શ્રીલંકામાં ઉભા થયેલા આર્થિક સંકટને કારણે દેશમાં અરાજકતાનો માહોલ છે. શ્રીલંકામાં દેખાવકારો રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેના રાજીનામાની માંગણી સાથે નાકાબંધી તોડીને રાષ્ટ્રપતિના સત્તાવાર નિવાસસ્થાનમાં ઘૂસી ગયા હતા. પોલીસે પ્રદર્શનકારીઓને રાષ્ટ્રપતિ આવાસમાં પ્રવેશતા રોકવા માટે ટીયર ગેસનો અને વોટર કેનનનો ઉપયોગ કર્યો હતો.
સ્થિતિ વધુ બગડતા ગોળીઓ પણ ચલાવી હતી, તેમ છતાં વિરોધીઓ બેરિકેડ તોડીને રાષ્ટ્રપતિ આવાસમાં ઘુસી ગયા હતા. રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે તેમના નિવાસસ્થાનેથી ભાગી ગયા હોવાનું જાણવા મળ્યું છે. ચર્ચા છે કે તેમણે દેશ છોડી દીધો છે. શ્રીલંકાના મીડિયાના કહ્યા પ્રમાણે દેશમાં ગમે ત્યારે માર્શલ લૉ લગાવી શકાય છે. બીજી બાજુ, શ્રીલંકાના વડા પ્રધાન રાનિલ વિક્રમસિંઘેએ પરિસ્થિતિ પર ચર્ચા કરવા અને ઝડપી ઉકેલ લાવવા માટે પક્ષના નેતાઓની ઈમરજન્સી બેઠક બોલાવી છે. વિરોધ પ્રદર્શન દરમિયાન બે પોલીસ અધિકારીઓ સહિત 30થી વધુ લોકો ઘાયલ થયા છે. તેમને કોલંબોની નેશનલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
રાષ્ટ્રપતિ રાજપક્ષે પર માર્ચથી રાજીનામું આપવાનું દબાણ કરવામાંઆવી રહ્યું છે, પરંતુ તેઓ તેમના પદને જાળવી રાખવા અડગ હતા અને તેમણે સ્પષ્ટપણે કહ્યું હતું કે તેઓ કોઈપણ સંજોગોમાં રાષ્ટ્રપતિ પદ છોડશે નહીં. એપ્રિલમાં વિરોધીઓએ તેમના રાષ્ટ્રપતિ કાર્યાલયના પ્રવેશદ્વાર પર કબજો કર્યો ત્યારબાદથી તેઓ રાષ્ટ્રપતિના નિવાસસ્થાનનો કાર્યાલય તરીકે ઉપયોગ કરી રહ્યા છે. પદ છોડવા તેમના પર શ્રીલંકાના વકીલોના યુનિયન, માનવાધિકાર જૂથો અને રાજકીય પક્ષોનું દબાણ વધી રહ્યું હતું.

સરકાર વિરોધી દેખાવોને રોકવા માટે કોલંબો સહિત દેશના પશ્ચિમ પ્રાંતના સાત વિભાગોમાં કર્ફ્યુ લાદવામાં આવ્યો હતો.
આજે શનિવારે પોલીસે આ કર્ફ્યુ હટાવી લીધો હતો. ત્યારબાદ મોટી સંખ્યામાં દેખાવકારો રસ્તાઓ પર ઉતરી આવ્યા હતા. દેખાવકારો બધા અવરોધોને ઓળંગીને રાષ્ટ્રપતિ નિવાસમાં પ્રવેશી ગયા હતા. જોકે આજે કોલંબોમાં વિરોધ પ્રદર્શન શરૂ થાય તે પહેલા જ રાષ્ટ્રપતિ ગોટાબાયા નિવાસસ્થાન છોડી જતા રહ્યા હતા.