નરીમાન પોઈન્ટની પાળેથી -મૂળચંદ વર્મા
તેરમી અને ચૌદમી સદીમાં થઈ ગયેલા ઈટાલિયન કવિ દાન્તેના મહાકાવ્ય ‘ડિવાઈન કોમેડી’ને વિશ્ર્વના મહાગ્રંથોમાં સ્થાન આપવામાં આવ્યું છે અને અંગ્રેજી ભાષાના વિદ્વાન વિવેચક શ્રી ટી. એસ. ઇલિયટ તો એટલે સુધી કહે છે કે શેક્સપિયર પછી દાન્તેની હરોળમાં મૂકી શકાય એવો ત્રીજો સાહિત્યકાર મારી નજરે જણાતો નથી. ત્યારે વાસ્તવિકતા એ છે કે દાન્તેના મહાકાવ્ય ‘ડિવાઈન કોમેડી’માં મૌલિક વિચારો અને શબ્દલાલિત્યનો અભાવ પ્રવર્તે છે. વાલ્મીકિના ‘રામાયણ’ અને ફિરદૌસીના ‘શાહનામા’માં અનુભૂતિની જે નાજુકતા અને વિચારોની જે મૌલિકતા છે તેની સરખામણીમાં ‘ડિવાઈન કોમેડી’ એ ગ્રંથ ઊણો ઊતરે છે. ‘ડિવાઈન કોમેડી’માં આત્માની સફર-આત્માની આત્મકથા વર્ણવતાં પાપ અને પસ્તાવાની વાત કરી છે. તે જ વાત આ પહેલાં હઝરત મોહમ્મદ પેગમ્બરે કુરાનમાં વર્ણવી છે અને ઈરાનના શાહ અરદેશીર બાબેગાતના સમયમાં એટલે કે ત્રીજી સદીની શરૂઆત દરમિયાન થઈ ગયેલા દસ્તુરજી અર્દે-વિરાફ પહેલવીએ ‘વિરાફનામા’માં કરી છે. કુરાન અને ‘વિરાફનામા’માં આત્મા માટે સ્વર્ગ અને નર્કની વાત ગદ્યમાં કરવામાં આવી છે, ત્યારે દાન્તેએ એ જ વાત પદ્યમાં રજૂ કરી છે.
દાન્તેની ‘ડિવાઈન કોમેડી’માં ઊંડે ઊતરતા એ સ્પષ્ટ વર્તાઈ આવે છે કે ‘ડિવાઈન કોમેડી’ની રચનામાં દાંતે ઉપર અર્દે-વિરાફનો પ્રભાવ છે. અર્દે-વિરાફ સ્પષ્ટતાથી પૃથ્વીની ગ્રહની આસપાસ સૂર્ય, ચંદ્ર, મંગળ, બુધ, બૃહસ્પતિ, શુક્ર, શનિ એ ગ્રહો આવ્યા હોવાની અને તેની અસર થવાની વાત કરે છે અને એ જ વાત ‘ડિવાઈન કોમેડી’માં છે. નર્ક પહેલાં એક નદી આવે છે અને એ જ વર્ણન બંને ગ્રંથોમાં સમાન છે. દાન્તે માટે આત્માના પ્રવાસમાં વર્જિલ અને બિત્રીસ માર્ગદર્શક બને છે તો વિરાફ માટે સરોશ અને અતાર માર્ગદર્શક છે. વિરાફ ચંદ્રમાર્ગ, સૂર્યમાર્ગ અને તારામાર્ગ (મોહમાયા, ખોરશેદ પાયા અને સેતાર પાયા)ની વાત કરે છે અને દાન્તેએ તેનું સીધું અનુકરણ કર્યું છે. મૂળ વાત બંને એ જ કરે છે. શારીરિક જિંદગીમાં પાપ માટે આત્માને સજા ભોગવવાની
રહે છે.
‘ડિવાઈન કોમેડી’માં ખ્રિસ્તી ધર્મના પાયાની વાત સાહિત્યિક સ્વરૂપે કરવામાં આવી હોવાથી એને પ્રચારનું પ્રચુર માધ્યમ મળી ગયું. દાન્તેએ ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કર્યું હોવા છતાં એવી સ્થૂળ માન્યતા ધરાવે છે કે નર્ક એ જેરૂસલેમ જ્યાં આવ્યું છે તેની બરોબર નીચે પૃથ્વીના પેટાળમાં ઊંડે આવ્યું છે તેની બરોબર નીચે પૃથ્વીના પેટાળમાં ઊંડે આવ્યું છે અને સ્વર્ગ પૃથ્વીની ઉપર હવાનું વાતાવરણ છે તેની પેલે પાર આવ્યું છે. હઝરત મોહમ્મદ પયગમ્બર અને દસ્તુરજી અર્દે-વિરાફને સમય અને સંજોગો અનુસાર દાન્તે જેવા ઉચ્ચ શિક્ષણની તક મળી નહિ હોવા છતાં તેમના વિચારોમાં મૌલિકતા અને સ્પષ્ટતા છે ત્યારે દાન્તેમાં એવું નથી. દાન્તેએ ‘ડિવાઈન કોમેડી’નાં બિત્રીસ નામના મહિલા પાત્ર પ્રત્યેના પ્રેમને આધ્યાત્મિક સ્વરૂપ આપી પોતાની સ્થૂળ પ્રણયભાવના વ્યક્ત કરી હોવાથી ‘ડિવાઈન કોમેડી’ને લોકપ્રિયતા પ્રાપ્ત થવા પામી હોય એ સ્વાભાવિક છે.
આ ‘ડિવાઈન કોમેડી’ને વિશ્ર્વના મહાગ્રંથોની હરોળમાં સ્થાન મળ્યું છે એ હકીકત છે. ‘ડિવાઈન કોમેડી’ લખવાનો પ્રારંભ દાન્તેએ ઈ.સ. ૧૩૦૭માં કર્યો હતો અને ઈ.સ. ૧૩૨૧ના સપ્ટેમ્બરની તા. ૧૩મીની રાતે એ મહાકાવ્ય પૂર્ણ કર્યું અને બીજા જ દિવસે એટલે કે ૧૩૨૧ના સપ્ટેમ્બરની ૧૪મી તારીખે દાન્તેનું અવસાન થયું. દાન્તેએ ૪૨ વર્ષની વયે ‘ડિવાઈન કોમેડી’નો પ્રારંભ કર્યો અને પોતે ૩૫ વર્ષની વયના છે એવું તેમાં વર્ણવ્યું છે. છેલ્લો વિભાગ ‘ઙફફિમશતજ્ઞ’ છે.
‘ડિવાઈન કોમેડી’ હસ્તલિખિત પ્રતોમાં હતી. એનું સહુપ્રથમ છાપકામ એકસો એકાવન વર્ષ પછી ઈ.સ. ૧૪૭૨માં થયું હતું. ૧૩૨૧ થી ૧૩૬૧ના ગાળા દરમિયાન ‘ડિવાઈન કોમેડી’ની લગભગ ૬૦૦ હસ્તપ્રતો યુરોપમાં અસ્તિત્વમાં હતી. એક પણ હસ્તપ્રત કવિ દાન્તેના હસ્તાક્ષરમાં ઉપલબ્ધ નથી. આ હસ્તપ્રત નકલોમાં કારકુનો કરે તેવી ભૂલો થવા પામી હોય એ સ્વાભાવિક છે. જૂનામાં જૂની હસ્તપ્રતો અત્યારે ઉપલબ્ધ છે તે ૧૩૩૬ની સાલની છે અને એમાંની એક સુંદર હસ્તપ્રત આજે પણ મુંબઈની એશિયાટીક સોસાયટી પાસે છે. એ હસ્તપ્રતનું મૂલ્ય વિશ્ર્વની નજરે રૂા. ૯૦ લાખ કે તેથી અધિક આંકવામાં આવે છે. આવા અમૂલ્ય ગ્રંથની જાળવણી કરવા એશિયાટીક સોસાયટીએ એ હસ્તપ્રતને સ્ટેટ બૅંક ઓફ ઈન્ડિયાના ‘સેફ ડિપોઝિટ વોલ્ટ’માં રાખવાનો પ્રબંધ કર્યો. મુંબઈ ઈલાકાના ગર્વનર તરીકે ૧૮૧૯-૧૮૨૭ દરમિયાન રહી ગયેલા લોર્ડ માઉન્ટ સ્ટુઅર્ટ એલ્ફિન્સ્ટોને સને ૧૮૨૦માં આ હસ્તપ્રત એશિયાટીક સોસાયટીને ભેટ આપી હતી અને એના પર લોર્ડ માઉન્ટ સ્ટુઅર્ટ એલ્ફિન્સ્ટોનના હસ્તાક્ષર છે. ઈટલીના સરમુખત્યાર મુસોલિનીએ આ હસ્તપ્રત મોં માગ્યા દામે ખરીદવાની દરખાસ્ત રજૂ
કરી હતી; પણ તેનો અસ્વીકાર કરવામાં આવ્યો હતો.
એશિયાટીક સોસાયટી પાસે જે હસ્તપ્રત છે તેનું કદ સાડાબાર ઈંચ ડ્ઢ સવા આઠ ઇંચનું છે. મોટો હાંસિયો ધરાવે છે અને એક જ કોલમ (કતાર)માં લખાઈ છે. અક્ષરો મોટા, આકર્ષક અને મરોડદાર છે. દરેક સર્ગની શરૂઆતનો અક્ષર વાદળી રંગથી ચીતરી આસપાસ કલાત્મક અને નયનરમ્ય સુશોભન લાલ રંગમાં કરવામાં આવ્યું છે. સર્ગનાં શીર્ષક લાલ, સોનેરી કે વાદળી રંગના અક્ષરોમાં છે. એમાં દાન્તેનું ચિત્ર પણ છે અને તે લાલ પોશાકમાં છે. વિશેષ વાત આ અમૂલ્ય હસ્તપ્રત માટે એ છે કે ઇટલીના મિલાન શહેરમાં આવેલી ધી એમ્બ્રોસિયન લાઈબ્રેરીના સેક્રેટરીએ આ હસ્તપ્રતને પોતાના હસ્તાક્ષરથી પ્રમાણિત કરતાં જણાવ્યું છે કે, ‘ડિવાઈન કોમેડી’ની ઉપલબ્ધ શ્રેષ્ઠ હસ્તલિખિત પ્રતોમાંની આ એક છે. ૬૦૦ હસ્તપ્રતોમાંથી ૨૦૦ હસ્તપ્રતો માત્ર ફ્લોરેન્સ શહેરમાં હતી.
ઓક્સફોર્ડના એક વિદ્વાન ડબલ્યુ. આર. મેકડોેનેલે ૧૮૯૧માં એશિયાટીક સોસાયટી પાસેની આ હસ્તપ્રતનું ઝીણવટથી નિરીક્ષણ કરી જણાવ્યું છે કે, ‘ડિવાઈન કોમેડી’ની જે શ્રેષ્ઠ હસ્તપ્રતો જગતમાં ઉપલબ્ધ છે તેમાં મુંબઈની એશિયાટીક સોસાયટી પાસેની હસ્તપ્રતનું પાંચમું સ્થાન આવે છે. પ્રથમ સ્થાન ફ્લોરેન્સમાં સાંતાક્રુઝ લાઈબ્રેરીની હસ્તપ્રતનું છે.
બીજા સ્થાનની હસ્તપ્રત વેટિકનમાં છે, ત્રીજું સ્થાન ધરાવતી હસ્તપ્રત રોયલ લાઈબ્રેરી બર્લિનની હસ્તપ્રત છે અને ચોથું સ્થાન ધરાવતી હસ્તપ્રત રોમની એક ખાનગી લાઈબ્રેરીમાં છે. સરખામણી કરતાં ઓક્સફોર્ડ અને કેમ્બ્રિજ યુનિવર્સિટીની હસ્તપ્રત
કરતાં એશિયાટીક સોસાયટીની હસ્તપ્રત ચઢિયાતી છે. (ક્રમશ:)