કેફિયત-એ-કચ્છ -રાજેશ માહેશ્ર્વરી
કચ્છીયતનું પ્રતીક ભૂંગા વિશે આપણે ગયા પ્રકરણમાં તેના આકાર, રચના, તેની બનાવટ વગેરે વિશે ચર્ચા કરી. આ પ્રકરણમાં તેના સુશોભન માટે કચ્છી ગ્રામીણ લોકો શું શું કરે છે તે બાબતે જાણીશું.
માટીનો ઉપયોગ ભૂંગાના બનાવટ માટે ખૂબ જ અગત્યનો પદાર્થ છે. માટી એ ઈકો ફ્રેન્ડલી ગણાય છે. તેને ઘાટ આપી શકાય, તેને ચાક પર ફેરવી માટલા, કૂંડા, દીવડા વગેરે જેવા આકાર આપી શકાય, તેને કોઈ સપાટી પર જડી શકાય, તેની તકતી જેવી પાટ પણ બનાવી શકાય. તેને ભઠ્ઠીમાં તપાવી સખત-પત્થર સમાન બનાવી શકાય અને તેના પર પોલિસ પણ ચઢાવી શકાય. તેને પાણીમાં ઓગાળી પણ શકાય અને તેનાથી પાણી-બંધ ટાંકીઓ પણ બનાવી શકાય. તેનો બગાડ શક્ય નથી. માટી એ માનવીની હાથવગી અને ઘરગથ્થુ અદ્ભુત સામગ્રી છે.
માટીના ઉપયોગથી કરાતું લીંપણ એ એક વિશેષ ઘટના છે. લીંપણમાં માટીને વિવિધ પારિમાણિક આકારો આપીને જાણે થીજવી દેવાય છે. લીંપણથી પરંપરાની અનુભૂતિ થાય છે. તેનાથી માનવી માટી સાથે જોડાયેલ રહે છે, તેના સ્પર્શમાં “હૂંફ અનુભવાય છે. તેની બરછટતા ક્યારેક ગલગલી કરી જાય છે. તેનાથી સપાટી પર એકધારાપણું ઊભરે છે. તે જાણે બધાને પરસ્પર સાંકળી રાખે છે.
વિશ્ર્વમાં માટીનાં ઘરો તો અનેક પ્રકારે બનતાં આવ્યાં છે. આ બધામાં જમીન સાથે જોડાયેલા હોવાનો ભાવ દૃઢ થાય છે. પણ જ્યારે મકાનને લીપણથી સજાવવામાં આવે ત્યારે તે જાણે જાણીતું, પોતીકું, ગામઠી, તળપદી તથા ઉષ્માપ્રદ બની રહે છે. કચ્છના ભૂંગામાં આ બંને વાતો સંવાદિતાપૂર્વક સંયોજાઈ છે.
માટીના બનાવાયેલા તથા લાકડા / ઘાસના છાંપરાવાળા ગોળાકાર ભૂંગા એ કચ્છની પરંપરાગત વિરાસતના પ્રતિનિધિ છે. અહીં બન્ની વિસ્તારની સંસ્કૃતિનું પ્રત્યેક પાસું જાણે પ્રતિબિંબિત થાય છે. આ મકાનો ભારતના પરંપરાગત આવાસોમાંનું એક અનોખું પ્રકરણ તો છે જ, પણ સાથે સાથે ઇજનેરી, સ્થાપત્ય કળા અને કલાત્મક બાબતો જે રીતે રેખાંકિત કરાઈ છે તે માણવા જેવી છે. ધરતીકંપની થપાટો વચ્ચે પણ અડીખમ ઊભેલા ભૂંગા, વાતાવરણના વિપરિત પરિબળો અને સ્થાનિક પ્રજાને જાણે વરસોથી કવચ પૂરું પાડે છે. આ મકાનોમાં અહીંનું ધબકતું જીવન જાણે ઝીલાઈ જાય છે. આ ભૂંગા તેના મૂળ આકાર અને પ્રમાણમાપને કારણે મનોહર તો લાગે છે. પણ સાથે સાથે તેની સપાટીઓ પણ લીંપણકામથી કરાતા સુશોભવનથી તે ઓર દીપી ઊઠે છે.
અહીં કરાતું સુશોભન માટેનું લીંપણ મુખ્યત્વે દીવાલો પર બાર સાખના ચોકઠા ફરતા, ગોખની ચારે તરફ, રાચ રચીલાના સ્થાનને નિર્ધારિત કરતી જગ્યા પર દીવાલમાં જડી દેવાય દર્પણ ફરતે, પનિહારા જેવા સ્થાનને મહત્ત્વ આપવા તેની આજુબાજુ પૂજા સ્થાને, દીવાલના નીચેના ભાગને વધુ ઉપસાવવા દીવાલ તથા તળિયાના સંવણ પર તથા ચોક્કસ વિભાગને ધારે ધારે કરાય છે. અહીં દીવાલ પર કરતા સુશોભન માટેના લીંપણથી જે તે સ્થાનની દૃષ્ટ-અનુભૂતિ સમૃદ્ધ થાય છે.
આ લીંપણ માટે તેમાં સારી માટી સાથે ઊંટની લાદ તથા ક્યારેક ઝીણું કાપેલું ઘાસ મેળવાય છે, હાલમાં જો કે આવા મિશ્રણમાં રાસાયણિક એડેઝીવસ પણ ભેળવાય છે. આ સામગ્રીથી બનાવાતી રચનામાં તિરાડ પડવાની સંભાવના ન રહેવા પામતી હોવાથી તેનાથી નાની નાની ભાત પણ ઉભારી શકાય છે. આ પ્રકારના સુશોભનમાં મુખ્યત્વે પશુ-પક્ષીના આકારો, ફૂલચતી, પંખા જેવા કેટલાંય ઉપકરણો, નિમ્નતમ રેખાઓથી દોરાયેલા દેવી-દેવતાઓ, કળશ જેવા કેટલીક ધાર્મિક ક્રિયાઓમાં વપરાતાં સાધનો, માણસો તથા જાત-જાતના ભૌમિતિક તેમજ અભૌમિતિક ભાત-પેટર્ન પ્રયોજાતી હોય છે. સામાન્ય રીતે આવી ભાતના એક ઘટકનું માપ ૧૫ સેમીથી મોટું રખાતું. અહીંના લોકો આવા પ્રમાણમાપ માટે વધુ સભાન લાગતા હોય છે.
એમ જણાય છે કે આ લોકો માટે લીંપણકામ લાકડાં પર કરાતી કોતરણી સમાન છે. લાકડામાં કરાતી કોતરણીમાં બારીકાઈનું જેવું અને જેટલું મહત્ત્વ છે તેવું અને તેટલું જ મહત્ત્વ આ લીંપણકામમાં નાની કારીગરીનું છે. અહીં એમ મનાય છે કે આ કામ જેટલું નાના પ્રમાણવાળું તેટલું જ તે કલાની દૃષ્ટિએ વધુ સમૃદ્ધ.
અહીં લીંપણકામ ક્યારેક મને વ્યક્તિગત રીતે મહેંદીકામ લાગે છે. મહેંદીમાં પહેલાં મુખ્ય આકારો નિર્ધારિત કર્યા પછી આજુબાજુની જગ્યાએ વિવિધ પ્રકારની ટેક્ષચર વાળી પેટર્નથી ભરી દેવાય છે. તેમ અહીં પણ દીવાલો પર મુખ્ય સ્થાનોને સુશોભિત કર્યા પછી આજુબાજુ ‘ફીલર’ કહી શકાય તેવી રચના કરાય છે. ક્યારેક આવું સુશોભન કેન્દ્રસ્થાને રાખીને તેની ફરતી ભાતને દૂર જતાં ક્રમશ: આછી કરી અંતે છોડી દેવામાં આવે છે. આ બધી જ રચનામાં તેઓ સ્થાનિક માટીના રંગો
તથા વિવિધ આકારના કાચ / અરીસાના ટુકડાઓનો ભરપૂર છૂટથી ઉપયોગ કરે છે. હવે આ કાચના સ્થાને પ્લાસ્ટિકના ટુકડાઓ કાપીને પણ લગાડવામાં આવે છે, પરંતુ દીવાલ-લીંપણમાં ઉપસાવેલી રેખાઓનું મહત્ત્વ સૌથી વધુ ગણાય.
કચ્છના ભૂંગાના આ દીવાલ-લીંપણને કલાત્મકતાની દૃષ્ટિએ મૂલવવા જોઈએ તો તેનું પ્રમાણમાપ ખાસ નોંધવા જેવી બાબત ગણાય. ઉપસાવેલી માટીની રેખાથી ઊભરતી ભાતનું માપ તથા તેના વિવિધ ઘટકોનું પરસ્પરનું પ્રમાણ માપ જે રીતે સુંદર બની રહે છે તે એક વિરલ બાબત છે. અહીં કયા કયા માપનો કયો કયો આકાર ક્યાં દોરવો અને અને તેમાં કયા માપના કાચના ટુકડા ઝડવા એ બાબતો ખૂબ જ સમાનતાપૂર્વક નક્કી થતી હોય છે તેમ લાગે છે. કાં તો આવી બાબતો ત્યાંના લોહીમાં જ વણાઈ ગઈ હશે. વળી ક્યાં શેનું આલેખન કરવું તે વિશેનો નિર્ણય પણ ધ્યાન આકર્ષે તેવો હોય છે. અહીં વિવિધ આકારોનું સંકલન જે રીતે કરાય છે અને તેમની વચ્ચેના સ્થાનોમાં જે પ્રમાણે ભાત-પૂરવણી થાય છે તે પણ કલાત્મકતાની દૃષ્ટિએ ઉલ્લેખનીય છે. વળી આ બધી રચનાઓમાં વિગતીકરણનું મહત્ત્વ પણ એવું જ ઊંચું છે. અહીંની પ્રજાને જાણે ખબર હોય કે કઈ બાબતને કયા ભાગને કઈ રીતે સમૃદ્ધ બનાવી શકાય.
આમ તો મૂળમાં માટી એ સ્થાપત્યની માળખાકીય સામગ્રી છે. પણ તેનો ઉપયોગ સુશોભન માટે પણ થતો આવ્યો છે. ખરેખર તો માટી જીવનના પ્રત્યેક પાસાં સાથે સંકળાયેલી છે. માટીનાં વાસણો, માટીનાં રમકડાં તથા મૂર્તિ, માટીનાં ઉપકરણોથી જીવન જાણે સમૃદ્ધ બને છે. હજુ પણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં માટીથી નહાવાય છે અને કપડાં પણ ધોવાય છે. માટીના વાસણમાં જમવાની પરંપરા આજે પણ ગ્રામીણ વિસ્તારમાં પ્રચલિત છે. માટી નૈસર્ગિક ઉપચારમાં પણ મહત્ત્વની છે. અરે! મૃત્યુ વખતે પણ માટીની ચોકી-લીંપણ પર શબને રખાય છે. તેનાથી ઘરને શણગારવાનો વિચાર જ પ્રેરણા આપે તેવો છે.
કચ્છના ભૂંગાની દીવાલ-લીંપણથી જાણે માટીને નવું સ્વરૂપ મળ્યું છે. સામાન્ય ગણાતી માટી હવે સમૃદ્ધ લાગે છે. કોઈ પણ પરિપ્રેક્ષ્યથી સૌમ્ય કહી શકાય તેવું આ સુશોભન જાણે ગુફા-સ્થાપત્યમાં કરાયેલ ભીંત-ચિત્રો સમાન છે. ફેર એટલો જ કે કોઈ વ્યવસાયી કલાકારની રચના નથી. આ તો અહીંની પરંપરા છે. આ તો નાની-નાની બાબતોથી જીવનને સમૃદ્ધ કરવાની કળા છે. સહજમાં મળે તેના જ ઉપયોગથી સંભવિત બનતી અભિવ્યક્તિ છે. ભૂંગાની દીવાલો પરનું આ સુશોભન અહીંની રબારી પ્રજાની ખુમારી તથા સંવેદનશીલતા બતાવે છે. પ્રાપ્ત ફાજલ સમયનો સદ્ઉપયોગ કરવાની એક અનોખી રીતે છે. દીવાલ-લીંપણ આજે બંગલાઓ, સંસ્થાઓ અને ચોક્કસ પ્રકારની ઉજવણી વખતે બનાવતી હંગામી રચનાઓમાં મહત્ત્વનું અંગ બની રહ્યું છે. આવાં સ્થાનોમાં સુશોભનમાં તેનો વપરાશ પરંપરામાં વિકસેલ કળાનું મહત્ત્વ છે.