Homeપુરુષસ્પિરિચ્યુઅલ વેલ્થ

સ્પિરિચ્યુઅલ વેલ્થ

મૌન અને ધ્યાન માટે સમય નહીં, દાનત જોઈએ

મેલ મેટર્સ -અંકિત દેસાઈ

આપણે સ્પિરિચ્યુઅલ વેલ્થ વિશેની વાતોની શરૂઆત કરેલી. આજના જમાનામાં પુરુષ જે રીતે ભાગદોડ કરે છે કે તેના પર ઘર માંડવાથી લઈ ઘર ચલાવવા સુધીની આર્થિક જવાબદારીઓ હોય કે એ પછી તેને કરિયરમાં જે સ્પર્ધાનો સામનો કરવો અથવા તેના પારિવારિક જીવનમાં જે ચડાવ-ઉતાર આવે એ બધાયમાં પુરુષની સ્થિતિ અત્યંત દયનીય થઈ જતી હોય છે. શારીરિક કે માનસિક સ્તર પર તેનું અત્યંત શોષણ થઈ જતું હોય છે, જેને કારણે તે સ્વાભાવિક રીતે ડિપ્રેશન, એન્ઝાઈટી કે અન્ય કોઈ પણ માનસિક બીમારીઓનો ભોગ બનતો હોય છે.
આ તો ઠીક કેટલાય કિસ્સામાં પુરુષ તેની જાત સાથે ન કરવાનું કરી બેસતો હોય છે. અથવા તો તેના મનમાં હંમેશ માટે એક ભાવના ઘર કરી જતી હોય છે કે એ લૂઝર છે, પરંતુ આપણે જ ઊભી કરેલી આ રેટ રેસમાં લૂઝર કે વિનર જેવું કશું હોતું નથી એ સત્ય છે, પરંતુ આપણી તકલીફ એ છે કે આપણને એ સત્ય સમજાતું નથી. હા, એમાં આર્થિક કે ભૌતિક સમૃદ્ધિ થોડી ઘણી વત્તીઓછી હોઈ શકે અને આર્થિક કે ભૌતિક સમૃદ્ધિ વધારવા અમુક એફર્ટ્સમાં પણ વધઘટ હોઈ શકે, પરંતુ આપણે પક્ષે એફર્ટ્સ અપાઈ ગયા પછી ભાગ્ય જેવી પણ કશીક બાબત હોય છે. જે બાબત આપણે સમજી શકતા નથી અને અંતત: આપણે એવું માની બેસીએ છીએ કે આપણે લૂઝર્સ છીએ!
પણ એવું કશું હોતું નથી. અને એવું કશું હોતું નથી એ સમજાવે કોણ? એના માટે કંઈ બહારથી તો કોઈ આપણને જ્ઞાન આપવા આવવાનું નથી? અને જ્ઞાન આપવાવાળા પણ આપણને કેટલું જ્ઞાન આપશે? જેમ આપણું નસીબ એક્સક્લુઝિવ છે, આપણી આ જર્ની એક્સક્લુઝિવ છે એમ જ આપણા પ્રશ્ર્નો અને આપણું એક્સપ્લોરેશન પણ એક્સક્લુઝિવ જ હોવાનું.
એટલા માટે જ આપણે એક મેન્ટલ સ્ટેબિલિટી, એક આગવી સમજણ મેળવી લેવી પડશે, જે સમજણ એ કોઈ વ્યાખ્યા કે સિદ્ધાંત નહીં હોય, પરંતુ એક આખે આખો તેજપૂંજ હોય, જે સતત આપણને આંતરિક રીતે અવેક (જાગ્રૃત) રાખે અને એ સમજણની ચેતનાથી આપણે અત્યંત સરળતાથી આપણું જીવન પસાર કરી શકીએ. અને એ બધું આપણને કોઈ બીજું આપી શકવાનું નથી. કે નથી તો આપણે કમાયેલી ભૌતિક્તા આપણને એ આપી શકશે. કારણ કે ભૌતિકતા કંઈ આપણને મેન્ટલ હેલ્થ નથી આપી શકવાની. કે નથી તો ભૌતિકતા આપણને એક આગવી સંતુષ્ટી, એક આગવો આનંદ (જોય, સગવડો નહીં) આપી શકવાની.
વળી, આપણે ય કંઈ દૂધે ધોયેલા નથી. આપણી અંદર પણ દ્વેષ અને ઈર્ષા જેવી બીજાનું શોષણ કરવાની ભાવના છે. આપણી અંદર પણ વાસના છે. આપણી અંદર પણ ક્યાંક કોઈક પ્રકારની કુરુપતા છે. તો એ બધાને આપણે આપણી અંદર એમનું એમ જ રહેવા દેવું છે? કે એના પર પણ કામ કરીને આપણી અંદર એક શુદ્ધતા (પ્યોરિટી)ને જન્મ આપી આપણે આ જીવન અને જીવના સૌંદર્યોને માણવા છે?
એ બધા માટે જ આજના પુરુષ અધ્યાત્મની નજીક જાય એ વધુ મહત્ત્વનું બની ગયું છે. અધ્યાત્મ એટલે માત્ર ધાર્મિક કર્મકાંડો જ નહીં. અધ્યાત્મ એટલે બાહરી કોલાહલથી દૂર જવું એ પણ. અને બાહરી કોલાહલથી દૂર જવું એટલે શું? લોનાવાલા, ખંડાલા કે માથેરાન નીકળી પડવું? શું ત્યાં તમને આજ સુધી કોઈ શાંતિનો અનુભવ થયો છે? ના કારણ કે શહેરની ભાગદોડ અને શહેરનો કોલાહલ તો ત્યાં પણ પહોંચી ગયો છે. પણ એ કોલાહલથી જો દૂર થવું હશે તો શરૂઆત કરવી પડશે મૌનથી અને મૌન બાદ લગાવવી પડશે ભીતરમાં એક ડૂબકી. જેને માટે ધ્યાન (મેડિટેશન)ની જરૂર છે.
બનવાજોગ છે કે મૌન કે ધ્યાનને ટાળવાનાં તમારી પાસે લાખ કારણો હશે. પણ આ બંને બાબતો એવી છે કે તે ક્યાંય પણ ક્યારેય પણ પ્રેક્ટિસ કરી શકાય. એને માટે જો કોઈ એક બાબતની જરૂરિયાત હોય તો એ બાબત છે આપણી દાનતની. બાકી, એકવાર મૌન કે ધ્યાન માટેની દાનત કેળવી લેશો પછી એકસાથે અનેક ચમત્કારો સર્જાવાના શરૂ થઈ જશે. એવા ચમત્કારો જે તમે કલપ્યા પણ નહીં હોય. જોકે મૌન અને ધ્યાન પ્રેક્ટિસ કરવા પહેલાં થોડું હોમવર્ક કરવું જરૂરી છે. તો આવતા ગુરુવારે મૌન અને ધ્યાન વિશે તમને આ સ્પિરિચ્યુઅલ મેથડ તમને કયાં કયાં લાભ કરાવશે એ વિશે વાતો કરીશું.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular