Homeવીકએન્ડસ્થાપત્યમાં વિશેષપણું

સ્થાપત્યમાં વિશેષપણું

સ્થાપત્યનું વાઈ-ફાઈ -હેમંત વાળા

અલગ દેખાવાની ઘેલછામાં ક્યારેક વિકૃતિ આવી જાય છે -એક અલાયદી ફ્રેમથી પણ વિશેષપણું ઊભરી શકે -વિગતીકરણથી સ્થપાયેલ વિશેષપણું

કળાના દરેક ક્ષેત્રમાં તેનાં અંગો પરસ્પર સંકળાયેલા હોય છે. આવા સંકલન થકી જ ઊભરતી સમગ્રતાની લાગણી થકી કળાના જે તે નમૂનાનો સંદેશો પહોંચે છે. આ તો એક વાક્ય જેવું છે. વાક્યનો દરેક શબ્દ સાર્થક રીતે અન્ય શબ્દો સાથે સંકળાયેલો હોય તો જ વાક્યનો અર્થ ઉદ્ભવે. વાક્યના શબ્દો જો પોતાની આગવી તથા ‘એકાકી’ વાત કહેવા જાય તો વાક્યના સાંદર્ભિકતા જ ન રહે. વાક્યની આવી સમજ ફકરા તથા લેખ અથવા પ્રકરણ માટે પણ લાગુ પાડી શકાય. તે છતાં પણ વાક્યમાં અમુક શબ્દોનું ખાસ મહત્ત્વ હોય છે. આ શબ્દો વાક્યના સંદર્ભમાં અગત્યનો ભાગ ભજવતાં હોય છે. તેથી જ આવા શબ્દોને ‘ઘાટા’ કે ‘અલંકૃત રીતે’ લખવામાં આવે તો જે તે વાક્યનો જે તે અર્થ વધુ સહજતાથી સ્પષ્ટ થાય. કળાના અન્ય ક્ષેત્રોમાં અને તેથી સ્થાપત્યમાં પણ આમ થતું જોવા મળે છે. વાક્યમાં જેમ કેટલાંક શબ્દો કે શબ્દ-સમૂહને ઘાટા બનાવાય છે તેમ સ્થાપત્યમાં તેમાં કેટલાંક અંગોને વિશેષપણું અપાય છે. અહીં હું સભાનતાપૂર્વક વિશેષતા કે વિશિષ્ટતા શબ્દોને નકારું છું, કારણ કે આ શબ્દોના પ્રચલિત અર્થ કરતાં સ્થાપત્યમાં કંઈ અનન્ય ઘટના ઘટીત થતી હોય છે.
સ્થાપત્યનાં અંગે પરસ્પર સંકળાયેલાં હોય તે સ્વાભાવિક છે. આ અંગો એકબીજાને આધારિત તથા ‘સમૂહ’ તરીકે લેખાય છે. જે તે મકાનમાં સ્થાપત્યના અંગો પરસ્પર સમાન પૃષ્ઠ ભૂમિકામાં રચાય છે. તેમનું પરસ્પરનું અવલંબન સ્પષ્ટ વર્તાય પણ છે. આ અંગો ચોક્કસ વિસ્તારમાં સામિપ્યમાં આવેલાં હોય છે. તેમની બાંધકામની સામગ્રી તથા તકનિક પણ એકધારી હોય છે. આ અંગોનાં માપ તથા પ્રમાણ પણ પરસ્પર સંકળાયેલાં રહે છે. આ બધાં જ અંગો ચોક્કસ કાર્યહેતુ માટે હોવાથી પણ તેમની વચ્ચેનું સંકલન હોય તે સ્વાભાવિક છે.
સ્થાપત્ય એક પ્રમાણમાં વિશાળ કલાકૃતિ હોવાથી તથા તેની રચના પાછળ એક ચોક્કસ ભૂમિકા હોવાથી તેનામાં ‘એકપણું’ હોય તે સ્વાભાવિક છે. કોઈ પણ મકાન વીસ-પચીસ જગ્યાએથી વિવિધ “અંગો ભેગાં કરીને બનાવાયું છે તેવું તો ન જ લાગવું જોઈએ. મકાનની રચનાના પ્રકાર પાછળનો અમૂર્ત વિચાર જ બધાં જ અંગોને “એક પાના પર લઈ આવે છે. આટલી બાબત સ્વીકાર્યા પછી જ સ્થાપત્યમાં પ્રયોજાતાં વિશેષપણાના મહત્ત્વને સમજી શકાય.
સ્થાપત્યની રચનામાં કેટલાંક અંગોને વિશેષ તથા ધ્યાનાકર્ષાક બનાવાય છે. આમ કરવા પાછળના કારણોમાં મુખ્યત્વે મકાનમાં કેન્દ્ર સ્થાપિત કરવું, મુલાકાતી કે ઉપયોગકર્તાની નજરને પકડી રાખવી, મકાનના જે તે સ્થાન કે તેને સંલગ્ન જે તે ઉપયોગિતાનું મહત્ત્વ સ્થાપવું, મકાનમાં પ્રયોજાયેલાં ઘટકો કે તેનાથી નિર્ધારિત થતાં સ્થાનોનો અગ્રતાક્રમ સૂચવવો, ઘણાં એકધારા અંગોથી ઊભી થનારી સંભવિત એકવિધતાને તોડવી, સમગ્ર રચનાનું મહત્ત્વ સ્થાપિત કરવું કે પછી વ્યક્તિગત પસંદગી અનુસરવી: આ કારણો કે આવા અન્ય કારણોથી મકાનના જે તે અંગ કે ભાગ કે સ્થાનને અન્ય પરિસ્થિતિ કરતા આગવી બનાવાય છે. આવું આગવાપણું- વિશેષપણું મકાનને નવી જ ઓળખ આપે છે.
મકાનના કોઈ એક અંગને બાંધકામની ભિન્ન સામગ્રીના ઉપયોગ થકી, માપ કે પ્રમાણમાપમાં ફેરબદલ લાવીને, તેના પરના આખરી ઓપને બદલીને, તેના સ્થાનને વ્યૂહાત્મક મહત્ત્વ આપીને, તેની ગોઠવણને વિશેષ બનાવીને, તેના રંગ-રોગાનમાં નવીનતા લાવીને, આવન-જાવનના માર્ગ પર સતત નજરે ચઢે તે રીતે તેને ગોઠવીને, તેના વિગતીકરણમાં સમૃદ્ધિ લાવીને, સૌથી મહત્ત્વના કાર્યહેતુ સાથે તેને સાંકળીને કે અન્ય કોઈ પ્રકારે વિશેષ બનાવાય છે.
સ્થાપત્યનાં જે તે અંગોને વિશેષપણું આપવાની આવી પ્રત્યેક રીતની અસર ભિન્ન ભિન્ન રહે છે બાંધકામની સામગ્રીમાં ભિન્નતા લાવવાથી અચંબાનો ભાવ પ્રગટે છે. માપ કે પ્રમાણમાં બદલાવ લાવી તેને વિશાળતા આપવાથી ભવ્યતા ઊભી થાય છે. તેના આખરી ઓપને મઠારવાથી અનુભૂતિમાં સમૃદ્ધિ આવે છે. તેને વ્યૂહાત્મક સ્થાને મૂકવાથી તેનું અગ્રતાક્રમમાં મહત્ત્વ વધી જાય છે. તેની ગોઠવણ વિશેષ બનાવવાથી તેમાં નાટકિયતા સર્જાય છે. તેના રંગ-રોગાન બદલવાથી રમ્ય વિરોધાભાસ ઊભો કરી શકાય. આવન-જાવનના માર્ગ પર તેને પ્રયોજવાથી તે ધ્યાનાકર્ષક બની શકે. તેનું બારીક વિગતીકરણ કરવાથી દૃશ્ય-અનુભૂતિ સમૃદ્ધ થાય. આવા અંગો જે મહત્ત્વનાં કાર્યસ્થાન સાથે સાંકળવાથી તે કાર્યસ્થાનનું મહત્ત્વ પણ વધતું જાય. સંભાવનાઓ ઘણી છે અને તેનું પરિણામ પણ ચોક્કસ છે. સાથે સાથે એ પણ સમજવાની જરૂર છે કે આવી પ્રત્યેક સંભાવના એક કરતાં વધારે પરિણામ આપી શકે.
સ્થાપત્યના અંગો આમ તો પરસ્પર શૃંખલાથી જોડાયેલા હોય. આવી શૃંખલા તકનિકી હોઈ શકે કે ઉપયોગિતાપૂર્વકની. આ શૃંખલા ભૌતિક બાબતોને કારણે રચાઈ હોય કે મનોવૈજ્ઞાનિક: તેમની વચ્ચેનું પરસ્પરનું અવલંબન સહજ છે. તેમાં જ્યારે આવા વિશેષપણાંનો ઉમેરો થાય ત્યારે તેની પાછળનું પ્રયોજન ચોક્કસ હોવું જોઈએ. આવાં પ્રયોજના હેતુ માટેની સ્પષ્ટતાથી જ નક્કી થાય કે વિશેષપણું કેવી રીતે કેટલી માત્રામાં અને ક્યાં સર્જવું છે. જોવાનું એ રહે કે તેનાથી ક્યાંક “ઓછપ ઊભી ન થાય.

RELATED ARTICLES

Most Popular