Homeઆમચી મુંબઈમબલખ પાણીપુરવઠા માટે દક્ષિણ મુંબઈવાસીઓને રાહ જોવી પડશે

મબલખ પાણીપુરવઠા માટે દક્ષિણ મુંબઈવાસીઓને રાહ જોવી પડશે

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: દક્ષિણ મુંબઈના રહેવાસીઓને મબલખ પાણી મેળવવા માટે હજી થોડી રાહ જોવી પડવાની છે. મલબાર હિલમાં આવેલા જળાશયમાંથી દક્ષિણ મુંબઈમાં પાણી પુરવઠો કરવામાં આવે છે. પાણીનો સંગ્રહ વધુ કરી શકાય તે માટે મલબાર હિલમાં આવેલા લગભગ ૧૩૫ વર્ષ જૂના જળાશયનું સમારકામ કરવાનો પ્રોજેક્ટ મુંબઈ મહાનગરપાલિકાએ હાથમાં લીધો હતો. આવશ્યક મંજૂરી મેળવવામાં આવી રહેલી અડચણને કારણે તેના સમારકામમાં વિલંબ થઈ રહ્યો છે.
મલબાર હિલ જળાશયનું પુન: નિર્માણનું કામ ચાલુ વર્ષમાં ચોમાસા પછી કરવામાં આવવાનું છે. જોકે, અમુક આવશ્યક પરવાનગીઓ અપેક્ષા મુજબ સમયસર મળી શકી ન હોવાનું પાલિકાના અધિકારીનું કહેવું છે. તેથી જળાશયના કામમાં વિલંબ થઈ રહ્યો છે. આ જળાશયમાંથી દક્ષિણ મુંબઈના નરીમન પોઈન્ટ, કફ પરેડ, ચર્ચગેટ, કોલાબા, ગિરગાંવ, નેપિયનસી રોડ અને સમગ્ર મલબાર હિલના વિસ્તારમાં પાણી પુરવઠો કરવામાં આવે છે.
મુંબઈનો વીઆઈપી વિસ્તાર ગણાતા મલબારહિલમાં હેગિંગ ગાર્ડન નીચે ટેકરી પર મલબાર હિલ જળાશય આવેલું છે. આ જળાશયની પાણીનો સંગ્રહ કરવાની ક્ષમતા ૧૪૭.૭૮ મિલિયન લિટરની છે. જળાશયને લગભગ ૧૩૫ વર્ષ થઈ ગયા છે. તેથી ૨૦૧૭ની સાલમાં તેનું સ્ટ્રક્ચરલ ઑડિટ કરવામાં આવ્યું હતું અને ત્યાર બાદ જળાશયને ફરી બાંધવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો, જેમાં તેની ક્ષમતા વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તે મુજબ તેના પુન:બાંધકામ બાદ તેની ક્ષમતા ૧૯૧ મિલ્યન લિટર સુધી વધશે.
પાલિકાના અધિકારીના જણાવ્યા પ્રમાણે જળાશયના પુન: બાંધકામનું કામ છ તબક્કામાં કરવામાં આવવાનું છે. આ કામને લગભગ આઠ વર્ષ લાગે એવી શક્યતા છે. મુખ્ય જળાશયમાં પાંચ કમ્પાર્ટમેન્ટ છે અને હવે વધારાનું એક જળાશય પશ્ર્ચિમ બાજુએ બાંધવામાં આવશે.
સ્થાયી સમિતિએ ફેબ્રુઆરીમાં જ આ જળાશયના પુન:બાંધકામના પ્રસ્તાવને મંજૂરી આપી હતી. જુદા જુદા ટેક્સ સહિત તેનો અંદાજિત ખર્ચ ૬૯૮.૫૦ કરોડ રૂપિયા છે. સમારકામ દરમિયાન પાણી પુરવઠાને કોઈ અસર થાય નહીં તે માટે જળાશયમાં રહેલા દરેક ચેમ્બરને તોડતા પહેલા તેમાં રહેલા પાણીને નજીકના ચેમ્બરમાં ટ્રાન્સફર કરવામાં આવશે.
નોંધનીય છે કે છેલ્લા કેટલાંક વર્ષોમાં દક્ષિણ મુંબઈની વસતીમાં સતત વધારો થયો છે. ઓફિસની સાથે જ રહેણાંક વિસ્તારોમાં પાણીની માગ વધતી રહી છે. તેમાં પાછું વર્ષોથી દક્ષિણ મુંબઈના છેવાડાના વિસ્તારમાં ઓછા દબાણ સાથે પાણીપુરવઠો થતો હોવાની ફરિયાદ થતી રહી છે. તેથી પાલિકાએ આ તમામ પાસાને ધ્યાન રાખીને મલબારહિલ જળાશયનું સમારકામ હાથમાં લીધુ છે.
મલબાર હિલ જળાશયનું બાંધકામ દક્ષિણ મુંબઈમાં પ્રતિદિન પાણી પૂરું પાડવા માટે ૧૮૮૭માં બાંધવામાં આવ્યું છે. જે મુંબઈનું પહેલું કૃત્રિમ જળાશય હતું. આ જળાશયની પાણીની સંગ્રહ કરવાની ક્ષમતા ૧૯૨૫માં વધારવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular