Homeવીકએન્ડ‘સ્પેર’: પ્રિન્સ હેરીની આત્મકથા કે સાપનો કરંડિયો?

‘સ્પેર’: પ્રિન્સ હેરીની આત્મકથા કે સાપનો કરંડિયો?

ભાત ભાત કે લોગ -જ્વલંત નાયક

૩૧ ઑગસ્ટ, ૧૯૯૭. ૧૨ વર્ષનું એક બાળક પોતાના બેડરૂમમાં ભર ઊંઘમાં સૂતું છે. બરાબર એ જ સમયે દુનિયાભરની ટીવી ચેનલ્સમાં એક કાર અકસ્માત વિશેના ન્યૂઝ બ્લિન્ક થવા માંડ્યા! પેલા બાળકનો પિતા બેડરૂમમાં આવીને બાળકને ભર ઊંઘમાંથી જગાડે છે, અને દુર્ઘટના વિષે અડધા-પડધા સમાચાર આપતા જણાવે છે કે તારી માતાને ગંભીર અકસ્માત થયો છે! સ્વાભાવિકપણે જ ઊંઘમાંથી જાગેલા બાળકને એની માતાના મૃત્યુના સમાચાર સીધેસીધા આપવાને બદલે માત્ર ગંભીર અકસ્માતની જ વાત કરાઈ, પણ તકલીફ એ હતી કે અકસ્માત વિષે જાણીને ડઘાઈ ગયેલું બચ્ચુ બાપની છાતીમાં મોં નાખીને ધ્રુસકે ધ્રુસકે રડવા માગતું હતું, પણ પિતા આટલા સમાચાર આપીને રૂમમાંથી બહાર નીકળી ગયા! એ પછીના બે દાયકા સુધી માતાના આકસ્મિક મૃત્યુની યાદો પેલા બાળકને પીડા આપતી રહી!
***
ઓવર ટુ ૧૦ જાન્યુઆરી, ૨૦૨૩. ૩૮ વર્ષનો બ્રિટીશ યુવાન પોતાના સંસ્મરણોનું પુસ્તક પ્રકાશિત કરીને વૈશ્ર્વિક મીડિયાનું ધ્યાન પોતાના તરફ ખેંચી રહ્યો છે. આખી દુનિયાને આ યુવાનના સંસ્મરણો – એની આત્મકથામાં રસ પડ્યો છે, કારણકે એ યુવાન કોઈ સામાન્ય માણસ નથી. એનું નામ છે પ્રિન્સ હેરી, જે બ્રિટનના શાહી પરિવારનું ફરજંદ છે. એના માતા-પિતા એટલે પ્રિન્સેસ ડાયના અને પ્રિન્સ ચાર્લ્સ. પાપારાઝીઓથી બચવાના ચક્કરમાં થયેલા કાર અકસ્માતમાં માતા ડાયનાનું મૃત્યુ, એ કદાચ પહેલી એવી ઘટના હતી જેને કારણે હેરીને શાહી પરિવાર પ્રત્યે અભાવ પેદા થયો હોય! રાજાશાહીની ઝાકમઝોળ વચ્ચે જીવતા લોકોના પારિવારિક સંબંધો કેટલા ખોખલા હોય છે, એ હકીકત સાબિત કરતી અઢળક વાતો પ્રિન્સ હેરીએ પોતાની આત્મકથામાં લખી હોય, એ બનવાજોગ છે. હેરીને સતત એવું લાગતું રહ્યું, કે માતા ડાયનાની માફક એ પોતે પણ શાહી પરિવારમાં ઘણે અંશે ‘અન ફીટ’ અથવા ‘મિસ મેચ’ છે. બની શકે કે શાહી પરિવારે પણ હેરીને આ હકીકતનું વારંવાર ભાન કરાવ્યું હશે! કદાચ એટલે જ હેરીની આત્મકથાનું નામ છે ’જાફયિ’, જેનો અર્થ થાય ફાજલ. પરિવારનો એક એવો સદસ્ય, જેનો કોઈને ખપ નથી!
એક આડ વાત, આ આત્મકથાનક કુલ ૧૫ ભાષામાં પબ્લિશ થવાનું છે. એની ઓડિયો બુક પણ ઉપલબ્ધ હશે, જેમાં ખુદ પ્રિન્સ હેરીએ પોતાના અવાજમાં નેરેશન કર્યું છે, પરંતુ ૪૧૬ પાનાની આત્મકથા સ્વાભાવિક રીતે જ હેરીએ પોતે નથી લખી. એ લખી છે જ્હોન જોસેફ મોરીન્જર (ઉં. છ. ખજ્ઞયવશિક્ષલયિ) નામના ઘોસ્ટ રાઈટરે. આપણે ત્યાં ‘ઘોસ્ટ રાઈટર્સ’ને પૈસા ખાતર નામ (કે બાયલાઇન) વગર લખનારા માણસ તરીકે જોવામાં આવે છે, જે કોઈ જાણીતા લેખક કે વ્યક્તિ માટે પોતાની કલમ વાપરતો હોય છે. એવા લખાણ બદલ જાહેરમાં જે-તે લેખક કે પ્રસિદ્ધ વ્યક્તિની વાહવાહી થાય, પણ હકીકતે એ લખાણ પરદા પાછળ રહીને લખતા પેલા ઘોસ્ટ રાઈટરનું હોય. ક્ધિતુ વિદેશોમાં એવું નથી. અહીં ઘોસ્ટ રાઈટિંગને લોકો બાકાયદા કેરિયર તરીકે અપનાવે છે. જ્હોન જોસેફ મોરીન્જરની જ વાત કરીએ તો આ અમેરિકન નવલકથાકારે ન્યૂયોર્ક ટાઈમ્સમાં પત્રકાર તરીકે કારકિર્દીની શરૂઆત કરેલી. એ ફીચર રાઈટિંગ માટેનું પુલિત્ઝર પ્રાઈઝ પણ જીતી ચૂક્યો છે. એ સિવાય પણ કેટલાક પ્રતિષ્ઠિત ઇનામો એના નામે બોલે છે. ટેનિસ સ્ટાર આન્દ્રે અગાસીની આત્મકથા પણ મોરીન્જરે જ લખી છે. આ માહિતી આપવાનું કારણ એટલું જ કે પ્રિન્સ હેરીની આત્મકથા લખનાર ઘોસ્ટ રાઈટરની કલમ કેવી બળકટ હશે, એનો અંદાજો આવે. ‘સ્પેર’માં પણ હેરીના અનુભવોને શાબ્દિક રૂપ આપવામાં મોરીન્જરની કલમે ઘણા ચમકારા બતાવ્યા હશે, એ નક્કી જ છે. અને શાહી પરિવારને આ ચમકારાઓનો જ ભારે ડર છે!
દરેક પરિવારને એક પોતીકો ઇતિહાસ હોય છે. દરેક પરિવારમાં કેટલીક એવી ઘટનાઓએ આકાર લીધો હોય છે, જેને કોઈ યાદ રાખવા નથી માગતું… કે નથી એના વિષે જાહેરમાં કોઈ ચર્ચા કરવા માગતું. કોઈક વાર સંજોગવશાત્ આવો કશો ભૂતકાળ ઉખડી આવે, ત્યારે પરિવારના મોભીઓ અને લાભાર્થીઓ – પોતે કદાચ એવા મોટા ગુનેગાર ન હોય તો પણ – વિહવળ થઇ ઊઠે છે. એમાંય જો એ પરિવાર ક્યારેક અડધા ઉપરની દુનિયા પર રાજ કરનાર રાજવી પરિવાર હોય, તો તો પૂછવું જ શું! પણ અહીં પ્રશ્ર્ન એ છે કે આખરે પ્રિન્સ હેરીને પોતાના સંસ્મરણો પ્રકાશિત કરવાની જરૂર શા માટે પડી? ફેમિલીના અણગમતા સિક્રેટ્સને જાહેરમાં ઉઘાડા પાડવાથી હેરીને શું મળશે? લાખો ડોલર્સ? ૨૦૨૧ના જુલાઈમાં હેરીની આત્મકથા પબ્લિશ થવાની જાહેરાત થઇ એ પછી ૨૦ મિલિયન ડોલર્સ એડ્વાન્સ પેટે ચૂકવાયા હોવાના રિપોર્ટ્સ છે, પરંતુ હેરીએ આ તમામ રકમ દાન કરી દેવાની જાહેરાત કરી છે. કદાચ એમાંથી મોટા ભાગની રકમ એણે ગજવે મૂકી હોય તો પણ આ આત્મકથા પબ્લિશ કરવા પાછળનો એકમાત્ર હેતુ ધન કમાવાનો તો નથી જ!
૨૦૧૬માં પ્રિન્સ (જે હવે રાણીના મૃત્યુ બાદ ‘કિંગ’ બન્યા છે) ચાર્લ્સના દીકરા પ્રિન્સ હેરીએ અમેરિકન અભિનેત્રી મેગન માર્કેલ સાથે લગ્ન કર્યા. પિતા ચાર્લ્સની પત્ની અને હેરીની માતા ડાયનાને રાજપરિવાર સાથે તણખા ઝરતા, એમજ હેરીની પત્ની મેગનને પણ શાહી પરિવારના બંધનયુક્ત જીવનથી અકળામણ થવા માંડી. અમેરિકન નટી સ્વાભાવિક રીતે જ મુક્ત વાતાવરણમાં રહેવા ટેવાયેલી હોય, પણ પ્રિન્સ હેરીના પ્રેમમાં પડીને પરણવા તૈયાર થઇ, ત્યારે શું એને ખ્યાલ નહિ હોય કે રાજવી પરિવારની પુત્રવધૂ બનવામાં મોભાની સાથે જ મર્યાદાનું પણ પાલન કરવું પડશે?! એ જે હોય તે, પણ શરૂથી જ ‘બળવાખોર’ ગણાવાયેલા હેરીના લગ્ન પછી પરિવારમાં બધું સમુસૂતરું તો નહોતું જ. હેરી અને મોટા ભાઈ વિલિયમ વચ્ચે સખત અણબનાવ રહ્યો. હેરીના માનવા મુજબ પ્રિન્સ વિલિયમ અને કેટ મિડલટનના લગ્ન પછી ભાઈઓ વચ્ચેના સંબંધોમાં અંતર પડવા માંડેલું. વિલિયમની પત્ની કેટ અને હેરીની પત્ની મેગન વચ્ચે પણ ટિપિકલ દેરાણી-જેઠાણી ટાઈપ સંબંધો જ રહ્યા! એક સમય હતો જ્યારે પ્રિન્સ હેરી બ્રિટનમાં બહુ લોકપ્રિય હતો. ખાસ કરીને એણે બ્રિટીશ લશ્કરમાં આપેલી સેવાઓને કારણે લોકો શાહી ખાનદાનના આ ફરજંદને માનની નજરે જોતાં. એમાં અમેરિકન અભિનેત્રી સાથે લગ્ન કર્યા, એટલે પ્રજાને તો જાણે આ દંપતીમાં આદર્શ રાજા-રાણીના દર્શન થવા માંડ્યા! પણ આ લોકપ્રિયતાનો ઊભરો શમતા વાર ન લાગી.
પારિવારિક ખટરાગનું કારણ હોય, કે પછી આ રોયલ કપલને શાહી બંધનો પરત્વે થઇ આવેલો અભાવ જવાબદાર હોય, પણ જાન્યુઆરી ૨૦૨૦માં હેરી અને મેગને પોતાના શાહી હોદ્દાઓ છોડીને શાહી પરિવારથી છૂટા થઇ જવાનું નક્કી કર્યું. બ્રિટનથી ઊડીને આ કપલ અમેરિકા રહેવા પહોંચી ગયું. એમાં વળી આ કપલે ઓપ્રાહ વિન્ફ્રેને આપેલા ઇન્ટરવ્યૂએ બળતામાં ઘી હોમવાનું કામ કર્યું. ૭ માર્ચ, ૨૦૨૧ને દિવસે પ્રસારિત થયેલા આ એપિસોડમાં હોસ્ટ ઓપ્રાહ વિન્ફ્રે સાથે વાત કરતી વખતે હેરી અને એની પત્ની મેગને શાહી પરિવાર વિષે ઘણા વટાણા વેરી નાખ્યા. બ્રિટીશ પ્રજાને આ બધું બહુ રુચ્યું નહિ. એમને પ્રિન્સ હેરી સ્વાર્થી માણસ હોય એમ લાગ્યું. એ પછી પ્રિન્સ હેરી અને એની પત્ની મેગન માર્કેલની લોકપ્રિયતા ઘટતી ગઈ. સોશિયલ મીડિયા પર પણ લોકોએ આ કપલને માથે ખાસ્સા માછલાં ધોયા! આ બધી ભાંજગડ વચ્ચે જુલાઈ, ૨૦૨૧માં જાહેરાત થઇ કે પ્રિન્સ હેરી પોતાની આત્મકથા લખશે! લોકોના મનમાં જે પ્રશ્ર્ન ઉદ્ભવ્યો તે એ જ, કે “શા માટે? પ્રિન્સ હેરી આત્મકથામાં રાજવી પરિવારના સિક્રેટ્સ જાહેર કરીને પોતાના જ પરિવારને પાઠ ભણાવવા માગે છે? કે પછી અભિનેત્રી રહી ચૂકેલી પત્નીના ચઢાવ્યા પ્રિન્સ હેરી પોતાના જ પરિવારની બદનામી કરીને સસ્તી લોકપ્રિયતા હાંસલ કરવા માગે છે?
૩ વર્ષની દીકરી આર્ચી, ૧ વર્ષનો દીકરો લીલીબેટ અને પત્ની મેગન સાથે કેલિફોર્નિયાના મોન્તેસિટોમાં વાસી ગયેલા હેરીએ કદાચ પોતાના પરિવારને સબક શીખવવો છે. આત્મકથાનું જે નામ પસંદ કરાયું છે – ’જાફયિ’, એ પરથી એવું લાગે છે કે આત્મકથાનકમાં રાજ પરિવાર હેરી પ્રત્યે કેવું દુર્લક્ષ સેવતો, એની વાતો વધુ હશે. પોતાનો જ પરિવાર હેરીને સાવ ફાજલ વ્યક્તિ ગણતો હોય, તો એ અપમાનનો બદલો લેવા માટે હેરી પોતાના હૈયાની ભડાસ ઠાલવતું એકાદ પુસ્તક ઘસડી નાખે, તો કંઈ ખોટું ય નથી, પણ કેટલાક જાણકારોનું માનવું છે કે રાજ પરિવાર છોડી દીધા પછી હેરી પોતાની જાતને એક સામાન્ય નાગરિક તરીકે ‘પ્રોજેક્ટ’ કરવામાં લાગી ગયો છે. ‘સ્પેર’ના મુખપૃષ્ઠ ઉપર ગ્રે ટીશર્ટ પહેરેલો હેરીનો ફોટો જોઈને તમને લાગે નહિ કે આ પુસ્તક રાજવી પરિવારના કોઈ સદ્સ્યનું છે! હેરી કહે છે, “મેં કોઈ પ્રિન્સ તરીકે આ પુસ્તક નથી લખ્યું, પણ એક સામાન્ય માનવી તરીકે લખ્યું છે.
ઓકે, ગુડ. પ્રિન્સ હેરી ચાહે ગમે એટલી ચોખવટ કરે, પણ એક રાજકુમારને બદલે ‘સામાન્ય માનવી’ તરીકેની છાપ ઊભી કરવાના એના પ્રયત્નો અછતા રહેતા નથી. રાજાશાહીના વળતા પાણીને પગલે પ્રિન્સ હેરીને ભવિષ્ય અંધકારમય દેખાયું હોય, અને લોકો ઉપર ખરા અર્થમાં રાજ કરવા માટે એણે લાંબે ગાળે પોલિટિક્સમાં ‘એન્ટ્રી’ લેવાનો તખ્તો તૈયાર કરવા માંડ્યો હોય, એવું તો નથી ને?! એનો ઉત્તર તો આવનારો સમય જ આપી શકે, પણ અત્યારે તો રાજવી પરિવાર ફફડાટ હેઠળ છે, કે હેરીની આત્મકથારૂપી કરંડિયામાંથી કોણ જાણે કેવા કેવા સાપ ફેણ માંડીને ઊભા થશે! ઉ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular