નવી મુંબઈમાં આજે નવું વર્લ્ડ ચૅમ્પિયન તો ભારત જઃ હરમનની ફોજ ફેવરિટ…

લૉરા વૉલ્વાર્ટની ટીમ પણ લડાયક છેઃ બપોરે 2.30 વાગ્યે ટૉસ અને 3.00 વાગ્યે ઐતિહાસિક જંગ શરૂ
નવી મુંબઈઃ લૉર્ડ્સે 1983માં ભારતના રૂપમાં મેન્સ વન-ડે ક્રિકેટને નવું વિશ્વ વિજેતા આપ્યું એમ રવિવારે નવી મુંબઈ વિમેન્સ ક્રિકેટને વન-ડેમાં ભારતના રૂપમાં નવું વર્લ્ડ ચૅમ્પિયન આપી શકે. વરસાદ (Rain) પરેશાન નહીં કરે તો ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે રવિવારે (બપોરે 2.30 વાગ્યે ટૉસ અને 3.00 વાગ્યે મૅચનો આરંભ) સમયસર મુકાબલો શરૂ થશે અને એ સાથે મહિલા ક્રિકેટના આ ઐતિહાસિક ફિનાલેમાં જોરદાર રસાકસીનો આરંભ થશે.
આ પહેલો મહિલા વન-ડે વર્લ્ડ કપ (women’s world cup) છે જેની ફાઇનલમાં ઑસ્ટ્રેલિયા અને ઇંગ્લૅન્ડ નથી. રવિવારે ડી. વાય. પાટીલ સ્ટેડિયમમાં 30,000-પ્લસ ક્રાઉડ વચ્ચે જે ટીમ જીતશે એ સાથે મહિલા જગતને નવું વર્લ્ડ ચૅમ્પિયન મળશે.
આ પહેલો મહિલા વન-ડે વર્લ્ડ કપ (women’s world cup) છે જેની ફાઇનલમાં ઑસ્ટ્રેલિયા અને ઇંગ્લૅન્ડ નથી. આજે ડી. વાય. પાટીલ સ્ટેડિયમમાં 30,000-પ્લસ ક્રાઉડ વચ્ચે જે ટીમ જીતશે એ સાથે મહિલા જગતને નવું વર્લ્ડ ચૅમ્પિયન મળશે.

હરમનપ્રીત સિંહના સુકાનમાં ભારતીય ટીમ ફાઇનલ જીતવા માટે ફેવરિટ છે. લૉરા વૉલ્વાર્ટની કૅપ્ટન્સીમાં સાઉથ આફ્રિકાએ લીગ રાઉન્ડમાં સતત પાંચ મુકાબલા જીતી લીધા હતા અને સેમિ ફાઇનલમાં ઇંગ્લૅૅન્ડની મજબૂત ટીમને હરાવી હતી. જોકે ભારતે લીગ તબક્કામાં હારની હૅટ-ટ્રિક જોયા પછી જે કમબૅક કરીને નૉકઆઉટમાં (સેમિ ફાઇનલમાં) એન્ટ્રી કરી એ લાજવાબ હતી અને પછી તો ડિફેન્ડિંગ ચૅમ્પિયન ઑસ્ટ્રેલિયાને સેમિમાં પછાડીને ભારતીય ટીમે ફાઇનલમાં ધમાકેદાર એન્ટ્રી કરી.

આ વર્ષે પુરુષોની વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ (ડબ્લ્યૂટીસી)માં ટેમ્બા બવુમાના નેતૃત્વમાં સાઉથ આફ્રિકાની ટીમે ચૅમ્પિયનપદ મેળવીને પોતાના દેશ માટે નવો ઇતિહાસ સર્જ્યો હતો. હવે મહિલાઓમાં લૉરા વૉલ્વાર્ટની કૅપ્ટન્સીમાં મહિલા ટીમ તેમના દેશ માટે નવો ઇતિહાસ રચી શકે. જોકે એની સંભાવના ઓછી છે, કારણકે હરમનપ્રીતના સુકાનમાં ભારતીય ટીમે પૉઇન્ટ્સ-ટેબલમાં જે રીતે કમબૅક કર્યું અને ન્યૂ ઝીલૅન્ડને લીગ રાઉન્ડમાં તેમ જ વર્લ્ડ નંબર-વન ઑસ્ટ્રેલિયાને હરાવ્યું એ જોતાં રવિવારની ફાઇનલ જીતવા માટે સાઉથ આફ્રિકા કરતાં ભારત વધુ ફેવરિટ છે.

સાઉથ આફ્રિકાની બોલર્સ હવે તો સ્મૃતિ મંધાના અને હરમનપ્રીત કૌર કરતાં સેમિ ફાઇનલની સુપરસ્ટાર જેમિમા રૉડ્રિગ્સને લક્ષ્યાંક બનાવવા વધુ સારી યોજના તૈયાર કરી હશે.
હેડ-ટુ-હેડમાં કોણ આગળ
બન્ને દેશ વચ્ચે અત્યાર સુધીમાં કુલ 34 વન-ડે રમાઈ છે જેમાંથી 20 ભારતે અને 13 સાઉથ આફ્રિકાએ જીતી છે. બાકીની એક મૅચ અનિર્ણીત રહી હતી. 60 ટકા મૅચ ભારત જીત્યું અને રવિવારની ફાઇનલમાં પણ સાઉથ આફ્રિકાના વિજયની 40 ટકા શક્યતા સામે ભારતની જીતની સંભાવના 60 ટકા કહી શકાય.
બન્ને દેશની સંભવિત ટીમઃ
ભારતઃ હરમનપ્રીત કૌર (કૅપ્ટન), સ્મૃતિ મંધાના (વાઇસ-કૅપ્ટન), શેફાલી વર્મા, જેમિમા રૉડ્રિગ્સ, દીપ્તિ શર્મા, રિચા ઘોષ (વિકેટકીપર), અમનજોત કૌર, રાધા યાદવ/સ્નેહ રાણા, ક્રાંતિ ગૌડ, શ્રી ચરની અને રેણુકા સિંહ ઠાકુર.
સાઉથ આફ્રિકાઃ લૉરા વૉલ્વાર્ટ (કૅપ્ટન), તેઝમિન બ્રિટ્સ, ઍનેક બૉશ્ચ/મસાબાતા ક્લાસ, સુન લુસ, મૅરિઝેન કૅપ, સિનાલો જફ્તા (વિકેટકીપર), ઍનરી ડર્કસેન, ક્લો ટ્રાયૉન, નેડિન ડિ ક્લર્ક, ઑયોબૉન્ગા ખાકા, નૉનકુલુલેકો ઍમ્લાબા.



