આવા માણસોની કદર કરીને આપણે તેને થોડી સુખની ક્ષણો આપવાની કોશિશ કરવી જોઈએ
સુખનો પાસવર્ડ -આશુ પટેલ
થોડા દિવસો અગાઉ મારે એક મિત્રને મળવા જવાનું હતું એટલે મેં કાંદિવલીથી ખાર જવા માટે ટેક્સી બુક કરાવી હતી, પણ ડ્રાઈવરે બુકિંગ કેન્સલ કર્યું અને બીજી ટેક્સી મળતા વાર લાગી એટલે હું થોડો મોડો પડ્યો… હું હાઈવે પર ગોરેગાંવ પહોંચ્યો ત્યાં મને તે મિત્રનો કોલ આવ્યો. તેણે કહ્યું કે “હું ખારથી નીકળી રહ્યો હું એટલે આપણે સીધા ગોરેગાંવ મારા ઘરે જ મળીએ.
એટલે મેં ડેસ્ટિનેશન ચેન્જ કરીને ગોરેગાંવ વેસ્ટમાં તે મિત્રના ઘરનું એડ્રેસ નાખ્યું.
હું વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર ગોરેગાંવ જ પહોંચ્યો હતો એટલે ત્યાંથી સીધો ગોરેગાંવ વેસ્ટ પહોંચ્યો. હું તો થોડીવારમાં તે મિત્રના ઘરે પહોંચી ગયો, પરંતુ તે મિત્રને ટ્રાફિક નડ્યો અને તેને આવતા થોડી વાર લાગે એમ હતી એટલે તેણે મને કોલ કર્યો કે “હું દસ-પંદર મિનિટમાં પહોંચું છું તમે રાહ જોજો.
તે વખતે ખૂબ ગરમી હતી એટલે મેં ટેક્સીચાલક યુવાનને કહ્યું, “મારા એક મિત્ર આવે છે ત્યાં સુધી હું દસ-પંદર મિનિટ કારમાં જ બેસી રહું છું. હું તમને એક્સ્ટ્રા પૈસા આપી દઈશ.
મારા સુખદ આશ્ર્ચર્ય વચ્ચે તે યુવાને કહ્યું, “કોઈ વાંધો નહીં, હું કાર સાઈડમાં મૂકી રાખું છું તમે આરામથી બેસો.
મેં તે યુવાનને પૈસા આપવા માટે પાકીટ કાઢ્યું તો તે યુવાને કહ્યું, “હું એક્સ્ટ્રા પૈસા નહીં લઉં.
મેં તેને કહ્યું, “પણ તમારી કારનું એન્જિન અને એસી ચાલુ રહેશે એટલે પેટ્રોલ, ડિઝલ, ગેસ જે ઇંધણ હશે એ તો વપરાશે જ ને!
તેણે મને સરસ જવાબ આપ્યો : “ઈન્સાનિયત ભી કોઈ ચીજ હોતી હૈ, હું તમારી પાસેથી પૈસા નહીં લઉં.
મને તે યુવાન કંઈક જુદી માટીનો લાગ્યો એટલે મેં તેની સાથે વાતો કરી. તે યુવાને કહ્યું, “મારા પિતા વેટરનરી ડૉક્ટર હતા. તેઓ નિવૃત્ત થઈ ગયા છે અને તેમની પાસે કોઈ લાંબી બચત નહોતી. થોડાં વર્ષો પહેલાં તેમની તબિયત બગડી અને તેમણે ઘણા સમય માટે હૉસ્પિટલમાં રહેવું પડ્યું. તેમનું આંતરડાનું ઓપરેશન કરવું પડ્યું. એ વખતે અમારી પાસે પૈસા નહોતા અને અમારી ક્ષમતા બહાર તેમની સારવારનો ખર્ચ થઈ ચુક્યો હતો. એ કપરા સમયમાં મારા પપ્પાના મિત્રોએ આર્થિક મદદ કરી અમારો સમય સાચવી લીધો. પછી અમે ટૂકડે ટૂકડે પપ્પાના મિત્રોને પૈસા પાછા આપી દીધા. એ વખતથી મારો જીવન પ્રત્યેનો દૃષ્ટિકોણ બદલાયો.
તે યુવાને બીજી પણ ઘણી વાતો કરી. તેનાં ઘણાં સપનાઓ હતાં, પણ આર્થિક સ્થિતિને કારણે તેણે ખાનગી કંપનીની ટેક્સી ચલાવવાનું કામ સ્વીકારી લેવું પડ્યું.
મારા મિત્રને આવતા વાર લાગી તો તે અજાણ્યો ટેકસીચાલક બેસી રહ્યો. મેં છૂટા પડતી વખતે તે યુવાનને પરાણે પૈસા આપ્યા તો તેણે કહ્યું, “મને માત્ર વીસ રૂપિયા જ આપો! એનાથી વધુ ગેસ નહીં વપરાયો હોય! છેવટે મારા ખૂબ આગ્રહ પછી તે વધુમાં વધુ પચાસ રૂપિયા સ્વીકારવા તૈયાર થયો.
થોડા સમય અગાઉ એક શાકભાજીવાળાએ પણ આવો અનુભવ કરાવ્યો હતો.
મારે તો ભાગ્યે જ શાકભાજી લેવા જવાનું બનતું હોય, પરંતુ હું બહાર નીકળ્યો હતો અને કશુંક લાવવાનું હતું. એ વખતે મેં એક શાકભાજીવાળા પાસેથી લીલી સિંગ ખરીદી અને તેને સો રૂપિયાની નોટ આપી. એ પછી હું સિંગ લઈને ચાલતો થયો એટલે તે શાકભાજીવાળાએ બૂમ પાડીને મને પાછો બોલાવ્યો.
તેણે કહ્યું કે, “તમે પચાસ રૂપિયાની સિંગ લીધી છે એટલે પચાસ રૂપિયા મારે તમને પાછા આપવાના થાય છે.
મેં કહ્યું, “સોરી, હું તો ભૂલી ગયો હતો.
તો તે શાકભાજીવાળાએ કહ્યું, “તમે ભૂલી ગયા હતા, પણ હું ન ભૂલી શકું, કારણ કે એક દિવસ અહીંથી જવાનું છે અને સાથે કંઈ આવવાનું છે નહીં એટલે મારા હકના પૈસા ન હોય એ હું ન લઈ શકું.
ઘણા શ્રીમંતો નાની રકમ માટે ઝગડા કરતા હોય છે એવા કિસ્સાઓ મેં જોયા છે. એ શાકભાજીવાળા માટે પચાસ રૂપિયાની રકમ ચોક્કસ મહત્ત્વની હતી, પણ તેણે પ્રામાણિકતા જાળવવાનું પસંદ કરીને પચાસ રૂપિયા મને પાછા આપ્યા. હું પચાસ રૂપિયા પાછા લેવાનું હું ભૂલી ગયો હતો તેમાં કોઈનો વાંક પણ ન કહેવાત, પણ તેણે તે પૈસા પાછા આપ્યા.
આપણે આવી નાનીનાની વાતોની કદર કરતા નથી હોતા. દુનિયામાં આવા લોકોની સંખ્યા ઘટી રહી છે ત્યારે આવા લોકોને બિરદાવવા જોઈએ.
ઘણા શ્રીમંત લોકોના કડવા અનુભવો થતા હોય છે, કે ધનાઢ્ય લોકોના પરિચિતોને કે સગાંવહાલાંને કડવા અનુભવો થયા હોય એવા કિસ્સાઓ જાણવા મળતા હોય છે. જેમની પાસે ખૂબ પૈસો હોય, પણ મફતનું પડાવી લેવાનો મોકો મળે તો તેઓ એ તક ઝડપી લેતા હોય છે. દુનિયામાં મોટા ભાગના લોકો પૈસા પાછળ દોડતા હોય છે એવા સમયમાં આવા – ખારા રણમાં મીઠી વીરડી જેવા અનુભવ થાય ત્યારે સારું લાગે છે. દોસ્તો, જીવનમાં માત્ર પૈસાનું જ મહત્ત્વ ન હોવું જોઈએ. પૈસા જતા કરીને કે ન લઈને બીજાઓને સુખનો અનુભવ કરાવી શકાય. ક્યારેક અજાણ્યા લોકો પણ સુખનો પાસવર્ડ આપી શકે અને તેમની કદર કરીને આપણે તેને થોડી સુખની ક્ષણો આપવાની કોશિશ કરવી જોઈએ.