જે કાયમ તમારી ભેળો જ છે એ અંતરાત્માનો પરિચય કરી લ્યો, એને ઓળખી લ્યો
અલખનો ઓટલો -ડૉ. નિરંજન રાજ્યગુરુ
એવી સતાર સોરંગી રે,
જરે માંહી સાતમો ઝારો,
એને નૂરતે સુરતે નીરખો રે,
બોલી રિયો બાવન બારો….૦
પાંચ તત્વ,ત્રણ ગુણ,પચીસ પ્રકૃતિનો મેળ કરીને આ દેહની રચના થયેલી છે, એના રોમ રોમ મહીં જ્યારે સંગીતના સ્વરો રણઝણી ઉઠે, તંતુએ તંતુ જ્યારે તૂંહિ… તૂંહિ….તૂંહિ…ના અજપાજાપ સાથે એક્તાર થઈ ગયા હોય, એની તાળી લાગી ગઈ હોય ત્યારે કરોડો સૂર્યના પ્રકાશનું અજવાળું ભીતર પ્રગટે. હવે અજ્ઞાનરૂપી અંધકાર ક્યારે ય આવવાનો નથી,સદૈવ સુખની સવાર જ રહેવાની છે..
(સાખી) ઈંગલા પિંગલા
સુખમણા નારી,
તરવેણી ઘાટ તમારો,
ગગન મંડળમાં ગુંજી રિયો,
એનો ધરણી માથે ધમકારો..
એવો લોચનિયામાં લાગ્યો રે ,
સુંદર વરનો સનકારો..
એવી સતાર સોરંગી રે,
જરે માંહી સાતમો ઝારો,
એને નૂરતે સુરતે નીરખો રે,
બોલી રિયો બાવન બારો….૦
(સાખી) આતમ રૂપી એક છે,
બાંધ્યો વરણ તણો વાડો,
ઊંંચ નીચ ને ઉત્તમ મધ્યમ,
અંતે સરવનો એક આરો,
ચતુરાઈ કરે સંસારમાં,
ન્યાં છે એકાકારો,
નાનક કહે છે નીરખો રે,
ભેળો બેઠો છે એને ભાળો..
કહે નાનક ગંગને ચરણે રે,
કાયમ ભેળો છે એને ભાળો..
એવી સતાર સોરંગી રે,
જરે માંહી સાતમો ઝારો,
એને નૂરતે સુરતે નીરખો રે,
બોલી રિયો બાવન બારો….૦
ત્રણ મુખ્ય નાડી-ઈડા,પિંગલા અને સુષ્ાુમ્ણા જ્યારે ત્રિવેણીના ઘાટે – સંગમસ્થળે એકમેકમાં ભળીને એકરૂપ બની જાય, અથવા તો સૂર્ય અને ચન્દ્ર – ઈડા અને પિંગલા સ્થિર થઈ જાય ને ત્રીજી ગુપ્ત-સૂપ્ત સુષ્ાુમ્ણા જાગૃત થાય ત્યારે ગગનમંડળમાં વીજળીના ચમકારા સાથે મેઘની ગડગડાટી (અનાહત નાદ)સંભળાય, અને લોચનમાં- અંતર્દ્રષ્ટિમાં- સુંદરવરની સાન પ્રાપ્ત થઈ જાય. એમાં ંચા-નીચા, નાના-મોટા, સ્ત્રી-પુુરૂષ્ા એવા કોઈ જ ભેદ નથી. આત્મા રૂપે સૌ એક્સરખાં જ છે પરંતુ અહિયાં આ સંસારમાં આપણે વાટાઓ બાંધેલા છે, ંચ,નીચ, ઉત્તમ,મધ્યમ,કનિષ્ટ એ દરેક જીવનો મૃત્યુ રૂપી અંત તો એક સરખો જ હોય,અહીં સંસારમાં પોતાની નાત-જાત, પોતાની સંપત્તિ-સત્તા, પોતાનાં ડહાપણ-ચતુરાઈ દેખાડનારા દરેકનો અંતે એક જ આરો હોય,પરમાત્માના ઘરમાં તો એકાકારો જ છે એટલે તો ગુરુ ગંગસાહેબના શરણમાં નાનક્સાહેબ કહે છે કે જે કાયમ તમારી ભેળો જ છે એ અંતરાત્માનો પરિચય કરી લ્યો, એને ઓળખી લ્યો.
નાનક્સાહેબ(ઈ.સ.૧૭૯૪-૧૯૦૧)ની ૧૦૩ જેટલી રચનાઓ ‘ સત્ય શબ્દનાનક વાણી વિલાસ’ના નામથી મહારાજશ્રી મૂળદાસ કેશવદાસ શુક્લ દ્વારા પ્રકાશિત કરવામાં આવી છે. જેમાં અનેક રચનાઓના પાઠાંતરો પ્રાપ્ત થાય છે. લોકભજનિકોના કંઠેથી સાંપડેલી નાનક્સાહેબની અન્ય રચનાઓ જોઈએ-
લક્ષ્મીવર લટકાળો મેલી,
બીજાં કીરતન કોણ કરે ?
સતગુરુ સાહેબ સનમુખ ભાળ્યાં,
નિરખો નયને નૂર તો ઝરે..
-લક્ષ્મીવર લટકાળો મેલી,
બીજાં કીરતન કોણ કરે ?..૦
મોર મુકુટ શિર ઉપરે સોહે,
મુખ પર મુરલી ઠીક બજે,
શંખ ચક્ર ગદા ને પદમ છે,
મારા છબીલાની શોભા ભજે..
-લક્ષ્મીવર લટકાળો મેલી,
બીજાં કીરતન કોણ કરે ?..૦
રાસ રમવા હાલી’તી રીંછડી,
એને ગોપી કીધી મોટા ગજે,
રાધાજી તો રીસે ભરાણાં,
સતભામા શણગાર સજે..
-લક્ષ્મીવર લટકાળો મેલી,
બીજાં કીરતન કોણ કરે ?..૦
તારા નામે પાપો પ્રજળે,
ગુણિકા ગુરુ ગોવિંદ ભજે,
શિલા તણા તેં શ્રાપ ઉતાર્યા,
એવી અહલ્યા તારા જાપ જપે..
-લક્ષ્મીવર લટકાળો મેલી,
બીજાં કીરતન કોણ કરે ?..૦
મુગતિ કેરો મારગ મોટો,
સાચવાળાને ચડે સહેજે,
કહે નાનક ગુરુ ગંગ પ્રતાપે,
રહેણી-કરણીમાં ભજને રહેજે ..
-લક્ષ્મીવર લટકાળો મેલી,
બીજાં કીરતન કોણ કરે ?..૦
***
(રામગરી)
હે જી વ્હાલા રાખોને પ્રીતું રામની,
પલ પલ આવે તારી પાસે,
આતમ રૂપી એક છે,
સમરી લ્યો શ્ર્વાસે શ્ર્વાસે..
-હે જી વ્હાલા રાખોને પ્રીતું રામની…૦
હે જી વ્હાલા ધ્યાન ધરો તો હરિ ઢૂંકડા,
રૂદિયામાં રાખો વિસવાસે,
માયાની છાયામાં છૂપાઈ રિયો,
ભગતુંના દરશનની આશે..
-હે જી વ્હાલા રાખોને પ્રીતું રામની…૦
હે જી વ્હાલા ખડકી અગમ કેરી ખોલજો,
વાજાં છતરીશ વાગે,
તિમિર ભાંગો તો તાળાં ઉઘડે,
દેવ તો દેવળમાં જાગે..
-હે જી વ્હાલા રાખોને પ્રીતું રામની…૦
હે જી વ્હાલા આનંદે આતમ ધ્યાનથી,
સુરતાને સાધી લ્યો સુવાંતે,
કહે રે નાનક ગંગને ચરણે,
પછી નિર્ગુણ જપજો નિરાંતે…
-હે જી વ્હાલા રાખોને પ્રીતું રામની…૦ ૦૦