Homeઆમચી મુંબઈબોલો, ખુદાબક્ષો માટે ટિકિટચેકર બન્યા આફત

બોલો, ખુદાબક્ષો માટે ટિકિટચેકર બન્યા આફત

એક-એક કરોડથી વધુ દંડ વસૂલ્યો, મહિલાઓએ પણ મેદાન માર્યું
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ ટ્રેનોમાં ટિકિટ વિના મુસાફરી કરનારા લોકો માટે દુખદ અને રેલવે માટે સારા સમાચાર છે, જેમાં ટ્રેનોમાં સઘન ટિકિટ ચેકિંગને કારણે રેલવેને નોંધપાત્ર આવક થઈ રહી છે. પશ્ચિમ રેલવેના બે જાબાંજ ટિકિટચેકરની નિષ્ઠાપૂર્વકની કામગીરીને કારણે આ વર્ષે એક-એક કરોડ રુપિયાનો દંડ વસૂલવામાં સફળતા મળી હતી. પશ્ચિમ રેલવેના રાજકોટ, અમદાવાદ ડિવિઝનના ચાર ટિકિટ ચેકરે એક-એક કરોડનો દંડ વસૂલ્યો હતો, જ્યારે દક્ષિણ ભારત રેલવે ઝોનની એક મહિલા ટિકિટચેકરે પણ એક કરોડથી વધુ રુપિયાનો દંડ વસૂલવાને કારણે તેની નોંધ રેલવે મંત્રાલયે લીધી હતી.

પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનની ફ્લાઈંગ સ્કવોડના બે ટિકિટચેકરે ઉત્કૃષ્ટ કામગીરી કરી હતી. રાજકોટ ડિવિઝનના ચીફ ટિકિટચેકર (ડેપ્યૂટી સીટીઆઈ) કે ડી ઓઝા અને ચર્ચગેટના ફ્લાઈંગ સ્કવોડના ડેપ્યૂટી ચીફ ટિકિટ ચેકર જાહિદ કુરૈશીએ ખુદાબક્ષો સામે કાર્યવાહી કરતા એક-એક કરોડ રુપિયાનો દંડ વસૂલ્યો હતો. એપ્રિલ 2022થી ફેબ્રુઆરી, 2023 સુધીમાં ઓઝાએ 1.13 કરોડ (14,928 કેસ)નો દંડ વસૂલ્યો હતો, જ્યારે કુરૈશીએ 1.06 કરોડ (13,116 કેસ)નો દંડ વસૂલ્યો હતો. આ ઉપરાંત, અમદાવાદ ડિવિઝનમાંથી સિનિયટ ટિકિટ એક્ઝામિનર અજમેર સિંહે ટિકિટ ચેકિંગની નોંધપાત્ર કામગીરી કરી હતી. સિંહે ટિકિટ ચેકિંગ કરતા 93.47 લાખનો દંડ વસૂલ્યો હતો અને 17,806 જણ સામે કેસ નોંધાવ્યો હતો. ટિકિટ ચેકિંગના કિસ્સામાં પણ પુરુષોની સાથે સાથે મહિલાઓએ પણ નોંધપાત્ર પ્રદર્શન કર્યું હતું. અમદાવાદ ડિવિઝનની ચીફ ટિકિટ એક્ઝાઈમનર શૈલ તિવારીએ પણ 54.70 લાખ (7,293 કેસ)નો દંડ વસૂલ્યો હતો, જ્યારે મુંબઈ ડિવિઝનની ચીફ ટિકિટ એક્ઝામિનર ગીતાબેન વસાવાએ 51.19 લાખ (7,085થી વધુ લોકો સામે કાર્યવાહી)નો દંડ વસૂલ્યો હતો. એપ્રિલ, 2022થી ફેબ્રુઆરી, 2023ના સમયગાળા દરમિયાન પશ્ચિમ રેલવેમાં ટિકિટ વિના મુસાફરી, ગેરકાયદે ટિકિટથી ટ્રાવેલિંગ અથવા માલસામાનની ટિકિટ વિના સહિત અન્ય બાબતના કુલ 23.70 લાખ કેસ નોંધાયા હતા અને રેલવેએ 158.28 કરોડ રુપિયાનો દંડ વસૂલ્યો હતો.

દરમિયાન સર્ધન રેલવેની મહિલા ટીસી (ચીફ ટિકટ ઈન્સ્પેક્ટર) રોઝલીન અરોકિયા મેરીએ પણ સઘન ટિકિટ ચેકિંગ કતા એક કરોડ રુપિયાનો દંડ વસૂલ્યો હતો અને એની રેલવે મંત્રાલયે પણ સત્તાવાર નોંધ લીધી હતી. રેલવે મંત્રાલયે મહિલા ટિકિટચેકરની પ્રશંસનીય કામગીરીનું ટવીટ કરી હતી. રેલવે મંત્રાલયે ટવિટમાં લખ્યું હતું કે મેરી પોતાની કામગીરી સંપૂર્ણ નિષ્ઠાથી કરે છે. એટલે ટિકિટ વિના મુસાફરી કરનારા લોકો પાસેથી એક કરોડથી વધુનો દંડ વસૂલ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -