સોનિયાની ઈડી દ્વારા બે કલાક પૂછપરછ

દેશ વિદેશ

નવી દિલ્હી: નેશનલ હેરાલ્ડ મનીલોન્ડરિંગ કેસના સંદર્ભમાં એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટે ગુરુવારે કૉંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીની બે કલાક માટે પૂછપરછ કરી હતી. સોનિયા ગાંધી ઈડી મુખ્યાલયમાં બપોરે ૧૨.૦૦ પછી આવ્યા હતા અને તેમની ૧૨.૩૦ વાગે પૂછપરછ શરૂ કરવામાં આવી હતી. બે કલાક પછી સોનિયા ગાંધીને જવા દેવામાં આવ્યા હતા.
તબીબી કારણોસર ઘરે જવા દેવાની સોનિયા ગાંધીની વિનંતી ઈડી અધિકારીઓએ મંજૂર રાખી હતી. નેેશનલ હેરાલ્ડ અખબારની માલિકી ધરાવતા યંગ ઈન્ડિયન પ્રાઈવેટ લિમિટેડમાં કથિત નાણાકીય ગેરરીતિઓ થઈ હતી તે અંગે ઈડીએ તપાસ હાથ ધરી હતી. સોનિયા ગાંધી સાથે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડરા પણ આવ્યા હતા. ઝેડ પ્લસ કેટેગરીની સીઆરપીએફ
સુરક્ષા ટીમ સાથે સોનિયા ગાંધી મધ્ય દિલ્હીના વિદ્યુત લેન સ્થિત ઈડી મુખ્યાલયમાં પહોંચ્યાં હતાં. ઈડી દ્વારા સોનિયા ગાંધીની પૂછપરછ થઈ હતી તેના વિરોધમાં કૉંગ્રેસ કાર્યકરોએ કૉંગ્રેસ મુખ્યાલયની બહાર દેખાવો કર્યા હતા. ડીએમકે, સીપીઆઈ-એન, સીપીઆઈ, નેશનલ કોન્ફરન્સ, ટીઆરએસ, એમડીએમકે, એનસીપી અને શિવસેના સહિતના વિવિધ પક્ષના નેતાઓએ એક સંયુક્ત નિવેદનમાં ઈડીની કાર્યવાહીને વખોડી કાઢી હતી. સરકારી એજન્સીઓનો દુરુપયોગ કરીને રાજકીય વિરોધીઓની સરકાર હેરાનગતિ કરી રહી છે, તેવો આક્ષેપ વિપક્ષી નેતાઓએ કર્યો હતો. રાજસ્થાનના મુખ્ય પ્રધાન અશોક ગેહલોતે એક પત્રકાર પરિષદમાં કહ્યું કે ‘સોનિયા ગાંધીની તપાસ કયા આરોપો હેઠળ થઈ રહી છે તે અંગે ઈડીએ પત્રકાર પરિષદમાં કહેવું જોઈએ.’ ‘સોનિયા ગાંધીને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યાં તેવા ઈડીના પગલાંને હું વખોડું છું.’ તેમના પ્રશ્ર્નોના જવાબ મેળવવા ઈડીના અધિકારીઓએ તેમનાં ઘરે જવું જોઈતું હતું. કૉંગ્રેસના વરિષ્ઠ નેતા પી. ચિદમ્બરમે કહ્યું કે ઈડી સુપ્રીમ કોર્ટથી ચડિયાતી નથી. ઈડી જે તપાસ કરે છે તે શું સુપ્રીમ કોર્ટ નહીં કરી શકે તેવો તેમણે પ્રશ્ર્ન કર્યો હતો. સુપ્રીમ કોર્ટ પર તપાસ છોડી દેવાને બદલે ઈડી તપાસ કરી રહી છે અને કૉંગ્રેસ પક્ષને ડરાવવાના પ્રયત્ન કરી રહી છે. કૉંગ્રેસ ધામધમકીથી ડરશે નહીં, તેવું ચિદમ્બરમે કહ્યું હતું.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.