મુંબઈઃ અત્યારે મુંબઈમાં એક સ્પેનિશ મહિલાની ખૂબ જ ચર્ચા થઈ રહી છે અને થાય પણ તેમ નહીં આખરે આ મહિલાએ કામ જ એવું કર્યું છે. મરતાં મરતાં તેણે પાંચ જણને જીવનદાન આપવાનું મહાન કામ કર્યું છે.
67 વર્ષીય ટેરેસા મારિયા ફર્નાન્ડિઝ સ્પેનથી ભારત ફરવા આવ્યા હતા. મુંબઈની મુલાકાતે આવેલી આ વૃદ્ધાને પાંચમી જાન્યુઆરીના હેમરેજિક સ્ટ્રોક આવ્યો હતો. તેને સારવાર માટે જસલોક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. સારવારને કારણે તેમની તબિયતમાં સુધારો જોવા મળ્યો નહોતો અને આખરે ડોક્ટરોએ તેને બ્રેઈન ડેડ જાહેર કરી હતી.
દરમિયાન ટેરેસાનો પરિવાર પણ મુંબઈ આવી પહોંચ્યો હતો અને ડોક્ટરો સાથે ચર્ચા-વિચારણા કર્યા બાદ અને ટેરેસાની ઈચ્છા પ્રમાણે ઓર્ગન ડોનેશન માટે પરિવાર તૈયાર થયો હતો. ટેરેસા ઓર્ગન ડોનેશનની મદદથી ચાર ભારતીય અને એક લેબનિઝ નાગરિકને જીવન બચાવવામાં નિમિત્ત બની હતી.
પરિવારની ઈચ્છા મુજબ ટેરેસાનાફેફસા, હૃદય, આંતરડા જરુરિયાતમંદ દર્દીઓને દાનમાં આપવામાં આવ્યા હતા. મહિલાનું હૃદય લેબનીઝ નાગરિકને દાનમાં આપવામાં આવ્યું હતું. અસ્થિઓનું દાન પણ કરવામાં આવ્યું હતું. મહિલાનું લિવર મુંબઈના 54 વર્ષીય ડૉક્ટરને દાનમાં આપવામાં આવ્યું હતું. આનાથી તેનો જીવ બચી ગયો. નાણાવટી હોસ્પિટલમાં અંગ પ્રત્યારોપણની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી.
જસલોક હોસ્પિટલના ડોક્ટર આંબેડકરે કહ્યું કે, આપણે આ સ્પેનિશ મહિલાની ઘટના પરથી એક ઉદાહરણ લેવું જોઈએ. બીજા દેશમાં હોવા છતાં આ પરિવારે કોઈ પણ ખચકાટ વગર અંગનું દાન કર્યું. તેમણે બતાવ્યું કે માનવતાનો દેશ, જાતિ, ધર્મ કે અન્ય કોઈ પણ બાબત સાથે સંબંધ નથી.