ચેન્નઈઃ ભારતમાં લોકોમાં ફિલ્મોને લઈને ખૂબ જ ગાંડપણ જોવા મળે છે અને આ જ કારણ છે કે દુનિયાની સૌથી મોટી ફિલ્મ ઈન્ડસ્ટ્રી તરીકે લોકો ભારતને જોઈ રહ્યા છે. દર વર્ષે ભારતમાં 300થી વધુ ફિલ્મ રીલિઝ થાય છે અને આ જ ફિલ્મો દર્શકોના મન પર અસર પણ કરે છે.
હાલમાં સોશિયલ મીડિયા પર એક ન્યુઝ વાઈરલ થઈ રહ્યા છે અને નેટિઝન્સનું ધ્યાન આ ન્યુઝ પર છે. માત્ર બોલીવૂડ જ નહીં પણ ટોલીવૂડમાં પણ લોકોમાં ફિલ્મોને લઈને ખૂબ જ ઘેલુ જોવા મળે છે. લોકો પોતાના મનપસંદ સ્ટારની ફિલ્મ જોવા માટે શું કરશે અને શું નહીં એ કહી શકાય નહીં. પ્રસિદ્ધ કલાકાર અજિત કુમારની ફિલ્મને લઈને એક ખરાબ સમાચાર આવી રહ્યા છે.
સાઉથના સુપર સ્ટાર અજિત કુમારના એક ફેનનું નિધન થઈ ગયું છે. ચેન્નઈમાં રહેનારા ભરત કુમારે એક એક્સિડન્ટમાં પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. અજિતની ફિલ્મ થુનિવુ જોવા ભરત કુમાર થિયેટરમાં ગયા હતા. પણ ફિલ્મ જોયા બાદ તે એટલા બધા ઉત્સાહિત થઈ ગયા હતા કે તેમણે જીવ ગુમાવવો પડ્યો હતો.
ફિલ્મ જોયા બાદ ભરત કુમાર ટ્રક પર ચઢીને ફિલ્મની સફળતાનો ઉત્સાહ મનાવી રહ્યા હતા, આ સમયે ટ્રક પરથી નીચે પડી જતા તેમને ગંભીર ઈજા પહોંચી હતી અને તેમનું નિધન થયું હતું. સ્થાનિક પોલીસના જણાવ્યા અનુસાર આ ઘટના ચેન્નઈના રોહિણી થિયેટરની બહાર બની હતી. ભરત કુમાર અજિતની ફિલ્મ ફર્સ્ટ ડે ફર્સ્ટ શોમાં જોવા ગયા હતા. પોલીસે આ અંગે ફરિયાદ નોંધી છે.