લૂંટને ઇરાદે ત્રણથી ચાર જણે માતાની હત્યા કરી હોવાનું જુઠ્ઠાણું આરોપીએ ચલાવ્યું હતું

મુંબઈ: પિતરાઈ બહેન સાથેના કથિત પ્રેમપ્રકરણનો વિરોધ કરનારી માતાની ગળું દબાવી હત્યા કર્યા બાદ લૂંટને ઇરાદે ત્રણથી ચાર જણે ગુનો આચર્યો હોવાનું જુઠ્ઠાણું પુત્રએ ચલાવ્યું હતું. ભિવંડીમાં બનેલી આ ઘટનામાં પોલીસે ચીવટપૂર્વકની તપાસ બાદ ૧૨ કલાકમાં જ મૃતકના પુત્ર સહિત બે જણની ધરપકડ કરી હતી.
નારપોલી પોલીસે પકડી પાડેલા બન્ને આરોપીની ઓળખ કૃષ્ણ યાદવ (૨૯) અને બબિતા યાદવ (૩૦) તરીકે થઈ હતી. આરોપી કૃષ્ણએ તેની કઝિન બબિતાની મદદથી સોમવારની મધરાતે બે વાગ્યાની આસપાસ ફ્લૅટના બેડરૂમમાં પટ્ટાની મદદથી માતા અમરાવતી યાદવ (૫૮)ની કથિત હત્યા કરી હતી અને બાદમાં તેના મૃતદેહને હૉલમાં રાખી દીધો હતો.
ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપીએ જ પોલીસ ક્ધટ્રોલ રૂમને ફોન કરી ઘટનાની જાણકારી આપી હતી. બનાવની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે ઘટનાસ્થળનું નિરીક્ષણ કરતાં આરોપીનું નિવેદન શંકાસ્પદ જણાયું હતું. વળી, ઘટનાના સાક્ષી કૃષ્ણ અને બબિતા બે જ જણ હતાં.
આ પ્રકરણે નારપોલી પોલીસ સ્ટેશનના સિનિયર ઈન્સ્પેક્ટર મદન બલ્લાળ અને ઈન્સ્પેક્ટર (ક્રાઈમ) સંભાજી જાધવની ટીમે તપાસ કરતાં આરોપીનું જુઠ્ઠાણું પકડાઈ ગયું હતું. આરોપીએ જણાવ્યું હતું કે બેથી ત્રણ જણે ઘરમાં ઘૂસીને લૂંટ ચલાવવાનો પ્રયાસ કર્યો હતો. માતા અમરાવતીએ લૂંટારાઓનો વિરોધ કરતાં તેની હત્યા કરવામાં આવી હતી. પોલીસે પડોશીઓની પૂછપરછ કરતાં કૃષ્ણ અને બબિતા વચ્ચેના પ્રેમપ્રકરણ અને તેને લઈ ઘરમાં ચાલતા વિવાદની વાત સામે આવી હતી. આખરે પોલીસે બન્નેની આકરી પૂછપરછ કરતાં તેમણે ગુનો કબૂલ્યો હોવાનો દાવો પોલીસે કર્યો હતો.

Google search engine