રિવાજ -માનસી જોશી
મંદિરો કે પુસ્તકોમાં જયાં અન્ય દેવી-દેવતાઓ સુંદર વસ્ત્રો અને આભૂષણોથી સુસજજ દેખાય છે ત્યાં જ આપણા ભોળા શંભુની વાત કરીએ તો તેઓ માથા પર ભસ્મ લગાવીને પોતાના શણગાર કરે છે, કે પછી એવું પણ કહી શકાય કે ભસ્મ એ જ એમનું બીજું વસ્ત્ર પણ છે, કારણ કે તેઓ આખા શરીર પર ભસ્મ લગાવે છે. શિવરાત્રિની પૂજા વખતે શિવજીને ભસ્મ ચઢાવવામાં આવે છે. આ ઉપરાંત ભગવાન મહાકાલની પૂજામાં પણ ભસ્મ આરતીને સૌથી મહત્ત્વનું સ્થાન આપવામાં આવે છે, પણ ક્યારેય વિચાર્યું છે ખરું કે આખરે શા માટે ભોળા શંભુને ભસ્મ અર્પણ કરવામાં આવે છે કે પછી તેનું આટલું બધું મહત્ત્વ શું કામ છે? આજે આપણે અહીં વાત કરીશું કે મહાદેવજીને ભસ્મ ચઢાવવા પાછળના આધ્યાત્મિક અને તેને શરીર પર લગાવવાથી થનારા વૈજ્ઞાનિક ફાયદાઓ વિશે. શિવજીના શરીર પર ભસ્મ લગાવવાનો અર્થ એ છે માનવ એટલે કે આપણે જે શરીર પર આટલો બધો ઘમંડ કરીએ છીએ એ ક્ષણભંગુર છે, નશ્ર્વર છે. આખો દિવસ જે સુખ-સુવિધા માટે આપણે મહેનત કરીએ છીએ, સુંદરતાના મદમાં છકી જઇએ છીએ એ બધુ એક દિવસ તો આપણને છોડીને જતું જ રહેવાનું છે, એટલે શરીર પર કે પછી ભૌતિક સુખ-સુવિધા પ્રદાન કરતાં સાધનો પર ઘમંડ કરવાનો કોઇ જ અર્થ નથી. હવે વાત કરીએ શિવજીની ભસ્મ શરીર પર લગાવવાથી થનારા ફાયદાઓની તો સૌથી મોટો ફાયદો એ છે આ ભસ્મ એ શરીર માટે રક્ષા કવચની જેમ કામ કરે છે.
ભસ્મ શરીર પરના બેક્ટેરિયાથી આપણી રક્ષા કરે છે અને શરીરના છિદ્રોને ઢાંકી દે છે જેને કારણે ન તો શિયાળામાં વધુ ઠંડી પડે છે કે ન તો પછી ઉનાળામાં ગરમી.
શરીર પર રાખ લગાવવાને કારણે માખી, મચ્છર, વંદા, ચાંચડ જેવા જીવ-જંતુઓ દૂર રહે છે.
ભસ્મ એ ત્વચા સંબંધિત સમસ્યાઓ માટે દવાનું કામ કરે છે. માથા પર ભસ્મ લગાવવાથી આજ્ઞાચક્ર જાગૃત થાય છે અને મનમાં આવતા ખોટા ગંદા વિચારો શાંત થઇ જાય છે. આ ઉપરાંત જે માનસિક શાંતિનો અહેસાસ થાય છે એ તો બોનસમાં.
આ જ ભસ્મ જ્યારે માથાને બદલે ગળા પર લગાવવામાં આવે છે ત્યારે વિશુદ્ધ ચક્ર જાગૃત થાય છે અને છાતીમાં વચ્ચોવચ્ચ લગાવવાથી અનાહત ચક્ર જાગૃત થાય છે, જે આપણા શરીરને અનેક પ્રકારના ફાયદાઓ પહોંચાડે છે.