Homeરોજ બરોજઇટલી અને ભારતની ખાસ મિટિંગ: રાહુલ ગાંધીનું મોસાળ મોદીને કેટલું ફળશે?

ઇટલી અને ભારતની ખાસ મિટિંગ: રાહુલ ગાંધીનું મોસાળ મોદીને કેટલું ફળશે?

રોજ બરોજ -અભિમન્યુ મોદી

બાલીમાં ભારતનું શક્તિપ્રદર્શન નિહાળીને વાતાવરણમાં શિશિર ઋતુનું અણધાર્યું આગમન થઈ ગયું. અમેરિકા, ચીન સહિતના રાષ્ટ્રોના સુપ્રીમો સળગી રહ્યા હતા અને ઋષિ સુનક જેવા તાજે તાજા મિત્રો ખુશીથી ભારતના સમર્થનમાં તાળીઓનો ગડગડાટ કરી રહ્યા હતા. શિખર સંમેલનના અંતિમ દિવસે ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ જોકો વિડોડોએ મોદી સાહેબના હાથમાં જી-૨૦નું સુકાન આપ્યું ત્યારે ‘નમો’ ભાવુક થઈ ગયા હતા. આમ તો તેમની સાથે એ દૃશ્ય નિહાળનાર પ્રત્યેક ભારતીયોના ચક્ષુમાં હર્ષના આંસુઓ વહેતા થાય એ સ્વાભાવિક છે. કારણ કે શિખર સંમેલનમાં ભારતના મુદ્ાને સાંભળવામાં કોઈને રસ ન હતો. એ નીરસ રાષ્ટ્રો પણ હવે ભારત પાસે રશિયા-યુક્રેન યુદ્ધને અટકવવાની વિનંતી કરે તેમાં મોદી સાહેબ ગર્વ અનુભવે ને!
છેલ્લે ૧૯૯૯માં શિખર સંમેલનની કમાન ભારતને મળી હતી. હવે ફરી ભારતના ફાળે તેનું યજમાન પદ આવ્યું છે. આગામી શિખર સંમેલન ભારતના વિકાસ તથા વિવાદ બન્નેની ઝાંખી કરાવશે. વિશ્ર્વમાં સ્થાપિત મહાસત્તાઓની સમકક્ષ પ્રગતિ કરવાનો વિકાસ અને વિવાદ તો જી-૨૦ની બેઠક પૂર્વે જ શરૂ થઈ જશે. કોઈ વિશાળકાય પેલેસમાં ઓસ્ટ્રેલિયા, આર્જેન્ટિના, બ્રાઝિલ, ચીન, ફ્રાન્સ, જર્મની, ભારત, જાપાન, દક્ષિણ કોરિયા, મેક્સિકો, રશિયા, સાઉદી અરેબિયા, દક્ષિણ આફ્રિકા, કેનેડા, ઇટલી, ઇન્ડોનેશિયા, તુર્કી, અમેરિકા, યુકેના રાષ્ટ્રપતિને આમંત્રિત કરવામાં આવશે. તેમની આગતા-સ્વાગતામાં લાખો રૂપિયાનું આંધણ થઈ ગયાનો આક્ષેપ વિપક્ષ કરશે એટલે મીડિયાને મુદ્દો મળી જશે. આ માત્ર ભારતની સમસ્યા નથી વિશ્ર્વના મોટાભાગના રાષ્ટ્રો આ જ બીમારી સામે બાથ ભીડી રહ્યા છે. રાજકારણમાં વિપક્ષ મજબૂત હોવો જ જોઈએ પરંતુ જ્યાં દેશની શાખ વધી રહી છે ત્યાં પણ છીંડા શોધવા બેસે તો દેશ નિર્માલ્ય બની જાય.
આ પેલી બાળવાર્તા જેવું, અતિથિ ઘરે આવે ત્યારે જ તોફાની સંતાન સંતાપ આપે, ભલે સમાજમાં સંસ્કારી કુટુંબ તરીકેની છબી હોય પણ બાળકનું ઊછાંછળાપણું ઘરની આબરુની ધૂળધાણી કરી નાંખે. એ જ રીતે જયારે જયારે શિખર સંમેલન જેવી આંતરરાષ્ટ્રીય પરિષદનો દેશ યજમાન બને ત્યારે રાષ્ટ્રની એકસૂત્રતા દર્શવવાને બદલે વિપક્ષ આંદોલનની આગ લગાડવા બેસે. ‘નમસ્તે ટ્રમ્પ’ વખતે થયેલા તોફાનો તેની સાક્ષી પૂરે છે. આવા જ તોફાન અને વિરોધ દક્ષિણ યુરોપના આલ્પ્સ ગિરિમાળાથી મધ્ય ભૂમધ્ય સમુદ્ર સુધી વિસ્તરેલા રાષ્ટ્રમાં થાય છે. દેશની કરુણતા કેવી આઝાદીના ૭૭ વર્ષમાં ૭૦ વખત સરકાર ઉથલી ગઈ. નવા નવા રાષ્ટ્રપ્રમુખ આવ્યા અને મલકને મલકાવતા રહ્યા. તેમના શાસનમાં રોમન સામ્રાજ્યની છાંટ જોવા મળતી. રોમન સમ્રાટોના સમયથી આ દેશને ‘ઇટલી’ તરીકે સંબોધવામાં આવે છે. ઇટલી એટલે ‘વાછરડું’. મૂળ લેટિન ભાષાનો આ શબ્દ રોમન સમ્રાટે શોધી કાઢેલો એટલે હજુ સુધી યથાવત્ છે. જેમ સિંધુ ખીણની સંસ્કૃતિ એક સમયે આર્યવ્રત તરીકે ઓળખાતી હતી. જેના પર સમય જતા ભરતવંશનું શાસન થયું અને આજે દેશ ભારતના નામે ઓળખાય છે.
પોતાના નામની જેમ ઇટલી ભારત સાથે અનેક ચીજોમાં સામ્યતા ધરાવે છે. ઇટાલિયન માફિયા અને ઇન્ડિયાના ગુંડાઓમાં વંશવાદ ઓછો અને પરિવારવાદ વધુ છે. ભારતની જેમ ઇટલીમાં શાકાહારી વ્યંજનોમાં અઢળક વિશેષતા જોવા મળે છે. ભારત ખેતી પ્રધાન દેશ છે એ તો વિશ્ર્વના દરેક જીવને ખબર છે એ જ રીતે ઇટલીનું અર્થતંત્ર પણ ખેતી આધારિત છે તેવું કેટલા જાણે છે? કુલ વસ્તીના આશરે ૩૩% લોકો ગામડામાં વસવાટ કરે છે. ૬૭% કરતાં વધુ લોકો શહેરોમાં વસે છે. રોમ, મિલાન, નેપલ્સ, જિનોઆ, પાલેર્મો, બોલોના, ફ્લોરેન્સ, કેન્ટાનિયા અને વેનિસ જેવાં મોટાં શહેરોમાં એક એક લાખની વસ્તી જોવા મળે છે.
વિશ્ર્વને ઇટલી શું છે અને કેમ છે તેની માહિતી મેળવવાની ખાસ કોઈ ઈચ્છા ન હતી પરંતુ તાજેતરમાં બાલીમાં યોજાયેલા શિખર સંમેલનમાં મોદી સાહેબે ઇટલીના પ્રધાનમંત્રી જ્યોર્જિયા મેલોની સાથે બેઠક કરી. તેમાં વ્યાપાર, રોકાણ અને આતંકવાદના દમન સહિતના વિવિધ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહયોગને વધુ ગાઢ બનાવવા અંગે ચર્ચા કરી હતી. એટલે જગતને ઇટલીમાં હવે રસ પડ્યો છે.
ઈટલીની સરકાર વિશે તો ઇટલીમાં પણ ચર્ચા નથી થતી. ચર્ચા શું કરે! રૂઢિચુસ્ત અને રોમન કેથલિક ચર્ચના અનુયાયી રાજકીય પક્ષો ધર્મના સીમાડામાં રાષ્ટ્રને કેદ કરવા મથે છે. એટલે પ્રજા દોષનો ટોપલો સરકાર પર ઢોળે સરકાર એક વર્ષમાં પલટી જાય. નીતનવા સત્તા વાહકો વિકાસના નવા વાયદા કરે અને તેમનો જ વિકાસ ક્યારે રુંધાઇ જાય એ તેમને જ ખબર નથી પડતી. ભારતની જેમ ઇટલીમાં આજે પણ સ્ત્રીઓ રૂઢિગત સમાજની ટીકાઓ, માન્યતાઓ અને અત્યાચારનો ભોગ બને છે. ભારતમાં કોઈ સ્ત્રી રાજકારણમાં પ્રવેશે તો તેના પ્રતિસ્પર્ધીઓના એક જ નારા હોય, ‘સ્ત્રી રસોડામાં શોભે રાજકારણમાં નહીં’ એ જ રીતે ઇટલીમાં તો વર્ષો સુધી સ્ત્રીઓને રાજકારણથી દૂર રાખવામાં આવી હતી. બે દાયકા પૂર્વે થોડી જાગૃતતા આવી એટલે બંધારણમાં ફેરફાર થયા અને રાજકારણમાં ભરતી મેળો શરૂ થયો.
ઇટલીમાં સૌથી વધુ ૭ વર્ષ સુધી વડા પ્રધાન પદને શોભાવવાનું સૌભાગ્ય આલસિડ દ ગાસ્પેરીને જ મળ્યું છે. તેઓ ઇટલીના પ્રથમ વડા પ્રધાન હતા અને હવે જ્યોર્જિયા મેલોની ઇટલીના પ્રથમ મહિલા પ્રધાનમંત્રી બન્યા છે. જ્યોર્જિયાએ પોતાની કારકિર્દીની શરૂઆત બાર ટેન્ડર તરીકે કરી હતી. પછી તો વેઇટ્રેસ, પત્રકાર, બ્રધર ઓફ ઈટલી પક્ષની યુવા પાંખના પ્રમુખ, સાંસદ અને આજે પ્રધાનમંત્રી પદ સુધી પહોંચ્યા છે. છતાં ઇટલીની મહિલાઓના જીવન કે જીવન ધોરણમાં કોઈ પરિવર્તન નથી આવ્યું. જ્યોર્જિયા અતિ રૂઢિચુસ્ત છે. તેઓ ભ્રૂણહત્યાના વિરોધી છે, એબોર્શન મંજૂર નથી, સજાતીય સંબંધોના ઘોર વિરોધી છે. એન્ટિ-એલજીબીટી વિચારો ધરાવે છે. હવે જ્યોર્જિયા કઈ રીતે ઇટલીની પ્રજામાં વિકાસનો ઉન્માદ પેદા કરશે એ તો સમય જ બતાવશે પણ મોદી સાહેબ સાથેની તેની મુલાકાત ભારત માટે અતિ મહત્ત્વની છે.
૧૯૮૫થી ભારતમાં ઇટલી સાથે વિવિધ ક્ષેત્રે કરાર કરવાનો કકળાટ ચાલે છે, કૉંગ્રેસના શાસનમાં ભાજપના સિનિયર આગેવાનો એવું કહીને કરાર અટકાવતા રહ્યા કે સોનિયા ગાંધીના પિયરમાંથી કંઈ લેવાય નહીં. છળકપટ સિવાય ઇટલી પાસેથી કોઈ ભેટ ન મળે. જો કે કૉંગ્રસે કરાર અટકાવ્યા નહીં અને ભાજપે વિરોધ યથાવત્ રાખ્યો. ૨૦૧૪માં કેન્દ્રમાં ભાજપની સત્તા આવી એટલે રાહુલ ગાંધીના મોસાળને બીજેપીના નેતાઓ વિસરી ગયા. તેમના માટે ઇટલી રૂપકડો અને શાંતિ પ્રદેશ બની ગયો. ઇટાલિયન્સ પ્રેમાળ અને મળતાવડા બની ગયા. જોગાનુંજોગ ગુજરાતની ચૂંટણી સમયે જ ઇટલી સાથે મોદી સાહેબની મિટિંગ થવા લાગી.
૨૦૧૭માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી વખતે જ ઇટલીના તત્કાલીન પ્રધાનમંત્રી પાઓલો જેન્ટીલોની ભારતના પ્રવાસે આવ્યા હતા. એ સમયે નવી દિલ્હી ખાતે મોદી સાહેબે જેન્ટીલોની સાથે હૈદરાબાદ હાઉસમાં રેલવે સુરક્ષા, ઊર્જા ક્ષેત્રમાં સહયોગ, ટ્રેડ એજન્સી અને ઇન્વેસ્ટ ઇન્ડિયા, ઇટલીના વિદેશી બાબતો અને આંતરરાષ્ટ્રીય સહયોગ, ભારતીય સાંસ્કૃતિક સંબંધ પરિષદ અને આંતરરાષ્ટ્રીય સહયોગ મંત્રાલય સહિતના મહત્ત્વના મુદ્દાઓ પર કરાર કર્યા હતા. ચૂંટણી પૂરી થઈ અને ઇટલી વિસરાઈ ગયું. ફરી ગુજરાતમાં ચૂંટણી આવે અને મોદીજીએ જ્યોર્જિયા સાથે વ્યાપાર, સંરક્ષણ, ઊર્જા અને આરોગ્યના ક્ષેત્રે કરાર કરવા અંગે ચર્ચા કરી છે.
ભારત માટે ઇટલી અત્યંત શુકનવંતુ છે. ભારત અને ઈટલી મોટી આર્થિક સત્તા ધરાવતા દેશો છે. છેલ્લા પાંચ વર્ષમાં ભારત અને ઈટલી વચ્ચે ૮.૮ અબજ ડોલરનો વ્યાપર થયો હતો. એ રીતે ઈટલી ભારતનું છઠ્ઠું સૌથી મોટું વ્યાપારી મિત્ર રાષ્ટ્ર છે. વૈશ્ર્વિક સલામતી સામે ઊભા થયેલા પડકારો અને ત્રાસવાદ સામે લડવા માટે ઇટલી ભારતની પડખે ઊભું રહેવા તૈયાર છે. ત્યારે જોવાનું રહેશે કે મેલોની અને મોદીની મંત્રણા બન્ને રાષ્ટ્રોને કઈ દિશા તરફ લઈ જશે.

RELATED ARTICLES

Most Popular