રમતવાત – રમતારામ – રમતાંરમતાં એક શબ્દના જાણવા જેવા છે ખેલ!

ઉત્સવ

ઝબાન સંભાલ કે -હેન્રી શાસ્ત્રી

ભારત ખેતી પ્રધાન દેશ છે અને ખેલ પ્રધાન પણ છે. આપણા દેશની બાળ રમત જેવું વૈવિધ્ય વિશ્ર્વમાં ભાગ્યે જ જોવા મળશે. અલબત્ત વ્યાપક સ્તરે ખેલકૂદની વાત માંડીએ તો હૉકીના કેટલાક સુવર્ણ પ્રકરણ બાદ કરતા આપણે વર્ષો સુધી ક્રિકેટ પ્રધાન રહ્યા. અલબત્ત આનંદ આપનારી વાત એ છે કે એકવીસમી સદીમાં ક્રિકેટ સિવાયની અન્ય રમતોમાં વિશ્ર્વસ્તરે ફતેહ મેળવી આપણે ત્યાં ખરા અર્થમાં ખેલકૂદને ઉત્તેજન મળી રહ્યું છે. તાજેતરમાં કોમનવેલ્થ ગેમ્સમાં મળેલી સફળતા એનો સજજડ પુરાવો છે. આજે આપણે ખેલ – રમત શબ્દ ભાષામાં કેવા વણાઈ ગયા છે એના પર નજર નાખીએ. ખેલ કે રમત એટલે શારીરિક હિલચાલથી મોજમજા થાય એવી પ્રવૃત્તિ. રમત રમવાથી શરીરનું ઘડતર થાય અને નાગરિક તંદુરસ્ત – ચેતનવંતો બને. રમત કરવી કે રમત રમવી એટલે રમવું – ખેલવું એ જાણીતા અર્થ સિવાય મન લગાડ્યા વિના કામ કરી સમય બગાડવો એવો પણ અર્થ છે. જોકે, કોઈ ચાલાકી કરીને છેતરી જાય તો એ મારી સાથે રમત રમી ગયો એમ કહેવાય છે. પરણ્યા પછી જમાઈને પહેલીવાર જમવા બોલાવે એના માટે રમત રમવા બોલાવવું એવો પ્રયોગ અસલના વખતમાં કરવામાં આવતો હતો. રમત શબ્દ કદાચ ખૂબ રમતિયાળ હોવો જોઈએ કારણ કે એના પરથી વિવિધ અર્થ ધરાવતા શબ્દો બન્યાં છે. રમતવાત એટલે ચપટી વગાડતામાં કે આસાન વાત એવો અર્થ થાય છે. એક સમય એવો હતો જ્યારે ભારતીય હૉકી ટીમ માટે ગોલ્ડ મેડલ જીતવો રમતવાત હતી. જાણવા – સમજવા જેવો બીજો શબ્દ છે રમતારામ. સર્વવ્યાપી કે અહીંતહીં ભટકતા રહેતી વ્યક્તિ એવો એનો અર્થ છે. એક જગ્યાએ વધુ સમય ટકી ન રહેતો માણસ રમતારામ તરીકે ઓળખાય છે. સાધુ તો
ચલતા ભલામાં રમતારામનો ભાવાર્થ છુપાયેલો છે. રમતાંરમતાં એટલે વિશેષ પરિશ્રમ
કર્યા વિના અથવા આસાનીથી એવો અર્થ
છે. હવે તો અનેક લોકો હિમાલયના
શિખરો રમતાંરમતાં સર કરી જાય છે.
રમતનો પર્યાયવાચી શબ્દ છે ખેલ, ક્રીડા, રમતગમત ઉપરાંત તમાશો, નાટક, ભવાઈ એવા પણ એનો અર્થ છે. અલબત્ત ઉપયોગ
અનુસાર એનો અર્થ બદલાય છે. નાટકનો ખેલ એટલે નાટકનો શો પણ નાટક બનાવવું છે એમ કહી એ મારી સાથે ખેલ કરી ગયો એટલે મારી સાથે રમત રમી ગયો, છેતરી ગયો એવો અર્થ થાય છે. ખેલ સમજવો એટલે વાતને – કામને સહેલું – આસાન સમજવું. દોડવાની હરીફાઈમાં કાચબાને હરાવવો એને સસલું ખેલ સમજી બેઠો હતો. ખેલ ખલકનો રૂઢિપ્રયોગ પણ જાણવા – સમજવા જેવો છે. ખલક એટલે વિશ્ર્વ, સૃષ્ટિ, પ્રજા, લોકો અથવા સંસાર. નાનું મોટું નગરનું સહું, મળી ખલક જોવાને
બહું પંક્તિમાં ખલક એટલે પ્રજા. કીર્તનમાં કહેવાયું છે કે ‘માયાનો પ્રપંચ રચ્યો છે, ખેલ ખલકનો ખોટો જી, દાસ નારાયણ હરિ ભજીને, લાભ કરી લ્યો મોટોજી.’ અહીં ખલક એટલે સંસાર. એકંદરે ભાષામાં રમતના ખેલ જાણવા – સમજવા જેવા છે એટલું તો તમે સ્વીકારો છો ને!
———–
खेळाच्या म्हणी
ગુજરાતીમાં રમત ખેલકૂદ કે ખેલ તરીકે પણ ઓળખાય છે. મરાઠીમાં खेल  છે. खेल मेळी એટલે હસતા રમતા, આનંદમય વાતાવરણમાં એવો અર્થ છે. क्रिकेट सामना खेली मेळीच्या वातावरणात पार पडला पाहिजे. ક્રિકેટની મેચ હસતા રમતા, ગમ્મત – જમ્મતમાં રમાવી જોઈએ. ખેળની એક અત્યંત માર્મિક કહેવત છે કે मांजराचा खेल होतो पण उंदराचा जीव जातो. બિલાડી ઉંદર પર ઝાપટ મારી એને ખતમ કરે એ વાત એને માટે રમત હોઈ શકે છે પણ એમાં ઉંદરનો જીવ જાય છે એ વાત ભૂલવી ન જોઈએ. આ જ કહેવત
तुमचा खेल होतो पण आमचा जीव जातो તરીકે પણ જાણીતી છે. ગુજરાતીમાં કહે છે ને કે કોઈનું જોણું, કોઈનું રોણું. એ જ અર્થ છે. काही मुले एका तळयाच्या काठी जमून भाकरीचा खेल खेळत होती. ते मारीत असलेले दगड तळयातील बेडकांना लागत. तेव्हा तळयातील एक म्हातारा बेडून वर येउन त्यांना वरीलप्रमाणे सांगू लागला. एकाचा खेल दूसच्याच्या नुकसानीस कारण होतो.. કેટલાક કિશોરો તળાવ પાસે પથ્થર મારવાની રમત રમી રહ્યા હતા, પણ નિશાન ચૂકી જવાય ત્યારે એ પથ્થર દેડકા ને વાગી રહ્યા હતા. આ તમાશો જોઈ એક વૃદ્ધ દેડકો સપાટીએ આવ્યો અને કહ્યું કે तुमचा खेळ होतो पण आमचा जीव जाता મતલબ કે તમારે રમત થાય છે ને નુકસાન અમારું થાય છે. ખેળનો એક રૂઢિપ્રયોગ છે खेल खंडोबा झाला. બાજી બગડી જવી કે સત્યાનાશ થવું કે બધું ધૂળધાણી થઈ જવું એ એનો ભાવાર્થ છે. बैठ्या खेळांमुले मुलांच्या आरोग्याचा मात्र खेळखंडोबा झाला आहे.मुले लठ्ठ बनत आहेत.  બેસીને રમવાની
આદત પડવાથી બાળકોના આરોગ્યની વાટ
લાગી રહી છે. તેમના શરીર મેદસ્વી બની
રહ્યા છે.काळ ना वेळ आणि गाढवाचा खेल એટલે સમય કે પ્રસંગ કરતા સાવ અલગ
વાત કરવી.
——–
खेल खेल में
રિશી કપૂર – નીતુ સિંહની એક મજેદાર સસ્પેન્સ ફિલ્મ હતી खेल खेल में.. કોઈ બાબત કે ઘટના અનાયાસે થઈ જાય એ એનો અર્થ છે. ખેલ હિન્દીમાં પણ ખેલ જ કહેવાય છે. मौत से खेलना એટલે ભારે સંકટનો સામનો કરવો, કોઈ ખતરનાક – વિષમ પરિસ્થિતિમાંથી પસાર થવું.सरहद पर हमारे जवान दुश्मनों से लडते वक्त मौत से खेलते है.. સરહદ પર લડતા આપણા જવાનો વિષમ પરિસ્થિતિમાં દુશ્મનો સામે લડતા હોય છે. ओट में शिकार खेलना. રૂઢિપ્રયોગમાં ઓટ એટલે આડશ. દુશ્મન જ્યારે છુપાઈને હુમલો કરે ત્યારે આ પ્રયોગનો ઉપયોગ કરવામાં આવે છે. અલબત્ત ક્યારેક એને કાયરતા સમજવામાં આવે છે તો ક્યારેક હોશિયારી. આને સમાંતર અર્થ ધરાવતો બીજો પ્રયોગ છે टट्टी की आड में शिकार खेलना.. અહીં ટટ્ટી એટલે પાતળી દીવાલ. છુપાઈને કોઈ બૂરું કામ કરવું કે કોઈ ચાલ ચાલવી એ એનો ભાવાર્થ છે.
कच्ची गोटी खेलना રૂઢિપ્રયોગ સમજવા જેવો છે. ગોટી એટલે પ્યાદું. મહત્ત્વની વ્યૂહરચના વખતે નબળું પ્યાદું ઉતારવાથી નુકસાન થાય. મતલબ કે સમજ્યા વિના કોઈ કામ કરવામાં આવે તો ગેરલાભ થવાની સંભાવના વધારે હોય છે. ખેલ શબ્દ પરથી અનેક શબ્દો પણ બન્યા છે. खेलना खाना એટલે રમ્યા – જમ્યા, ખેલવું – કુદવું. મતલબ કે રમતમાં કે આનંદમાં જીવન ગુજારવું, પસાર કરવું. રંગેચંગે પાર પડવું. એક પ્રયોગ છે खेल-खाया આ પ્રયોગનો ભાવાર્થ છે અનુભવી વ્યક્તિ જેણે દુનિયા જોઈ છે. મજાકિયા કે વિનોદી સ્વભાવની વ્યક્તિ માટે खेलार શબ્દ છે.
———
ખેલકૂદ – રમત માટે અંગ્રેજી શબ્દ છે Sport and Sportsmanship એટલે ખેલદિલી. વિવિધ રમતના સંદર્ભમાં અનેકSport Idioms જાણીતી છે. આજે કેટલીક પર નજર દોડાવીએ. ટેનિસની રમતના સંદર્ભમાં એક રૂઢિપ્રયોગ બહું જ જાણીતો છે કે The ball is in your court. મતલબ કે સામેના પક્ષ સાથે અટકેલી બાબતે નિર્ણય લેવાનો છે. Take the decision.The ball is in your court. બીજો પ્રયોગ છે Blow the competition away. . મતલબ કે હરીફાઈમાં કે દલીલબાજીમાં સહેલાઈથી સફળ થવું કે વિજય મેળવવો. Opponent is very weak so our team will blow the competition away. આ રૂઢિપ્રયોગ કોઈ વિશિષ્ટ રમત સાથે નથી સંકળાયો. Go to bat for someone રૂઢિપ્રયોગ વાંચી એને ક્રિકેટ સાથે સંબંધ હોવાનું અનુમાન જો તમે બાંધી લીધું હોય તો એ તમારી ભૂલ છે. આને બેઝબોલની રમત સાથે કનેક્શન છે. કોઈનો બચાવ કરવો કે તરફદારી કરવી એવો એનો ભાવાર્થ છે. Shailesh is asking for salary rise. If the boss refuses I will bat for him.સમજાઈ ગયું ને.
હવે જે રૂઢિપ્રયોગની વાત કરવાના છીએ એને કઈ રમત સાથે સંબંધ છે એનું અનુમાન કરવું એકદમ આસાન છે.Hold all aces મતલબ કે હાથમાં ચાર એક્કા હોવાની વાત છે અને એક્કા તો પાનાની રમતમાં (કાર્ડ ગેમમાં) જ હોય ને. શરૂઆત કર્યા પહેલા જ વિજય મળવાની કે સફળ થવાની સંભાવના વધુ હોય ત્યારે આ રૂઢિપ્રયોગનો ઉલ્લેખ કરવામાં આવે છે. Against Zimbabwe cricket team, India holds all the aces. Level playing field પ્રયોગ પરથી સમજાઈ જાય છે કે કોઈ પણ રમતને લાગુ પડે કારણ કે મેદાનનો સંદર્ભ છે. પ્રત્યેક ઉમેદવાર માટે વિજય મેળવવા સરખી તક રહેલી છે એવો એનો ભાવાર્થ છે. The race is a level playing field because all athletes are almost of same age and height.આજનો અંતિમ રૂઢિપ્રયોગ છે To start the ball rolling.. મતલબ કે કોઈ વાતની શરૂઆત કરવી, પ્રારંભ કરવો. Please everyone be seated so we can start the ball rolling.બધા બેસી જાય તો આપણે કાર્યક્રમની શરૂઆત કરી શકીએ.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.