જીભથી રોજબરોજ થતી સ્થૂળ અને સૂક્ષ્મ હિંસાને રોકવી જરૂરી
સત્ય ભલે કડવું હોય, પણ મધુર વાણી દ્વારા તેને મીઠું બનાવી શકાય છે
જિનદર્શન -મહેન્દ્ર પુનાતર
* મીઠા સબસે બોલીએ
સુખ ઉપજે ચહુ ઔર
વશીકરણ યહ મંત્ર હૈ
તજીએ વચન કઠોર
* ઐસિ બાની બોલીએ
મન ના આપા ખોય
ઔરન કો શીતલ કરે
આપ હી શીતલ હોય
* શબ્દ બરાબર ધન નહીં
જો કોઈ જાને બોલ
હીરા તો દામે મિલે
શબ્દ કા મોલ ન તોલ
* કાગા કિસ કા ધન હરા
કોયલ કિસ કો દેત
મીઠા શબ્દ સુનાય કે
જગ આપના કર લેત
કબીર સાહેબ કહે છે કે બધાની સાથે પ્રેમથી અને મીઠાશથી બોલો. એનાથી ચોમેર સુખનું વાતાવરણ ઊભું થશે. કઠોર વચનનો ત્યાગ કરીને પ્રેમથી સૌને જીતી લો. મીઠી વાણી બીજાને વશમાં રાખવાનો મંત્ર છે. વાણી એવી ન હોવી જોઈએ જેમાં અહંકાર વ્યક્ત થતો હોય. જે લોકો મધુર વાણી દ્વારા બીજાને શાતા આપે છે તેને એવી જ ઠંડક અને શાંતિ પ્રાપ્ત થાય છે. કબીર સાહેબ તેમના દોહામાં કહે છે કે શબ્દો જેવું કોઈ ધન નથી, પણ આ વાત એ જ લોકો જાણી શકે જેમને શબ્દોની અને વચનોની કિંમત હોય. ધન હોય તો હીરા મળી શકે, પણ શબ્દો અમૂલ્ય છે, તેની કોઈ કિંમત નથી. શબ્દો અને વાણી માણસના જીવનને પરિવર્તિત કરી નાખે છે. શબ્દો માણસને જોડે છે અને તોડે છે. એક કડવું વચન સંબંધોને વેરણછેરણ કરી નાખે છે. કઠોર વચનો કદી ભુલાતાં નથી. કાગડા અને કોયલમાં રૂપરંગમાં કોઈ ફરક નથી. ફરક માત્ર એટલો છે કે કાગડાની વાણી કર્કશ અને કોયલની વાણી મીઠી છે. મધુર અવાજથી કોયલ પ્રિય બની છે, તેનો ટહુકો સાંભળવો ગમે છે. શબ્દોમાં મીઠાશ અને વાણીમાં મધુરતા હોય તો આ જગત આપણું છે.
કબીર સાહેબે થોડા શબ્દોમાં ઘણું કહી દીધું છે. માણસ પ્રેમ અને લાગણીના સંબંધોથી રંગાયેલો છે. ક્યાંય ને ક્યાંય દિલમાં સંવેદના પ્રગટે છે અને શબ્દો દ્વારા તે બહાર આવે છે. કુટુંબ અને સમાજમાં માણસ પરસ્પર સંબંધોથી સંકળાયેલો છે. મધુર વાણી દ્વારા સંબંધો વધુ સરળ બને છે. જીવન અને વ્યવહારમાં આપણે જો બોલવામાં ધ્યાન રાખીએ તો સંભવિત ઘર્ષણને નિવારી શકાય છે.
કેટલાક માણસો ગમે ત્યારે ગમે ત્યાં અને ગમે તેવું બોલી નાખે છે અને પાછળથી પસ્તાવાનો વારો આવે છે. કડવી વાણી માણસને વીંધી નાખે છે અને આ ઘા લાંબા સમય સુધી રુઝાતા નથી. વાચા માણસને મળેલી અમૂલ્ય ભેટ છે. તેનો જો યોગ્ય ઉપયોગ થાય તો તે સંબંધોને ટકાવી રાખે છે અને દુરુપયોગ થાય તો સંબંધોનો વિચ્છેદ કરે છે.
આપણી આસપાસ સમાજમાં એવા કેટલાય માણસો હોય છે જેઓ કામ ઓછું કરે છે, પણ બોલે છે વધુ. તેમના હાથ કરતાં તેમની જીભ વધુ ચાલે છે. તેઓ ગમે ત્યાં આડુંઅવળું વેતરી નાખે છે. તેઓ બીજાની વાત સાંભળતા નથી અને બીજાને બોલવાનો મોકો પણ આપતા નથી. તેઓ સામા માણસનો વિચાર કરતા નથી અને વાત વાતમાં બીજાનું અપમાન કરી નાખે છે. આવા માણસોને કોઈ વતાવતું નથી. બધા તેમનાથી દૂર ભાગે છે. ધર્મમાં મન, વચન અને કાર્યથી કોઈનું અહિત ન કરવું એવો સ્પષ્ટ આદેશ છે. આમાં વચનોનું અદકેરું મહત્ત્વ છે.
મન, મોતી અને કાચ એક વખત તૂટે પછી પાછાં સંધાતાં નથી. માણસે સમજીવિચારીને બોલવું જોઈએ. કોઈને કાંઈ પણ કહેવાનું હોય ત્યારે ભાષામાં વિનય અને વિવેક હોવો જોઈએ. જીભથી સ્થૂળ અને સૂક્ષ્મ હિંસા રોજબરોજ થતી હોય છે. આ શબ્દહિંસાને રોકવી જરૂરી છે. શબ્દોમાં પણ ભાવ ન હોય તો તે ખોખલા બની જાય. કોઈને પણ આપણે આવકારીએ કે તેનું સ્વાગત કરીએ ત્યારે શબ્દોમાં મીઠાશ સાથે ભાવ પણ હોવો જોઈએ. પરાણે પરાણે આવો પધારો એવા શબ્દો નીકળે ત્યારે એમાં બરકત રહે નહીં. માણસના શબ્દોમાં રણકાર અને તેના ચહેરા પરના ભાવો પરથી તેનું મન કળી શકાય છે.
દરેક માણસમાં ઓછેવધતે અંશે થોડો અહં અને અહંકાર હોય છે. કોઈને ધનનો, કોઈને પદનો, કોઈને સત્તાનો તો કોઈને વિદ્વત્તાનો નશો ચડેલો હોય છે. માણસનો અહં ઘવાય છે ત્યારે વાણી દ્વારા પ્રગટ થાય છે. માણસો શબ્દો દ્વારા, મહેણાં, ટોણા અને કટાક્ષો દ્વારા એકબીજાને માત કરતા રહે છે, પરંતુ આ બધું સરવાળે દુ:ખમાં પરિણમે છે. ભાષામાં સરળતા, સહજતા અને સ્વાભાવિકતા રહેવી જોઈએ. આમાં દંભ અને દેખાડો લાંબો સમય ટકી શકે નહીં. આપણે મીઠું મીઠું બોલીએ, પણ તેની પાછળ સામા માણસ પાસેથી કામ કઢાવી લેવાનો કે તેને છેતરી લેવાનો આશય હોય તો તે ઠગની ભાષા બની જાય.
કેટલાક માણસો વાત વાતમાં કહેતા હોય છે કે આપણને સીધું ને સટ કહેવાની આદત છે. આપણે સાચું હોય તે મોઢે સંભળાવી દઈએ, પણ સાચું શું છે તે તો પહેલાં જાણીએ. આપણે કહીએ તે સાચું અને બીજા કહે તે ખોટું એમ આપણે જો માનીએ તો તે આપણો અહંકાર છે. સત્ય કડવું છે એ ભલે સાચું હોય, પણ પરસ્પરના વ્યવહારમાં વાણી દ્વારા સત્યને મધુર બનાવી શકાય છે. આપણે કેવા સમયે અને કઈ રીતે કહીએ છીએ તેના પર આનો આધાર છે. વાણી માત્ર વિલાસ ન બને અને સાચા અર્થમાં વૈભવ બને તો પ્રેમનાં પુષ્પો ખીલ્યા વગર રહે નહીં.
બોલવા કરતાં ચૂપ રહેવાનું વધુ મુશ્કેલ છે. મહાન તત્ત્વજ્ઞાની એરિસ્ટોટલ પાસે એક યુવાન વક્તૃત્વ કળા શીખવા માટે આવ્યો. તેણે કહ્યું કે મારે સારા વક્તા બનવું છે. આમ કહીને તેણે પોતાનો આખો ઈતિહાસ સંભળાવી દીધો.
એરિસ્ટોટલે તેને અટકાવીને કહ્યું કે તને આ માટે બીજા કરતાં વધુ સમય લાગશે.
યુવાને કહ્યું કે કેમ, હું બોલવામાં કાચો છું. એરિસ્ટોટલે કહ્યું કે બિલકુલ નહીં. મારે તને વક્તૃત્વ કળા શીખવતાં પહેલાં ચૂપ રહેવાનું શીખવવું પડશે.
બોલવામાં ઉગ્રતા, આક્રમકતા કે ગરમ મિજાજ રાખવો નહીં. શાંતિ અને ધીરજથી આપણી વાત સમજાવવાનો પ્રયાસ કરવો જોઈએ. સામા માણસની વાત ધ્યાનપૂર્વક સાંભળીને પછી જ પોતાનું મંતવ્ય વ્યક્ત કરવું. દરેક માણસને પોતાના વિચારો અને ખ્યાલો હોય છે. મતભેદ ભલે હોય, પણ મનભેદ થવો જોઈએ નહીં. વાત વાતમાં ગુસ્સે થવાથી તેનું સારું પરિણામ આવે નહીં અને વાતાવરણ તંગ બને. કેટલાક માણસોનો સ્વભાવ એવો હોય છે કે તેઓ ધીમેથી, શાંતિથી વાત કરી શકતા નથી. કોઈની વાત પૂરી ન થાય ત્યાં તેઓ જોરથી કૂદી પડે છે અને ન કહેવાનું સંભળાવી દે છે. આવા માણસો પોતાનો બળાપો વ્યક્ત કરવાનો મોકો શોધતા હોય છે. કેટલાક માણસો વધુ પડતા ઢીલા હોય છે. તેમને વાત વાતમાં ખોટું લાગી જાય છે. તેઓ બંધબેસતી પાઘડી પહેરી લે છે અને વાતનું વતેસર કરે છે. કેટલાક લોકો પૂર્વગ્રહથી પીડાતા હોય છે. કોઈ સારું બોલે તો પણ તેમને આડું લાગે છે. સંબંધોમાં જેટલી નિખાલસતા હોય તેટલું વધુ સારું. ગેરસમજ થવાનો ભય ઓછો રહે.
આપણે જેવું વર્તન બીજા પાસેથી ઈચ્છીએ તેવું વર્તન આપણે દાખવવું જોઈએ. કોઈ સામે વાંધો પડ્યો હોય અથવા ગેરસમજ થઈ હોય તો જલદીથી સ્પષ્ટતા કરી લેવી હિતાવહ છે. વિલંબ થાય તો વાત વધીને મોટી થઈ જશે. કોઈની પાછળથી વાત કરવી નહીં, બીજા સમક્ષ ઊભરો ઠાલવવો નહીં. કેટલાક લોકો બંને બાજુ ઢોલકી વગાડતા હોય છે. તેઓ તમને આમ કહેશે અને તમારી સાથે વાંધો પડ્યો હોય તેને કંઈક જુદું કહેશે. આવા લોકો મીઠુંમરચું ભભરાવીને વાતને વધારતા હોય છે. બીજાને લડાવી મારવામાં તેમને આનંદ થતો હોય છે. કોઈને કાંઈ કહેવું હોય, ઠપકો આપવો હોય તો બીજાની હાજરીમાં તેમ કરવું નહીં. બીજાની હાજરીમાં ટીકા થાય છે ત્યારે માણસ સહન કરી શકતો નથી, તેનું સ્વમાન
ઘવાય છે.
દરેક માણસનો સ્વભાવ સરખો હોતો નથી, તેની બીજા કોઈ સાથે સરખામણી કરવી નહીં. તમારા કરતાં તો બીજા સારા એમ કહીને તે વ્યક્તિને દુ:ખ પહોંચાડવાથી દૂર રહેવું જોઈએ.
આપણી ક્યાંય બોલવામાં ભૂલ થઈ હોય તો ક્ષમા માટે પણ વિલંબ કરવો નહીં. ‘હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઊતર્યું, પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને’. પશ્ર્ચાત્તાપનું પુનિત ઝરણું જ્યારે દિલમાંથી વહેવા માંડે ત્યારે કોઈના પ્રત્યે કશું વેરઝેર રહેતું નથી.