વિપ્ર દેવરામની વાણી

ધર્મતેજ

અલખનો ઓટલો -ડૉ. નિરંજન રાજ્યગુરુ

ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના વાવ ગામના વતની વિપ્ર દેવરામના ગુરુનું નામ હતું પ્રેમહંસ/
પરમહંસ. આ સંતકવિ ઈ.સ.૧૯૦૪માં હયાત હતા. જેમણે સાયલાના લાલજીમહારાજ વિશે પણ ગીત-પદો લખ્યાં છે. એમની રચનાઓમાં દેવરામની બારાખડી (કક્કો) વિ.સં.૧૯૬૦, કુંભકરણનો છંદ, ઈન્દ્રજીતનો છંદ, રાવણનો છંદ, શ્રી પરમેશ્ર્વરને અરજી વિ.સં.૧૯૪ર, જ્ઞાન-વૈરાગ્યનાં પદો, ભક્તિનાં પદો, કૃષ્ણલીલાનાં પદો,બારમાસી-૧,ર. પંદર તિથિ, સાતવાર, દસ અવતાર, સૂરજનો છંદ, વિ.સં.૧૯૩૮. કૃષ્ણનો સલોકો, ગુરુમહિમા વિ.સં.૧૯ર૩, ચાબખા, મહાદેવનો છંદ… વગેરે રચનાઓમાંથી કેટલીક લોકભજનિકોમાં આજે પણ ગવાય છે. આગળ પાછળનાં પૃષ્ઠો વિનાની, વરસો પહેલાં પ્રકાશિત થયેલી એક નાનકડી પુસ્તિકા મારા સંગ્રહમાં સચવાઈ છે, પરંતુ એમાંથી આ કવિના જીવન વિશે કશી માહિતી પ્રાપ્ત
થતી નથી.
(ઢાળ- ધીરાની કાફી)
સતગુરુ કેરા ચરણે રે,
સુંદર સુખનું સરોવર ભર્યું
નિત નિત એમાં નાઈએ રે,
જહાજ ઝરણાનું ર્ક્યું..
ચરણ સરોવર ને પ્રેમની પાળ,
ભર્યાં માંઈ ભવજળ પૂર,
વિવેક વિચારનાં વૃક્ષ્ા ઊભાં છે,
નિરમળ વર્ષ્ાા થાવે નૂર,
એવા પ્રેમીજન સહુ પ્રીતે રે,
એમાં આવી સ્નાન ર્ક્યું…
સતગુરુ કેરા ચરણે રે,
સુંદર સુખનું સરોવર ભર્યું….૦
રંગ બુદબુદા, તાગ વૈરાગના,
કળિયું કમળ સુગંધ,
ભજન ભમરા ઘૂં ઘૂં કરે,
મોહિત થઈ ર્યાં મન,
એવા મરજીવા મન મગરૂરે,
ધ્યાન ધણીનું એવું ધર્યું..
સતગુરુ કેરા ચરણે રે,
સુંદર સુખનું સરોવર ભર્યું….૦
સંતોષ્ા વેલડી, શીતળ છાંયા,
ક્ષ્ામા ખૂબ વિશ્રામ,
હંસ બેઠા નિયાં મોતીડાં વીણે,
ચૂગે સતગુરુનું નામ,
આનંદે લ્હેરૂં આવે રે,
આવાગમણ તો ઈયાં ન ર્યું..
સતગુરુ કેરા ચરણે રે,
સુંદર સુખનું સરોવર ભર્યું….૦
સુરતિ અમારી સુખડાં પામી,
ગોતી લીધાં મોતી,
પરમહંસને પાય જ લાગી,
સુંદર સ્વરૂપ જ્યોતિ
હવે તનનો મેળ્યો ટાળો રે,
દેવરામનું દલડું ઠર્યું..
સતગુરુ કેરા ચરણે રે ,
સુંદર સુખનું સરોવર ભર્યું….૦
ૄૄૄ
મંઝારીનાં બાળ ઉગાર્યાં નિંભાડા માંયથી નાથે,
સૂરદાસની સ્હાય કરી’તી પકડી લીધા હાથે,
એમ અમોને ઉગારો રે, પરશોત્તમજી થાઓ પ્રસન્ન
દીનાનાથ દયા કરોને, કષ્ટ નિવારણ કરસન
રે કષ્ટ નિવારન કરસંન…૦
પેદા ર્ક્યાં તો હવે પાળો મોહન! માગ્યામાં શું મળશે ?
પરભુ ભજ્યાની પરખ ના રે,
જ્યમ લુણ પાણીમાં ગળશે,
સરવે જીવ સરખા થાશે,
દીનબંધુ દિયોને દરશન..
દીનાનાથ દયા કરોને,
કષ્ટ નિવારણ કરસન
રે કષ્ટ નિવારન કરસન…૦
વડાને કોઈ દિ’ વિકાર ન હોયે,
જોઈ વિચારો જુગદિશ,
કરમહિણા જીવ કળજુગ કેરા,
એની માથે શું રીસ ?
કોક તમારો ભગત કહાવે એને તમારી તરશન..
દીનાનાથ દયા કરોને,
કષ્ટ નિવારણ કરસન
રે કષ્ટ નિવારન કરસન…૦
સરબગ સુતતર નામ તમારું,
બ્રહ્માંડે ભરપૂર,
ગોપીનાથ ગિરધારી,
સરવે નંદલાલાનું જ નૂર,
ઉદ્ધાર કરોને અમારો રે,
વિઠ્ઠલજી ગરુડ વાહન..
દીનાનાથ દયા કરોને,
કષ્ટ નિવારણ કરસન
રે કષ્ટ નિવારન કરસન…૦
કિરપા કરો તો કલ્યાણ થાશે,
સરવ જીવોને થાશે સુખ,
ઓગણ સાઠડો ઉડી જાય ને દૂર કરી દ્યો દુ:ખ,
સંભાળ લ્યો સંસારની,
સૂતાં શીશ આસન..
દીનાનાથ દયા કરોને,
કષ્ટ નિવારણ કરસન
રે કષ્ટ નિવારન કરસન…૦
દેવરામને દયા કરીને ઉગારી લ્યો અવિનાશી,
પાંચાળીના ચીર પૂર્યાં’તા,
વનરાવનના વાસી,
જદુનાથ જગદીશ કહાવો,
હવે બાંય ગ્રહિયો બાવન..
દીનાનાથ દયા કરોને,
કષ્ટ નિવારણ કરસંન
રે કષ્ટ નિવારન કરસન…૦
(સાખી)
પેદા કરંદો પાળશે, જેણે લખિયાં લેખ, દેવરામ મેલો દુબજા, વધે ઘટે નહીં રેખ઼.
ના સુખ છે સંસારમાં, ના સુખ ભેખ લિયે, દેવરામ સુખ સંતોષ્ામાં, પ્રેમ મગન થઈ રહીએ..
(ગરબી)
અમને વાલો લૂંટે છે વાટમાં રે, જઈ બેઠો છે જમનાના ઘાટમાં રે,
મોહન મારે છે ગેડિયો માટમાં રે,
અમને વાલો લૂંટે છે વાટમાં રે…૦
અમને વાલો લૂંટે છે વાટમાં રે…૦
હું રે અબળા અકળાણી આવડી રે,સૂણો નંદબાવા! જશોદા માવડી રે..
અમને વાલો લૂંટે છે વાટમાં રે…૦
કાં ચાલો કંસ રાજાને કીજીયે રે, એની રૈયત થઈને રીજીયે રે..
અમને વાલો લૂંટે છે વાટમાં રે…૦
ક્યાંથી આવ્યો આ દાણી વ્રજમાં નવો રે,કોક ગોપીની આપદા તો
જુવો રે..
અમને વાલો લૂંટે છે વાટમાં રે…૦
મારા ચીર ચોરીને કદંબે ચડે રે, કે દહાડાનો લારે ઈ પડે રે..
અમને વાલો લૂંટે છે વાટમાં રે…૦
પરમહંસ કે પ્રેમવંત લાવીએ રે, દેવરામ સ્વામીના ગુણલા ગાવીએ રે..
અમને વાલો લૂંટે છે વાટમાં રે…૦

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.