સોનિયા ગાંધીએ નિવૃત્તિની અટકળો પર પુર્ણવિરામ મુક્યુ
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીએ રાયપુરમાં પાર્ટીના 85માં સંમેલનમાં આપેલા ભાષણ બાદ રાજકારણમાંથી તેમની નિવૃત્તિની અટકળો શરૂ થઈ ગઈ હતી. હવે આ અટકળોને સોનિયા ગાંધીએ રદિયો આપ્યો છે. કોંગ્રેસના પ્રવક્તા અલકા લાંબાએ રવિવારે સોનિયા ગાંધીને ટાંકીને કહ્યું હતું કે તેઓ ક્યારેય નિવૃત્ત થયા નથી અને ટૂંક સમયમાં નિવૃત્ત થવાનો તેમનો કોઇ ઇરાદો પણ નથી. પાર્ટી સંમેલનના સમાપન સમયે અલકા લાંબાએ કહ્યું હતું કે મીડિયાએ સોનિયા ગાંધીના ભાષણનું ખોટું અર્થઘટન કરવાનું બંધ કરવું જોઈએ. જ્યારે મેં તેમને આ સમાચારો વિશે જણાવ્યું ત્યારે તેઓ હસ્યા અને કહ્યું કે હું ક્યારેય નિવૃત્ત થઇ નથી અને હું ક્યારેય નિવૃત્ત થવાની નથી. લાંબાએ મીડિયાને પણ વિનંતી કરી કે તેઓ સોનિયા ગાંધીના ભાષણમાંથી આવો ખોટો અર્થ ન કાઢે. આ પહેલા કોંગ્રેસ નેતા કુમારી સેલજાએ કહ્યું હતું કે સોનિયા ગાંધીનો મતલબ પ્રમુખ તરીકેની તેમની ઇનિંગ પૂર્ણ કરવી છે. તેમણે રાજકારણમાંથી નિવૃત્તિ લેવાની વાત કરી નહોતી. પાર્ટીના વડા તરીકેના તેમના કાર્યકાળનો ઉલ્લેખ કરતા, કોંગ્રેસ સાંસદ સોનિયા ગાંધીએ શનિવારે રાયપુરમાં પાર્ટીના 85માં સંમેલનમાં કહ્યું હતું કે તેઓ ખુશ છે કે તેમની ઇનિંગ ભારત જોડો યાત્રા સાથે સમાપ્ત થઈ રહી છે. કેટલાક મીડિયા અહેવાલોમાં તેમના આ નિવેદનને રાજકારણમાંથી નિવૃત્તિ તરીકે રજૂ કરવામાં આવ્યું હતું.