ભારતીય જનતા પાર્ટીના નેતા અને સોશિયલ મીડિયા પર્સનાલિટી સોનાલી ફોગટની હત્યા કેસમાં મોટા ખુલાસા થઇ રહ્યા છે. આ મામલાની તપાસ કરી રહેલી CBI ટીમે દાખલ કરેલી ચાર્જશીટમાં ખુલાસો થયો છે કે સોનાલી ફોગાટને બળપૂર્વક MDMA દવાઓ આપવામાં આવી હતી. એ પણ એક વખત નહીં પરંતુ 7 વખત તેને પ્લાસ્ટિકની બોટલમાંથી દવા આપવામાં આવી હતી. ચાર્જશીટ મુજબ, આરોપી સુધીર સાંગવાન અને સુખવિંદરે ગોવાની કર્લીઝ રેસ્ટોરન્ટમાં સોનાલી ડ્રગ્સ આપ્યું હતું.
CBIની ચાર્જશીટ મુજબ, કર્લીઝ રેસ્ટોરન્ટના કેમેરા નંબર 9 તપાસવા પર જાણવા મળ્યું કે 22 ઓગસ્ટની રાત્રે 01:09, 01:10, 01:13, 01:19, 01:22, 01:25 અને 01:27 વાગ્યે સુધીર અને સુખવિન્દર બંને સોનાલીને MDMA આપતા જોવા મળે છે. CBIએ કર્લીઝ રેસ્ટોરન્ટના વેઈટરને પણ સાક્ષી બનાવ્યો છે. વેઈટર સરધન દાસે સીબીઆઈને જણાવ્યું કે 22 ઓગસ્ટે તેઓ નાઈટ શિફ્ટમાં હતો અને તેમની ડ્યુટી પહેલા માળે જ હતી. તેણે સોનાલીને સુધીર સાથે ડાન્સ કરતી જોઈ અને સુધીર તેને દારૂ પીવા માટે દબાણ કરતો હતો.
CBIએ ચાર્જશીટમાં 104 લોકોને સાક્ષી બનાવ્યા છે, પરંતુ સોનાલી ફોગટની હત્યા પાછળનો હેતુ શું હતો, તે ચાર્જશીટમાં સ્પષ્ટ કરવામાં આવ્યું નથી.