથે તમે શ્રીફળ લઇને મંદિરમાં વધેરો છો ત્યારે તમારી મનોકામના જે શ્રીફળના પાણીમાં સંચય થયેલી હોય છે તેના તરંગો છૂટા પડીને મંદિરના જાગૃત દેવની મૂર્તિ સુધી પહોંચે છે, જે તમારી ભલામણચીઠ્ઠી જેવું કામ કરે છે. આ સાથે ભગવાનને ધરાવેલું અડધુ શ્રીફળ જે તમે ઘરે લઇ જાવ છો અને પ્રસાદરૂપે ગ્રહણ કરો છો તેમાં ઇશ્ર્વરીય શક્તિના આશીર્વાદ ભરેલા હોય છે, જે તમારા માટે મંગલયમ અને કલ્યાણકારી બને છે. આપણે માનતા રાખેલા શ્રીફળને ભગવાનને ચઢાવીએ કે વધેરીએ તેમાં આપણી પૂર્ણ થયેલી ઇચ્છા કે સંકલ્પને પ્રભુના ચરણમાં અર્પણ કરવાની કે બ્રહ્માંડના અનંત અવકાશમાં મુક્ત કરી દેવાની જ ક્રિયા રહેલી છે.
યજ્ઞમાં શ્રીફળ હોમવાનું મહત્ત્વ કેમ?
યજ્ઞમાં, તમારા હાથમાં રહેલું શ્રીફળ તમારી પ્રાર્થના કે સંકલ્પને ઝીલી લે છે પછી જયારે તમે એને અગ્નિમાં હોમો છો ત્યારે તે બળીને ભસ્મ થાય છે. આ પ્રક્રિયામાં શ્રીફળમાંથી નીકળતા વાયુઓ આરોગ્યની દૃષ્ટિએ તો ફાયદો કરે જ છે સાથે સાથે તમારી પ્રાર્થનાના તરંગો આ વાયુના તરંગો આ વાયુના તરંગો પર સવાર થઇ પરમ શક્તિ સુધી પહોંચે છે. આ શક્તિ તમારા સંકલ્પને અનુરૂપ સંજોગો નિર્માણ કરવામાં મદદરૂપ થાય છે. જેમ લાઉડ સ્પીકરનો ઉપયોગ કરીને તમારા શબ્દોને દૂર સુધી પહોંચાડી શકો છો. આ જ રીતે શ્રીફળ તમારા વિચારોને ‘લાઉડ સ્પીકર’ બની દૈવી શક્તિઓ સુધી પહોંચાડે છે. શ્રીફળ પોતાનું બલિદાન આપીને શારીરિક રીતે તો ફાયદો કરે છે ઉપરાંત તમારી ઇચ્છા-આકાંક્ષાઓની પૂર્તિ પણ કરે છે. હાથીની જેમ જ શ્રીફળ જીવતું લાખનું અને બલિદાન પછી સવા લાખનું બની જાય છે.