એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ
હિંદુજા ગ્રૂપના ચેરમેન શ્રીચંદ પરમાનંદ હિંદુજાનું ૮૭ વર્ષની વયે લંડનમાં નિધન થયું એ સાથે જ વૈશ્ર્વિ સ્તરે જોરદાર બિઝનેસ સામ્રાજ્ય ઊભું કરનારા એક ભારતીયે વિદાય લીધી. લાંબા સમયથી બીમાર શ્રીચંદ હિંદુજાને તેમના પિતાએ બનાવેલા હિંદુજા ગ્રૂપનો વૈશ્ર્વિક સ્તરે વ્યાપ વધારીને તેને સાચા અર્થમાં ગ્લોબલ બિઝનેસ હાઉસ બનાવવાનો યશ અપાય છે.
શ્રીચંદ, ગોપીચંદ, પ્રકાશ, અશોક એ ચાર હિંદુજા બંધુઓમાં સૌથી મોટા શ્રીચંદ હિંદુજાએ ૧૯૭૧માં તેમના પિતાએ સ્થાપેલા હિંદુજા ગ્રૂપનું સુકાન સંભાળ્યું પણ એ પહેલાં જ શ્રીચંદ હિંદુજાએ હિંદુજા ગ્રૂપને વૈશ્ર્વિક બનાવવાનું મિશન શરૂ કરી દીધેલું.
શ્રીચંદ હિંદુજા ૧૯૭૧માં પિતા પરમાનંદ હિંદુજાના અવસાન પછી ગ્રૂપના ચેરમેન બન્યા. એ પછી હિંદુજા ગ્રૂપે અભૂતપૂર્વ પ્રગતિ કરી અને આજે હિંદુજા ગ્રૂપ બ્રિટનના સૌથી ધનિક બિઝનેસ હાઉસમાંથી એક છે તેનો મુખ્ય યશ શ્રીચંદ હિંદુજાને જાય છે.
અશોક લેલેન્ડ, ગલ્ફ ઓઇલ, હિંદુજા બેંક સ્વિટ્ઝર્લેન્ડ, ઇન્ડસઇન્ડ બૅંક, હિંદુજા ગ્લોબલ સોલ્યુશન્સ, હિંદુજા ટીએમટી, હિંદુજા વેન્ચર્સ, ઇન્ડસઇન્ડ મીડિયા એન્ડ કોમ્યુનિકેશન્સ સહિતની કંપનીઓનું બનેલું હિંદુજા ગ્રૂપ કરોડોનો નહીં પણ અબજોનો પથારો ધરાવતું ગ્રૂપ છે ને તેના મૂળમાં શ્રીચંદ હિંદુજા છે.
હિંદુજા ગ્રૂપમાં અત્યારે કુલ ૩૮ કંપની છે. આ ૩૮ કંપનીમાંથી ૨૫ કંપની શૅરબજારોમાં લિસ્ટેડ છે. હિંદુજા ગ્રૂપના કર્માચારીઓની સંખ્યા બે લાખથી વધારે છે અને ૭૦ અબજ ડૉલરથી વધારેની વાર્ષિક આવક છે. બૅંકિંગ, પેટ્રોલિયમ રીફાઈનિંગ, ઓટોમોબાઈલ, કેમિકલ્સ, ફાયનાન્સ, આઈટી, પાવર, રીયલ એસ્ટેટ, મીડિયા, એન્ટરટેઈનમેન્ટ વગેરે સેક્ટરમાં બિઝનેસ કરતા હિંદુજા ગ્રૂપની શરૂઆત બહુ સામાન્ય હતી પણ શ્રીચંદ હિંદુજાના વિઝનના કારણે હિંદુજા ગ્રૂપ વિશાળકાય બન્યું.
હિંદુજા ગ્રૂપની સ્થાપના પરમાનંદ દીપચંદ હિંદુજાએ ૧૯૧૪માં કરેલી. સિંધી વેપારી પરમાનંદ ધંધાનો પથારો ફેલાવવા માટે ૧૯૧૯માં ઈરાન જતા રહ્યા હતા જ્યારે પરિવાર ભારતમાં જ રહેતો હતો. એ વખતે હિંદુજા પરિવાર તેજાના સહિતની ચીજોનો વેપાર કરતો હતો. પરમાનંદ હિંદુજાએ ઈરાનમાં વેપારી તરીકે પ્રતિષ્ઠા જમાવી હતી પણ હિંદુજાની ગ્રોથ સ્ટોરી ૧૯૫૨માં શ્રીચંદ હિંદુજાની એન્ટ્રી સાથે થઈ.
શ્રીચંદ હિંદુજાએ એક પછી એક નવા બિઝનેસમાં ઝંપલાવવા માંડ્યું. હિંદુજા પરિવાર ભારતમાં રહેતો હતો ને બાકીના ત્રણ ભાઈ મુંબઈમાં ભણતા હતા. શ્રીચંદે તેમને ધીરે ધીરે બિઝનેસમાં લાવીને તૈયાર કર્યા ને તેના કારણે ૧૯૭૧માં પરમાનંદ હિંદુજાની વિદાય સુધીમાં હિંદુજા ગ્રૂપ પોતાનો સિક્કો જમાવી ચૂક્યું હતું.
શ્રીચંદ કેવા વિઝનરી હતા તેનો પુરાવો એ છે કે, ઈરાનમાં કટ્ટરવાદી મુસ્લિમો ચડી બેસશે તેનો અંદાજ તેમને બહુ પહેલાં આવી ગયેલો તેથી ધીરે ધીરે બીજા દેશોમાં બિઝનેસ ખસેડવા માંડ્યો ને લંડનને હેડ ક્વાર્ટર બનાવવાની તૈયારી કરવા માંડી. ધર્માંધ આયાતોલ્લાહ ખોમૈની ઈરાનના સર્વેસર્વા બન્યા ત્યાં સુધીમાં તો શ્રીચંદે બધી તૈયારી કરી દીધેલી તેથી ૧૯૭૯માં હિંદુજા પરિવાર લંડન જતો રહ્યો.
શ્રીચંદ હિંદુજા જાણતા હતા કે બિઝનેસ વધશે તેથી ભાઈઓમાં વિખવાદ થઈ શકે છે તેથી તેમણે પહેલેથી વિખવાદ ના થાય એ માટે બાકીના ત્રણેય ભાઈને મહત્ત્વની જવાબદારીઓ સોંપી દીધી. શ્રીચંદે હિંદુજા બંધુઓમાંથી ગ્રૂપમાં કોણ શું જવાબદારી સંભાળશે એ વરસો પહેલાં જ નક્કી કરી નાંખેલું. આ ગોઠવણ પ્રમાણે શ્રીચંદ અને ગોપીચંદ આખા ગ્રૂપની કામગીરી જુએ છે. ત્રીજા નંબરના ભાઈ પ્રકાશને માથે યુરોપના બિઝનેસની જવાબદારી છે જ્યારે સૌથી નાના ભાઈ અશોક ભારતમાં કંપનીની કામગીરી જુએ છે. શ્રીચંદ અને ગોપીચંદ લંડનમાં રહેતા જ્યારે પ્રકાશ પહેલાં સ્વિત્ઝર્લેન્ડના જિનીવામાં રહેતા પણ હવે મોનેકોમાં છે. અશોક હિંદુજા ભારતમાં રહે છે.
ભારતમાં બહુ ઓછા બિઝનેસ ફેમિલી એવા બચ્યા છે કે જે એક છે. બિઝનેસ ફેમિલીઝના ઝઘડા આપણે જોઈએ જ છીએ. બે સગા ભાઈઓ લાંબો સમય સાથે રહ્યા પછી અચાનક ઝઘડે ને સામસામે આવી જાય એ નવી વાત નથી. બિઝનેસ ફેમિલીના ઝઘડા પણ નવા નથી ત્યારે શ્રીચંદ હિંદુજા પાંચ દાયકા લગી હિંદુજા બંધુઓ અને તેમના પરિવારોમાં એકતા રાખવામાં સફળ રહ્યા હતા. શ્રીચંદ હિંદુજા એ રીતે ભારતની પરિવારવાદની ભાવનાને સંપૂર્ણપણ વરેલા હતા.
શ્રીચંદ ઈચ્છતા હતા કે, હિંદુજા પરિવાર હંમેશાં એક રહે અને સંપત્તિનું વિભાજન ના થાય. આ કારણે તેમણે ૨૦૧૪માં કરાર કરાવ્યો હતો કે, હિંદુજા ગ્રૂપની સંપત્તિમાં બધું બધાંનું છે પણ કશું પણ કોઈ એક વ્યક્તિનું નથી. ચારમાંથી કોઈ ભાઈ ગુજરી જાય તો તેના વસિયતનો અમલ બાકીના ત્રણ ભાઈ કરશે. શ્રીચંદે સામૂહિક માલિકીપણાનો સિદ્ધાંત અમલમાં મૂકીને નવો ચિલો ચાતરેલો. રસપ્રદ વાત એ છે કે, શ્રીચંદની દીકરીઓ શાનુ અને વિનુને આ કરાર સામે વાંધો પડતાં મામલો કોર્ટમા પહોંચ્યો પણ શ્રીચંદ જીવતા રહ્યા ત્યાં સુધીમાં હિંદુજા પરિવાર એક જ રહ્યો.
શ્રીચંદે આખી દુનિયામાં બિઝનેસ કર્યો પણ તેમણે ભારતમાં મૂળિયાં જાળવ્યાં પણ કમનસીબી એ છે કે, ભારતના સૌથી મોટા ભ્રષ્ટાચારના કેસમાં તેમનું નામ ખરડાયું. ૧૯૮૭માં બોફોર્સ કૌભાંડમાં હિંદુજા બંધુઓની સંડોવણીના આક્ષેપ થયા હતા. એ વખતે રાજીવ ગાંધી વડા પ્રધાન હતા ને નહેરુ-ગાંધી પરિવાર સાથે હિંદુજા બંધુઓને ભારે નિકટતા હતી. આ નિકટતાને કારણે હિંદુજા બંધુઓને સ્વીડિશ કંપની બોફોર્સ દ્વારા કટકી અપાયેલી કે જે છેવટે નહેરુ-ગાંધી ખાનદાન પાસે પહોંચી હતી એવા આક્ષેપો થયેલા.
બોફોર્સ કંપનીએ ભારતને ૪૪૦ હોવિત્ઝર તોપ ૧૩૦ કરોડ ડૉલરમાં આપી હતી. ૧૯૮૬માં થયેલા આ સોદામાં ૬૪ કરોડ રૂપિયાની કટકી ખવાઈ હોવાનો ધડાકો થતાં હાહાકાર મચી ગયો હતો. આ કટકી કોણે ખાધી એ શોધવાનું કામ સીબીઆઈને સોંપાયેલું.
સીબીઆઈએ ૨૦૦૨ના ઓક્ટોબરમાં ત્રણ હિંદુજા બંધુઓ શ્રીચંદ, ગોપીચંદ અને પ્રકાશ હિંદુજા સામે ચાર્જશીટ દાખલ કરેલી. જો કે ૨૦૦૫માં દિલ્હી હાઈ કોર્ટે પુરાવાના અભાવે ત્રણેય ભાઈઓને નિર્દોષ જાહેર કરીને છોડી મૂકેલા પણ આ કેસમાં સંડોવણીના કારણે હિંદુજા બંધુઓની પ્રતિષ્ઠાને ભારે ફટકો પડેલો. હિંદુજા બંધુઓ પર દેશદ્રોહીનું લેબલ સુધ્ધાં લગાવી દેવાયેલું. કોર્ટે નિર્દોષ છોડ્યા હોવા છતાં શ્રીચંદ આ દાગ કદી ના ધોઈ શક્યા. જીવ્યા ત્યાં સુધી એ શંકાના દાયરામાં રહ્યા ને બાકીના હિંદુજા બંધુએ પણ શંકાના દાયરામાં જ રહેશે.