દેવાળિયા થઇ ગયેલા શ્રીલંકામાં પેટ્રોલ અને ડીઝલ માટે અભૂતપૂર્વ કતારો લાગી હતી. પેટ્રોલ પંપમાં પેટ્રોલ ખતમ થઇ જતા વાહનચાલકોએ વિરોધ કરવાનું શરૂ કર્યું અને પરિસ્થિતિ ગંભીર બની ગઇ હતી. કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સંભાળવા માટે સૈન્યને બોલાવવામાં આવ્યું હતું. શનિવારે રાત્રે કોલંબોની ઉત્તરે 365 કિલોમીટર (228 માઇલ) દૂર વિસુવામાડુમાં સૈનિકોએ ઇંધણ માટે વાહનચાલકોના વિરોધને ડામવા ગોળીબાર કર્યો હતો. જનતા અને સૈન્ય વચ્ચેના સંઘર્ષમાં ચાર નાગરિકો અને ત્રણ સૈનિકો ઘાયલ થયા હતા.
શ્રીલંકા આઝાદી પછી તેની સૌથી ખરાબ આર્થિક કટોકટીનો સામનો કરી રહ્યું છે. દેશ ખોરાક, બળતણ અને દવાઓ સહિત આવશ્યક ચીજોની આયાત કરવા માટે ડોલરની તંગીથી ઝઝુમી રહ્યું છે. રાષ્ટ્રની 22 મિલિયન વસ્તી જીવનાવશ્યક વસ્તુની તીવ્ર અછત અનુભવી રહી છે અને લાંબી કતારો સહન કરી રહી છે.રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે આવી પરિસ્થિતિમાં પણ રાજીનામુ આપવાનો ઇનકાર કર્યો છે.
શ્રીલંકાએ પેટ્રોલ પંપની સુરક્ષા માટે સશસ્ત્ર પોલીસ અને સૈનિકો તૈનાત કર્યા છે. રેશનવાળા પેટ્રોલ અને ડીઝલના વિતરણને લઈને ઘણી વાર અથડામણ ફાટી નીકળે છે. ગરીબ રાષ્ટ્રમાં લોકોની અવરજવર ઘટાડી ઘટતા ઇંધણના સ્ટોકને બચાવવા માટે સરકારે રાજ્યની સંસ્થાઓ અને શાળાઓને બે સપ્તાહ માટે બંધ કરવાની જાહેરાત કરી છે. શ્રીલંકા રેકોર્ડ ઉંચો ફુગાવો અને લાંબા સમય સુધી પાવર બ્લેકઆઉટનો પણ સામનો કરી રહ્યો છે. આ બધાએ સરકારના વિરોધમાં ફાળો આપ્યો છે.
શ્રીલંકામાં ભયાનક માનવતાવાદી કટોકટી વ્યાપી છે. પાંચમાંથી ચાર લોકોએ ભોજન છોડવાનું શરૂ કર્યું છે કારણ કે તેઓને ખાવાનું પોસાય તેમ નથી.
શ્રીલંકાએ એપ્રિલમાં તેના $51 બિલિયનનું વિદેશી દેવું ડિફોલ્ટ કર્યું હતું અને તે બેલઆઉટ માટે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ સાથે વાતચીત કરી રહ્યું છે.
