ભારતીય પ્રવાસીઓ માટે રામાયણ અને સીતા સરકીટ વિકસાવશે
શ્રીલંકાના ભારત ખાતેના હાઇ કમિશનર મિલિન્દા મોરાગોડાએ તાજેતરમાં મુંબઈના રાજભવન ખાતે મહારાષ્ટ્રના રાજ્યપાલ રમેશ બૈસ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી. રાજભવનની મુલાકાત દરમિયાન તેમની સાથે શ્રીલંકાના કોન્સ્યુલ જનરલ વલસન વેથોડી પણ હાજર હતા. શ્રીલંકાના હાઈ કમિશનર મિલિન્દા મોરાગોડાએ માહિતી આપી હતી કે શ્રીલંકા તેમના દેશમાં ભારતીય પ્રવાસીઓનો પ્રવાહ વધારવા માટે પ્રયત્નશીલ છે. તેમણે જણાવ્યું હતું કે શ્રીલંકા રામાયણ સરકીટ અને સીતા સરકીટ વિકસાવી રહ્યું છે. શ્રીલંકા ભારતીય રૂપિયામાં નાણાકીય વ્યવહારોને મંજૂરી આપવા માટે પણ વિચારણા કરી રહ્યું છે.

શ્રીલંકાના હાઇ કમિશનર મિલિંદા મારાગોડાએ રાજ ભવન ખાતે રાજ્યપાલ રમેશ બૈસની શુભેચ્છા મુલાકાત દરમિયાન જણાવ્યું હતું કે તેઓ ભારતના વિદેશ પ્રધાન એસ જયશંકર અને નાણાપ્રધાન નિર્મલા સીતારામન સાથે મળીને કામ કરી રહ્યા છે. ટાપુ રાષ્ટ્ર શ્રીલંકા ભારતમાંથી વધુમાં વધુ રોકાણ મેળવવાનો પ્રયાસ કરી રહ્યું છે. તેમણે જણાવ્યું હતું કે શ્રીલંકામાં રામાયણ સાથે જોડાયેલા ઓછામાં ઓછા 40 સ્થળો છે અને પાંચ શિવ મંદિરો પણ છે, જેમાંથી એક ત્રિંકોમાલીમાં છે અને એને રાવણે સ્થાપિત કર્યું હોવાનું માનવામાં આવે છે. શ્રીલંકામાં બૌદ્ધ મંદિર પણ છે, જ્યાં વિભીષણની પૂજા કરવામાં આવે છે. શ્રીલંકાના મોટાભાગના લોકો માને છે કે ભગવાન ગૌતમ બુદ્ધે શ્રીલંકાની મુલાકાત લીધી હતી.
ઉલ્લેખનીય છે કે શ્રીલંકા છેલ્લા ઘણા સમયથી ચીનના દેવાના કારણે આર્થિક રીતે પાયામાલ થઇ ગયું છે. દેશમાં મોંઘવારીએ પણ માઝા મૂકી છે અને લોકોને જીવવું દુષ્કર થઇ ગયું છે. એવા સમયે શ્રીલંકાની મદદે કોઇ નથી આવ્યું. ભારતે એક પડોશી દેશના નાતે શ્રીલંકાને બનતી બધી સહાય કરી છે, જેને માટે શ્રીલંકા આંતરરાષ્ટ્રીય તખ્તે ભારતની પ્રશંસા પણ કરી ચૂક્યું છે. ભારતની સહાય અને આઇએમએફની લોનને કારણે શ્રીલંકામાં પરિસ્થિતિ હવે ધીમે ધીમે પાટા પર ચડી રહી છે