Homeઉત્સવદીકરાના દીકરાની વહુને સાત માળની હવેલી પર સોનાની ગોળીમાંથી માખણ ઉતારતી જોઉં

દીકરાના દીકરાની વહુને સાત માળની હવેલી પર સોનાની ગોળીમાંથી માખણ ઉતારતી જોઉં

ઝબાન સંભાલ કે -હેન્રી શાસ્ત્રી

ગુજરાતી ભાષાની કહેવતો ભાષા સૌંદર્ય અને એના લહેકા ઉપરાંત તેમાંથી મળતો બોધ અને ટપકતા ડહાપણ માટે સુધ્ધાં જાણીતી છે. આજની કહેવતમાં મનુષ્યની અગમબુદ્ધિનો ચિતાર જોવા મળે છે. એક વાણિયાએ બાળપણમાં જ આંખનું તેજ ગુમાવી દીધું હતું. સૂરજ કેવો હોય. ઝાડ – પાન, પશુ – પંખી કેવા દેખાય એની એને ગતાગમ ન હોય એ સ્વાભાવિક છે. અધૂરામાં નાનપણમાં જ માતા – પિતાનું છત્ર ગુમાવી દીધું હતું. રખડી રઝળી પેટ ભરવું પડતું હોવાથી જીવતર દુ:ખનો દરિયો થઈ ગયું હતું. આયુષ્ય કંઈ સૂતરનો ત્રાગડો નથી જે તોડી નખાય. કોઈ ગૃહસ્થે તેને ધર્મધ્યાન શીખવ્યું અને આંધળો બીજું કરે પણ શું? કાં તો દળે કે ગાય. સુરદાસ વાણિયાનું ચિત્ત ગાવામાં લાગી ગયું. અહર્નિશ કીર્તન કરવાની આદત અને આવડતને કારણે એ મોટા ભક્ત તરીકે ઓળખાણો. એની ઈશ્ર્વર સ્તુતિ સાંભળી માણસો ધન્ય થઈ જતા અને વાણિયાની સ્તુતિ કરતા. સોમનાથ મહાદેવના ધ્યાનમાં મગ્ન બની કીર્તન કરી રહેલા વાણિયા પર મહાદેવજી પ્રસન્ન થયા અને આકાશવાણીથી વાણિયાને કહ્યું કે ‘તું આ સમયે વર (વરદાન) માગે તેે આપવા તૈયાર છું. માટે એક વચન માગી લે.
ઈશ્ર્વરીય કૃપાથી આનંદિત થયેલો વાણિયો વિચારમાં પડ્યો કે શું માંગવું? જીવનમાં અનેક બાબતોનો અભાવ છે. વિચાર્યું કે જો આંખો માગીશ તો દેખતો તો થઈશ પણ પૈસા તો છે નહીં એટલે આજીવિકા રળવા રઝળપાટ કરવો પડશે. જો દ્રવ્ય – ધન માગું તો આંખ વગર એનું સુખ કેવી રીતે ભોગવી શકીશ? એ ધન તો અંતે પારકાને જ લાભકારી નીવડશે. એટલે ધન માગવું પણ વાજબી નથી. જો સ્ત્રી (પત્ની) માગીશ તો અમારા બંનેનો ગુજારો કરવાની જવાબદારી આવશે જે મુશ્કેલ છે. આજની તારીખમાં મારું ગુજરાન જ બીજાને આધારે થાય છે ત્યાં એ મુસીબત બમણી કરવાનો કોઈ અર્થ નથી. આમ એકેય વાત રુચતી નહોતી. વાણિયો જેમ જેમ વધુ વિચારતો રહ્યો એમ એમ વધુ ને વધુ મૂઝાવા લાગ્યો. પ્રભુએ તો કેવળ એક વચનમાં જ વરદાન માગવા કહ્યું છે. એટલે આ બધી બાબત જુદી જુદી રીતે તો માગી શકાય એમ નથી. આંખો, દ્રવ્ય, સ્ત્રી અને બાળકો વગેરે તમામ સંસારી સુખ એક વચનમાં મળી જાય એવું એક વાક્ય તૈયાર કરવું જોઈએ. થોડીવાર વિચાર કરી મલકાતા મોઢે વાણિયો બોલ્યો કે ‘હે ભોળાનાથ! તમારું વચન જો સાચું હોય તો હું અત્યારે માગુ છું કે મારા દીકરાના દીકરાની વહુને સાત માળની હવેલી પર સોનાની ગોળીમાંથી માખણ ઉતારતો જોઉં. આમ વાણિયાએ ચતુરાઈથી એક જ વાક્યમાં આંખો, દ્રવ્ય, સ્ત્રી માંગી લીધા. મહાદેવે કહ્યું ‘તથાસ્તુ’. કોઈ ખોડ ન કાઢી શકે એવું આ વાક્ય ડહાપણની મિસાલ બની ગયું.’
———
SAD IDIOMS
સુખ અને દુ:ખ જીવનના અનિવાર્ય હિસ્સા છે. જીવનમાં એનો અનુભવ મોટેભાગે વારાફરતી થતો હોય છે. અલબત્ત ક્યારેક એક આંખ હસે ને એક આંખ રડે જેવી પરિસ્થિતિમાંથી પણ પસાર થવું પડે. અસાધ્ય બીમારીથી લાંબો સમય પીડાતી માતાના અવસાન પછી માનું છત્ર ગુમાવ્યાનું દુ:ખ થાય તો સાથે પીડામાંથી એનો છુટકારો થયો એની રાહતની લાગણી સુધ્ધાં થાય. ભાષામાં પણ સુખનું વર્ણન કરતા
રૂઢિપ્રયોગ અને કહેવત છે એ જ રીતે દુ:ખ – દરદની વાત કરતા પ્રયોગો પણ છે.One’s heart sinks એટલે અચાનક વસમું લાગવું કે નિરાશ થઈ જવું. My heart sank when I opened the letter and realized I had not been given the job. એન્વલપ ખોલ્યા પછી નોકરી નથી મળી એ ખબર પડતા હું નિરાશ થઈ ગયો. Broken Hearted પ્રયોગમાં દુ:ખ – દરદની લાગણી તીવ્ર હોય છે. He was broken – hearted when his wife died.પત્નીના અવસાનનો એને ઊંડો આઘાત લાગ્યો હતો. A heavy heart  રૂઢિપ્રયોગમાં નિરાશા ઘેરી વળવાની વાત છે.He resigned from the job with a heavy heart. ભારે હૈયે તેણે નોકરીમાંથી રાજીનામું આપ્યું. Lump in your throat એટલે ગળામાં ડૂમો ભરાઈ જવો, ગળગળા થઈ જવું. There was a lump in spectators’ throat while watching ‘Titanic”” film.ટાઈટેનિક’ ફિલ્મ જોતી વખતે દર્શકોના ગળામાં ડૂમો ભરાઈ ગયો. Face like a wet weekend રૂઢિપ્રયોગ બ્રિટિશરોની ભેટ છે. શનિ – રવિની રજામાં બે ઘડી આનંદ કરવાની કે ફરવાની ઈચ્છા હોય પણ હવામાન ખરાબ હોવાથી ઘરમાં ગોંધાઇને બેસી રહેવું પડે એટલે મોઢું વિલાઈ જાય, મૂડ આઉટ થઈ જાય એ એનો ભાવાર્થ છે. Down in the mouth એટલે મોઢું પડી જવું. આ પ્રયોગની ખાસિયત એ છે કે એનો ઉપયોગ પોતાની નહીં પણ અન્ય વ્યક્તિની અવસ્થા વ્યક્ત કરવા માટે જ વપરાય છે. She seems to be down in the mouth. Maybe she failed her exams. જોને, એનું મોઢું કેવું પડી ગયું છે! લાગે છે કે પરીક્ષામાં નાપાસ થયો છે. Down in the dumps રૂઢિપ્રયોગમાં અન્યની નહીં પણ પોતાની હાલતનો ચિતાર વ્યક્ત થાય છે. હમણાં આપણે જે ઉદાહરણ જોયું એનાથી સાવ વિપરીત. Binita seems to be down in the dumps because she broke up with her boyfriend recently. બોયફ્રેન્ડ સાથે તાજેતરમાં જ બ્રેકઅપ થયું હોવાથી બિનિતા એકદમ નંખાઈ ગયેલી લાગે છે.Reduce to tears એટલે કોઈને રોવરાવવું કે પોતાને એટલું દુ:ખ થવું કે રડવું ખાળી ન શકાય. My boss reduced me to tears with his constant
criticism today.બોસે આજે મારી સતત એટલી વગોવણી કરી કે હું રડવું ખાળી ન શક્યો.
—————
म्हणी मध्ये गृह पुराण
શરીરના અંગો પરથી પણ ઘણા મજેદાર અને માર્મિક રૂઢિપ્રયોગ અને કહેવતો લગભગ દરેક ભાષામાં જોવા મળે છે. આજે મરાઠી ભાષાના એવા વિશિષ્ટ પ્રયોગો પર નજર નાખી એનો આનંદ લઈએ. પહેલો પ્રયોગ છે तौडात बोट घालणे આ રૂઢિ પ્રયોગનો અર્થ છે ખૂબ જ આશ્ર્ચર્ય થવું. आठ वर्षाची मुलीला पियानो बाजवत पाहुन सर्वानी तौडात बोट घातले.આઠ વર્ષની છોકરીને પિયાનો વગાડતી જોઈને બધા મોંમાં આંગળા નાખી ગયા.तौंडाचा पट्टा चालविणे.. એટલે સામી વ્યક્તિને માઠું લાગે એવી રીતે બોલવું.काही लोकांना सतत तौडाचा पट्टा चलावण्याची सवई असते। કેટલાક લોકોને સામી વ્યક્તિને લાગી આવે એવું બોલવાની આદત જ હોય છે.तोंड देण એટલે સામનો કરવો, મુકાબલો કરવો કે પહોંચી વળવું. वडील बारल्यावर वाइट परिस्थितीला आईने कैसे तौंड दिले याची कल्पना करवत नाही.
પિતાશ્રીના અવસાન પછી માતુશ્રીએ ખરાબ પરિસ્થિતિનો સામનો કેવી રીતે કર્યો એની તો કલ્પના પણ થઈ નહીં શકે. આજનો અંતિમ રૂઢિપ્રયોગ છેतोंडाला पाने पुसण જેનો અર્થ થાય છે બીજાને ફસાવવું. आयपीएल सामन्याची तिकीट आणून दैतो असं म्हणत मित्राने शेवटपर्यंत न देउन माज्या तौंडाला पाने पुसली। આઈપીએલ મેચની ટિકિટ લાવી આપશે એવું કહીને મિત્રએ છેવટ સુધી લટકાવી રાખીને મને છેતર્યો.
————-
माथा के मुहावरे
આ રૂઢિપ્રયોગોના અર્થ સમજતા પહેલા .माथा નો અર્થ સમજી લેવો જરૂરી છે. હિન્દી શબ્દ માથા એટલે માથું નહીં, પણ કપાળ. ફિલ્મ ‘આહ’ના ખૂબ જાણીતા ગીત ‘રાજા કી આયેગી બારાત’ની એક પંક્તિ છે ને કે ‘રાજા કે માથે તિલક લગેગા રાની કે માંગ સિંદુર’ મતલબ કે રાજાના કપાળે તિલક લાગશે અને રાણીની સેંથીમાં સિંદૂર પુરાશે. હવે એના રૂઢિપ્રયોગો જોઈએ. કોઈ વ્યક્તિ ધર્મસ્થાનકે ગઈ હોય ત્યારે माथा टेकना એટલે કે નમન કરવા જેમાં કપાળ સ્થાનક પર ટેકવવામાં આવતું હોય છે. पिताजी माथा टेकने गांव
गए है. કુળદેવીને નમન કરવા પિતાશ્રી ગામ ગયા છે. माथा पीटना એટલે પોતાના નસીબને દોષ દેવો. परिवार की तकलीफें देखकर महेश माथा पीटने लगा.. પરિવારની મુસીબતો જોઈને મહેશ નસીબને કોસવા લાગ્યો. माथा पच्ची करना એટલે લાંબો સમય વિચારવું કે કોઈ કામ માટે ખૂબ મથવું. कई घंटो तक माथापच्ची करने के बाद भी गुत्थी सुलज न पायी. ઘણા કલાક માથાકૂટ કર્યા પછી પણ ગૂંચ ઉકેલી શકાઈ નહીં. माथा रगडना એટલે આજીજી કરવી, દીનતાપૂર્વક યાચના કરવી.ुसीबत में एक समय के धनवान को भी माथा रगडना पडता है.. મુસીબત આવી પડે ત્યારે ધનવાને પણ બે હાથ જોડી આજીજી કરવી પડતી હોય છે. माथा झन्नाना એટલે ચકરાઈ જવું, આશ્ર્ચર્યચકિત થઈ જવું. अपने देश में ऐसी कई जगह है. जो देखकर आपका माथा झन्ना उठेगा।આપણા દેશમાં એવા અનેક સ્થળ છે જે જોઈને તમે આશ્ર્ચર્યમાં ગરકાવ થઈ જશો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular