અલખનો ઓટલો -ડૉ. નિરંજન રાજ્યગુરુ
રવિ ભાણ સંપ્રદાયના મોરારસાહેબના શિષ્ય તરીકે આનંદરામ કે આણંદરામ નામના સંતકવિની વાણી પણ ભજનિકોમાં ગવાય છે. એમના જીવન વિશે કોઈ પ્રમાણભૂત કહી શકાય એવો ઈતિહાસ મને પ્રાપ્ત થયો નથી. ‘રાજયોગવાણી’ સં. રામજી હીરસાગર, રાજકોટ, ઈ. સ. ૧૯૭૬માં પૃ. ૮૯ પર આનંદરામજીના નામાચરણ સાથે ચાર રચનાઓ અપાયેલી છે, જેમાં ‘અબ તો મનવા મેરા કરી લે શુદ્ધ વિચાર’ અને ‘સત ચિત આનંદ મેરા રહો સતગુરુ, સત ચિત આનંદ મેરા…’ ઉપરાંત નીચેની બે રચનાઓ થોડા પાઠાંતરો સાથે સંકલિત થઈ છે.
પૂરણ બ્રહ્મ પાર પરમાત્મા,
હે સતગુરુ મેરા જ્ઞાની,
સહજ સમાધિ મેં રહો અહોનિશ,
ભેદ ભ્રમણા સબ ભાંગી…
સજાતિ વિજાતિ સુ ગત ભેદ વિના,
શબ્દાતીત નિરવાણી,
તીન અવસ્થા કા શુદ્ધ હે સાક્ષી,
તુરિયાતીત કહાણી…
બ્રહ્મ વિદેહી, બ્રહ્મ સ્વરૂપ તે,
વેદ વાક્ય તે ઠેરાની,
જ્ઞાની કું દેહ જે દેખત મૂઢ મતિ,
તે હે અજ્ઞાની…
અખંડ એક રસ અવયવ નાંહી,
વ્યોમ દૃષ્ટિ પહિચાંની,
આનંદરામ અબ આનંદકારી,
સોઈ ગુરુ અનુભવદાની…
***
રે સતગુરુ, તુમ લગ મેરી દોર,
અવર નહીં સૂઝત ઠોર…
માત પિતા સબ હી તુમ મેરે,
તુમ બિન સગો નહીં ઔર…
તુમ હો પ્રીતમ પ્રાણ પિયારે,
તુમ હો શિર કે મોડ,
તીરથ વ્રત સાધના સંયમ,
તુમ મુક્તિ કો પોર…
કામ ક્રોધ લોભ અરુ મમતા,
તા કો જ્યાં નહીં જોેર,
આનંદરામ સતગુરુ મોરાર કે બલસુ,
કેદ કિયો મન ચોર…
આનંદરામજીના બે શિષ્યો થયા, એક વાંકાનેરના પ્રજાપતિ કુંભાર ભક્ત કરમશીબાપા અને બીજા રાજકોટ મોચીબઝાર નિવાસી લુહાર ભક્ત અમરશી માધવજી. ઉપર્યુક્ત પુસ્તકમાંથી મળતી કરમશીબાપા તથા અમરશીબાપા આસોડિયાની ભજન રચનાઓમાંથી કેટલાક નમૂના અંશો…
(પરજ)
અરે ગુરુજી, કુડ કપટની રે માંય,
વદું છું જૂઠી વાણી રે
એમાંથી તમે રે ઉગારો મહારાજ,
અંતર દયા આણી રે…
અરે ગુરુજી, સત શબદ નિરધાર,
ગુણ નવ ગાવે રે,
એવા અંતર ઘટ અખંડ અપાર,
તેને નવ ભાવે રે…
અરે ગુરુજી, નાભિએ નારાયણનું નામ,
શ્ર્વાસામાં નવ જાણ્યું રે,
એવા ખાલી શ્ર્વાસા ખોટા રે ખેંચાઈ,
એને શું વખાણું રે?
અરે ગુરુજી, વરી છું સંતોષ વરને આજ,
થઈ ત્રણ લોકની રાણી રે,
એવા સંસાર ભવસાગરની માંઈ,
સમ દૃષ્ટિથી જાણી રે…
અરે ગુરુજી, કિયાં આવું,
કિયાં જાઉં? હું તો નિરવરતી નારી રે,
એવા પુતર પામી જ્ઞાન ને વૈરાગ,
શાન્તિમાં સમાણી રે…
અરે ગુરુજી, શું રે સજું શણગાર?
વિધવામાં સુખ ભાળ્યું રે,
એવા અંતરમાં ગુરુજી છો અપાર,
ત્રિકમજી અમને તારો રે…
અરે ગુરુજી, અખંડી ધરું રે હું તો ધ્યાન
તરવેણીના તીરે રે,
એવા શૂન શિખર ગઢ છે શ્યામ,
એને જોવા આવી રે…
અરે ગુરુજી, અંતર ઉગારજો રવિ ભાણ,
જોતામાં સુરતા જાગી રે,
એવા કરમશીને મળ્યા આણંદરામ,
એનાથી ભે ભાંગી રે…
***
અરે ગુરુજી, વચન તણો વરસાદ,
પથરા નવ ભીંજે રે,
એવા અનંત કરો ને ઉપાય, આતમ નવ રીઝે રે…
*** હાં રે તમે નૂરત સૂરતથી રે દેખો,
કોઈ દેહડી નગરની માંઈ…
વાંસલડી વાગે છે ન્યાંઈ,
શબદ ધૂન લાગે છે રે ત્યાંઈ…
હાં રે તમે કોટિ કરો રે ઉપાય,
તબ આતમ સમાધિ થીર થાઈ,
ગુરુજી મળિયા ઘટડાની માંઈ,
સુરતા શૂન્યમાં રહી સમાઈ…
હાં રે તમે ભટકો છો રે ભાઈ
જોઈ લ્યો આપ શરીરમાં જાઈ,
બ્રહ્માંડ ભરિયું છે ભ્રૂકુટિની માંઈ,
સબ ઘટમાં રિયો હે સમાઈ…
હાં રે ગુણ ગુણથી નવ ગણાય,
એથી અલખ પુરુષ ઓળખાઈ,
નૂરિજન નૂરમાં રિયો સમાઈ,
મદમસ્ત બન્યો મન માંઈ…
હાં રે જોેતજોતામાં જુગ જાઈ,
કરી લે અંતર ઘટમાં ઉપાય,
ભટકીશ મા ભવસાગરની માંય,
મનખા દેહ દેવનેય દુર્લભ ભાઈ
હાં રે સત શબદમાં રે જે સમાઈ,
એવા દાસ અમ્મર છે ઘટમાંઈ
ગુરુ આનંદ મળ્યા મુંને ભાઈ,
જબ જ્યોતમાં જ્યોત મિલાઈ…
કરમશી બાપાના નાદશિષ્ય થયા રાજકોટના હીરસાગરબાપા. (સમાધિ : વિ. સં. ૧૯૮૬, ભાદરવા વદી ૯, બુધવારે. રાજકોટ) અને હીરસાગરબાપાના શિષ્ય થયા બાંદરાની ગમ ફોજના ઉગારામજી.
કહે હીરસાગર સુણો હરિજનો, નામ નિરંજન હે ન્યારા,
જે નામે આ સૃષ્ટિ રચાણી, રચાણાં સરવે બ્રેહમાંડા…
દેવી દેવતા ઈ નામ થકી છે, નામ થકી શાસ્ત્ર ને પુરાણા,
નામ થકી છે સૂરજ ચાંદા, નામ થકી દશ અવતારા
નામ થકી અનેક સંતો, ગ્રહીને નામ આધારા
પીર પેગંબર તીર્થંકરો તે નામ કા સોઈ વિસ્તારા…
નામ રૂપ ગુણથી આગે પોતે, સતનામ કિયા વિચારા
જે નામ અનામી પાયા ઘટ મેં, નિરંતર હે નિરધારા
નામ પાયા સતગુરુ શરણસે, હુવા જીવ કા નિસ્તારા
હીરસાગર હરિ પરગટ દેખ્યા, સતગુરુ દેવ કે દીદારા…