આ બાબત મારા હાથમાં નથી
મુંબઇ: રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંત દાસે બુધવારે જણાવ્યું હતું કે પોલિસી રેટમાં ફેરફાર કરવાનો નિર્ણય તેમના હાથમાં નથી કારણ કે તેમને પોતાને પરિસ્થિતિની આવશ્યકતાને આધારે નિર્ણય લેવો પડે છે.
રિઝર્વ બેંકે એપ્રિલમાં આશ્ચર્યજનક રીતે વ્યાજવૃદ્ધિને બ્રેક મારવાની જાહેરાત કરી હતી અને મુખ્ય બેન્ચમાર્ક પોલિસી રેટ ૬.૫ ટકાના સ્તહર પર યથાવત્ રાખવાનો નિર્ણય લીધો હતો. આ દેશની મધ્યસ્થ બેન્કે મે, ૨૦૨૨થી રેપો રેટમાં ૨૫૦ બેસિસ પોઈન્ટનો વધારા સાથે વ્યાજદરમાં વધારો કરતી રહી હતી.
ઈન્ડસ્ટ્રી ચેમ્બર, કન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રીઝ (સીઆઇઆઇ) દ્વારા આયોજિત એક સભાને સંબોધતા દાસે કહ્યું હતું કે એક સૂચન છે કે આરબીઆઇ આગામી નાણાકીય નીતિ બેઠકોમાં વ્યાજદરના વધારાને વિરામ આપશે.
તેમણે કહ્યું હતું કે આ બાબત મારા હાથમાં નથી. તે બધું આર્થિક નક્કર પરિસ્થિતિ પર નિર્ભર કરે છે. મારે આર્થિક વાસ્તવિકતાને આધારે જ નિર્ણય લઇ શકું છે. આર્થિક વલણો કેવા છે? ફુગાવો કેવી રીતે વધી રહ્યો છે અથવા ફુગાવો નરમ પડી રહ્યો છે? આ બધા પ્રશ્ર્નોના જબાવને આધારે નિર્ણય લેવાનો રહે છે.
આમ કોઈ નિર્ણય સંપૂર્ણપણે મારા હાથમાં નથી, કારણ કે મારે નક્કર આર્થિક પરિસ્થિતિને આધારે જ આગળ વધવાનું હોય છે, એમ જણાવતાં ગવર્નરે વધુમાં કહ્યું કે રીટેલ ફુગાવો સહેજ ઘટ્યોે છે, પરંતુ તેનાથી સંતોષ મેળવી શકાય એમ નથી. તેમના મતે, આગામી ફુગાવો ૪.૭ ટકાથી નીચો રહેવાની અપેક્ષા છે. ગ્રાહક ભાવાંક પર આધારિત ફુગાવો એપ્રિલમાં ૪.૭ હતો.
દાસે સભાને ખાતરી આપી હતી કે ભારતીય બેન્કિંગ સિસ્ટમ મજબૂત મૂડી, પ્રવાહિતાની સ્થિતિ અને સંપત્તિની ગુણવત્તાના સુધારો સાથે સ્થિર અને સ્થિતિસ્થાપક રહી છે. રિઝર્વ બેન્ક ભારતની નાણાંકીય સ્થિરતા જાળવવા અને અર્થતંત્રને ટેકો આપવા માટે શ્રેષ્ઠ પ્રયાસો કરશે. તેમણે સભાને એ માહિતી પણ આપી હતી કે આરબીઆઈ અત્યાર સુધીના અનુભવના આધારે સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી (સીબીડીસી)ના માળખાને અંતિમ સ્વરૂપ આપી રહી છે.