નવી દિલ્હીઃ સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અને ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અખિલેશ યાદવના સમર્થકો માટે દુઃખદ સમાચાર આવી રહ્યા છે. યુપીના હરદોઈ નજીક તેમના કારના કાફલાને અકસ્માત નડ્યો છે. આ અકસ્માતમાં ચારથી વધુ ગાડીને નુકસાન થયું છે અને અનેક લોકોને ઈજા પહોંચી હોવાની માહિતી મળી રહી છે.
મળી રહેલી માહિતી પ્રમાણે અખિલેશ યાદવ હરપાલપુરમાં આવેલા બેઠાપુર ખાતે એક લગ્નસમારંભમાં હાજરી આપવા જઈ રહ્યા હતા, ત્યારે ખેમીપુર ગામ નજીક આ અકસ્માત સર્જાયો હતો. અકસ્માતના અમુક વીડિયો પણ સામે આવી રહ્યા છે, જેમાં ચારથી વધુ ગાડીઓને નુકસાન થયું હોવાનું જાણવા મળી રહ્યું છે. ગાડીની આસપાસ લોકોની ભીડ જોવા મળે છે અને સાથે જ ઘટનાસ્થળે એમ્બ્યુલન્સ પણ જોવા મળી રહી છે.
અકસ્માત કઈ રીતે થયો તો એ બાબતે જે માહિતી મળી રહી છે એ પ્રમાણે રસ્તા પર વચ્ચે અચાનક કંઈક આવી જતાં એક ગાડીએ અચાનક બ્રેક મારી હતી અને આ જ કારણસર ગાડીઓ એકબીજા સાથે ટકરાઈ ગઈ હતી. અખિલેશની ગાડીનો આ અકસ્માતમાંથી આબાદ બચાવ થયો હતો. તેમની પાછળની ગાડીઓ એકબીજા સાથે અથડાઈ હતી.
અખિલેશ એક દિવસ માટે હરદોઈ જઈ રહ્યા હતા. તેઓ બપોરે 11 વાગ્યે લખનઉથી હરદોઈ જવા નીકળ્યા હતા અને સાંજે 4.30 કલાકે તેમણે હરદોઈ પહોંચવાનું હતું. ગઈકાલે અખિલેશ યાદવ મુરાદાબાદની મુલાકાતે ગયા હતા અને એ સમયે સમાજવાદી પાર્ટી દ્વારા એવો આક્ષેપ મૂકવામાં આવ્યો હતો કે યોગી સરકારના દબાણ હેઠળ કમિશનર અને ડીએમે મુરાદાબાદમાં અખિલેશ યાદવના પ્લેનને લેન્ડ કરવાની પરવાનગી નહોતી આપી.