ક્યારેક અગાથા ક્રિસ્ટી અને જે. કે. રોલિંગે પણ ધૂળ ચાટવી પડે છે!

વીક એન્ડ

લોકોના ટેસ્ટ અને સમજને અવગણવાનું ગમે એવા ધૂરંધર સર્જકને ભારે પડી જતું હોય છે

ભાત ભાત કે લોગ-જ્વલંત નાયક

આમિર ખાનની ‘લાલસિંહ ચઢ્ઢા’ બહુ બુરી રીતે પીટાઈ ગઈ છે. એ સાથે જ બોક્સ ઓફિસ પર અક્ષય કુમારની ‘રક્ષાબંધન’ની રક્ષા કરવાવાળું ય કોઈ ન નીકળ્યું! આમિર અને અક્ષય, બંને જણે ભૂતકાળમાં એક એકથી ચડિયાતી ફિલ્મો આપી છે અને બંને સુપરસ્ટાર્સનો આગવો ચાહક વર્ગ છે, એનો ઇનકાર થઇ શકે એમ નથી. તેમ છતાં ઢગલેબંધ તહેવારો વચ્ચે રજૂ થયેલી બંને ફિલ્મો પીટાઈ ગઈ, એની પાછળના કારણો માત્ર આ બંને સ્ટાર્સે જ નહિ, પણ આખા બોલીવૂડે સમજવા પડશે. માનો યા ના માનો, હકીકત એ છે કે લોકોની સમજમાં જે બદલાવ આવી રહ્યો છે, એને પારખવામાં બોલીવૂડ નિષ્ફળ જઈ રહ્યું છે.
સોશિયલ મીડિયાના જમાનામાં તમે તમારા ટેસ્ટ મુજબનું જ રાંધીને પીરસો, અને એ બધું લોકોને ગળે ઉતરી જ જાય, એવી માન્યતા ભૂલભરેલી છે. ઉપરોક્ત બંને ફિલ્મોનો સોશિયલ મીડિયા પર વિરોધ થવાની શરૂઆત થઇ, અને બોક્સ-ઓફિસના આંકડાઓ પર એની અસર દેખાવા માંડી, ત્યારે પરિસ્થિતિનો સાચો તાગ મેળવવાને બદલે અર્જુન કપૂર જેવા તો ઊલટા લોકોને ભાંડવા બેઠા! ખેર, ભેંસના શીંગડા ભેંસને ભારી, આપણે શું?! આ લેખ માટે આપણી નિસ્બત લોકોની નાડ પારખવામાં નિષ્ફળ ગયેલી કૃતિઓ અને એના સુપર સ્ટાર સર્જકો પૂરતી સીમિત છે.
જો કે વાત ફિલ્મોની નથી, પણ કેટલાક પીટાઈ ગયેલા પુસ્તકો અને એના પ્રસિદ્ધ સર્જકોની છે. સફળ ફિલ્મ બનાવવાની માફક જ સફળ પુસ્તક લખવું પણ બહુ પળોજણનું કામ છે. વિષયની પસંદગી અને માવજતની સાથે સાથે લોકોના ટેસ્ટ અને વિચારસરણીનું પણ ધ્યાન રાખવું પડતું હોય છે. આ બધું કર્યા પછી વર્ષોની જહેમતને અંતે લખાયેલ પુસ્તક પણ પીટાઈ જાય એમ બને. ઘણા પ્રસિદ્ધ લેખકો સાથે આવું બન્યું છે.
અંગ્રેજી નોવેલ્સ, ખાસ કરીને હોરર અને સાયન્સ ફિક્શન વાંચતા હોય, એવા લોકો સ્ટિફન કિંગના નામથી પરિચિત હશે જ. પેટ સિમેટ્રી, ઇટ, ધ મિસ્ટ જેવી અનેક સફળ કૃતિઓ આપી ચૂકેલા સ્ટિફનને સાંપ્રત અંગ્રેજી સાહિત્યમાં ‘કિંગ ઓફ હોરર’નું બિરુદ મળ્યું છે. સાયન્સ ફિક્શન પણ સ્ટિફનના રસનો વિષય રહ્યો છે. ‘ધ ટોમીનોકર્સ’ નામના પોતાના પુસ્તકમાં સ્ટિફને હોરર અને સાયન્સના કોકટેલ જેવી કથા રચી છે. ૧૯૮૭માં પબ્લિશ થયેલી ‘ધ ટોમીનોકર્સ’ સ્ટિફનની સત્તરમી નોવેલ હતી. સ્ટિફને રિચાર્ડ બેકમેનના ભળતા નામથી લખેલી નોવેલ્સને પણ આ લિસ્ટમાં જોડીએ, તો ‘ધ ટોમીનોકર્સ’ને સ્ટિફનની બાવીસમી નોવેલ ગણવી પડે. સાદો અર્થ એ થાય કે આ નોવેલ લખતા પહેલા સ્ટિફન સાહેબને સારી એવી હથોટી આવી ગયેલી. તેમ છતાં ક્રિટીક્સે આ કૃતિને સાવ અધ્ધર જેવી જાહેર કરી! વાર્તાનો પ્લોટ એવો હતો કે એક સ્પેસ શિપને એક નાનકડા શહેરની જમીન નીચે દાટવામાં આવે છે. પણ સ્પેસ શિપના ભંગારે શહેર પર એવો દુષ્પ્રભાવ ફેલાવ્યો છે કે લોકોના કિચનમાં વપરાતા સાધનો, પોતાના જ માલિકોની હત્યા કરવા માંડ્યા! વાચકોને આખો પ્લોટ વાહિયાત લાગ્યો. આ પુસ્તકની ભારે ફજેતી થયા બાદ સ્ટિફને પણ સ્વીકારેલું, કે ‘હા ભાઈ સા’બ, મેં બહુ ભયાનક વાર્તા ઘસડી મારી છે!’ સ્ટિફને એ પણ સ્વીકાર્યું કે પોતે જ્યારે આ પુસ્તક પર કામ કરી રહ્યો હતો, ત્યારે સતત કોકેઈનના નશા હેઠળ લખતો હતો! જો કે એ પછી સ્ટિફને પોતાની ભૂલ સુધારી અને એક જ વર્ષમાં ધડાધડ ચાર હોરર નોવેલ્સ લખી નાખી, જેને લોકોએ પસંદ પણ કરી. અગાથા ક્રિસ્ટી વિષે આપણે અગાઉ આ સ્થળે વાત કરી ચૂક્યા છીએ. એવું કહેવાય છે કે અગાથા ક્રિસ્ટીના પુસ્તકો કરતા પણ વધુ વેચાણ ધરાવતું કશું જો હોય, તો એ છે શેક્સપિયર અને બાઈબલ. બીજા શબ્દોમાં કહીએ તો પુસ્તક વેચાણના ઇતિહાસમાં માત્ર બાઈબલ અને શેક્સપિયરની કૃતિઓ વેચાણમાં પ્રથમ અને દ્વિતીય ક્રમે છે. ત્રીજા ક્રમે તમારે અગાથા ક્રિસ્ટીને જ મૂકવા પડે. કેમકે આ માનુનીએ પોતાની તેજસ્વી કલમ વડે એક પછી એક જે જાસૂસી વાર્તાઓ આપી, એ કાળજયી કૃતિઓ ગણાય છે. અગાથા ક્રિસ્ટીએ ૮૦ જેટલા પુસ્તકો લખ્યા, જેમાં ૬૦ જેટલી ડિટેક્ટિવ નોવેલ્સ હતી. સ્વાભાવિક છે કે આટઆટલી કૃતિઓ પૈકી તમામે તમામ કંઈ ઉચ્ચકોટિની તો ન જ હોય. એ પૈકીની કેટલીક કૃતિઓ સાધારણ હતી, તો કેટલીક વળી નબળી ગણાય એવી ય હતી. જોકે ‘એલિફન્ટ્સ કેન રિમેમ્બર’ને ક્રિસ્ટીની સૌથી વાહિયાત કૃતિ ગણવામાં આવે છે.
આમ જુઓ તો ‘એલિફન્ટ્સ કેન રિમેમ્બર’ પણ અગાથા ક્રિસ્ટી બ્રાન્ડ ટિપિકલ ડિટેક્ટિવ નોવેલ જ હતી. આ નોવેલમાં પણ હરક્યુલ પોઈરો અને ઓલિવરના જાણીતા પાત્રો હતા જ. તેમ છતાં વિવેચકોએ આ કૃતિને ડાબા હાથેથી દૂર હડસેલી દેવાનું મુનાસિબ માન્યું. યાદ રહે, આ કૃતિ આવી એ સમયે ક્રિસ્ટી અનુભવ અને પ્રસિધ્ધિની ટોચે હતા. લોકો એમની કૃતિઓને વાંચવા તત્પર રહેતા. તેમ છતાં ‘એલિફન્ટ્સ…’ બુરી રીતે પીટાઈ ગઈ! વિવેચકોને લાગ્યું કે ‘એલિફન્ટ્સ…’ના લખાણમાં જરૂરી સાતત્યનો અભાવ છે. અનેક બાબતો નાહકનું પુનરાવર્તન પામે છે. આવી ત્રુટિઓ માટે કદાચ ક્રિસ્ટીની વધતી જતી આયુને જવાબદાર ગણવી પડે.
આ આખા મુદ્દાનું સૌથી રસપ્રદ પાસુ જો કોઈ હોય, તો એ છે યુનિવર્સિટી ઓફ ટોરન્ટો દ્વારા ઇ.સ. ૨૦૦૯ મા થયેલો એક તુલનાત્મક અભ્યાસ અને એના પરિણામો. આ અભ્યાસમાં અગાથા ક્રિસ્ટીએ પોતાની ૨૮ વર્ષની ઉંમરે લખેલી કૃતિથી માંડીને ૮૨ વર્ષની ઉંમરે લખેલી કૃતિઓનો તુલનાત્મક અભ્યાસ કરવામાં આવ્યો. આ અભ્યાસ ઉપરથી જણાયું કે વધતી ઉંમરની સાથે ક્રિસ્ટીના લખાણોમાં અલ્ઝાઇમરનો સાફ પ્રભાવ વર્તાતો હતો! (આપણે ત્યાં કોઈ યુનિવર્સિટી આવો સર્વે કરે ખરી? જો કરે તો એના પરિણામો શું આવે?!) ‘એલિફન્ટ્સ કેન રિમેમ્બર’માં જે સાતત્યનો અભાવ અને બિનજરૂરી પુનરાવર્તન જોવા મળ્યા, એ આ અલ્ઝાઇમરને પ્રતાપે જ. જો કે અગાથા ક્રિસ્ટીએ આપણને વાચનનો એવડો મોટો ખજાનો આપ્યો છે કે આવી એકાદ કૃતિને દરગુજર કર્યે જ છૂટકો.
…અને હવે પતિ સાથે છૂટાછેડા લઈને સિંગલ પેરન્ટ તરીકે સંઘર્ષ કરતી લેખિકા જોઆનની વાત. અઢી-ત્રણ દાયકાઓ પહેલા આ નામ સાવ અજાણ્યું હતું. જોઆને ૧૯૯૫માં એક નોવેલ લખી. સતત બાર જેટલા પ્રકાશકોએ એની કથાને છાપવા માટે નન્નો ભણ્યો. આખરે જેમતેમ કરીને એક પ્રકાશક તૈયાર થયો અને પુસ્તક પબ્લિશ થયું, એન્ડ રેસ્ટ ઇઝ હિસ્ટરી! એ પુસ્તક એટલે ‘હેરી પોટર એન્ડ ધી ફિલોસોફર્સ સ્ટોન’, અને એની લેખિકા એટલે જે. કે. રોલિંગ. હેરી પોટરે જે. કે. રોલિંગને કલ્પનાતીત સફળતા અપાવી. હેરી પોટરના એક પછી એક નવ વોલ્યુમ પ્રકાશિત કરીને જે. કે. રોલિંગ આજે એવી ઊંચાઈએ પહોંચી છે, જ્યાં પહોંચવાનું દરેક લેખકનું સપનું હોઈ શકે. રોલિંગની વાર્તાઓમાં આવતી જાદુઈ વાતો, ઊડતું ઝાડુ, વિચિત્ર પ્રાણીઓ અને ઊડતા ડ્રેગન્સે લોકોને ગજબનું ઘેલું લગાડ્યું છે. પણ રોલિંગે પોતાની વાર્તાઓના યુનિક સેલિંગ પોઈન્ટસ ગણાય એવા આ બધા જાદુઈ હથકંડાઓને બાજુએ મૂકીને ૨૦૧૨માં એક વાર્તા લખી, ‘ધ કેઝ્યુઅલ વેકેન્સી’. આ એક મર્ડર મિસ્ટ્રી હતી, જેમાં સેક્સ અને હિંસાને કોઈ પણ જાતના છોછ વિના પીરસવામાં આવ્યા! સામાન્ય માન્યતા એવી છે કે લોકોને બીજે કશે પડે ન પડે, પણ સેક્સમાં તો રસ પડે જ! પણ આ માન્યતા ‘ધ કેઝ્યુઅલ વેકેન્સી’ બાબતે ધરાર ખોટી પડી. ઊલટાનું આ પુસ્તક જે.કે. રોલિંગની સૌથી ફ્લોપ કૃતિ તરીકેની કુખ્યાતિ પામ્યું.
લોકોને ગલગલિયા કરાવે એવો મસાલો મોજૂદ હોવા છતાં વાચકોને કથાનક અત્યંત લાંબુ અને બોરિંગ લાગ્યું. એવું માનવામાં આવે છે કે હેરી પોટરની આકાશ આંબતી સફળતા બાદ જે. કે. રોલિંગ ભલે અઢળક નામ-દામ કમાયા, પણ સાથે જ એમના કપાળે ‘પરીકથાઓના લેખક’નું લેબલ ચોંટી ગયું! કદાચ આ લેબલ ભૂંસી નાખવાના ઝનૂનમાં જ રોલિંગે ધરાર એડલ્ટ ક્ધટેન્ટ ધરાવતી કથા ઘસડી મારી હોય, એમ બને. પણ લેખની શરૂઆતમાં જણાવ્યું એમ, લોકોના ટેસ્ટ અને સમજને અવગણવાનું ગમે એવા ધૂરંધર સર્જકને ભારે પડી જતું હોય છે. ‘ધ કેઝ્યુઅલ વેકેન્સી’ સાથે પણ કંઈક એવું જ થયું.
મૂળ વાત એ છે કે સર્જન એ સતત ચાલતી પ્રક્રિયા છે, અને સર્જકે આજીવન વિદ્યાર્થી બની રહેવું પડે છે. જો જરા સરખી ચૂક થાય, તો જનતા જનાર્દન સ્ટિફન કિંગ, અગાથા ક્રિસ્ટી અને જે. કે. રોલિંગ જેવા ધૂરંધરોને ય ધૂળ ચટાડી દેતી હોય છે! ક્યારેક કોઈ કૃતિ નિષ્ફળ જાય ત્યારે લોકોનો મૂડ અને પોતાની ભૂલ શોધી લેનાર સર્જક તરી જાય. પણ જો પોતાનો કક્કો જ ખરો સાબિત કરવા માટેની કોશિશ થાય તો પછી એની કેરિયરનો ભગવાન જ માલિક! આપણે આ રીતે અનેક સિતારાઓને ડૂબતા જોઈ જ ચૂક્યા છીએ ને?!
…અને આ લખાય છે ત્યારે એક વીડિયો ભારે વાયરલ થઇ રહ્યો છે, જેમાં ફિલ્મોને બોયકોટ કરનારાઓની ઠેકડી ઉડાડતા અનુરાગ કશ્યપ અને તાપસી પન્નુ કહી રહ્યા છે કે અમારી ફિલ્મનો પણ બોયકોટ કરો ને, અમે ય બોલીવૂડમાંથી જ આવીએ છીએ ને! હવે આને કહેવાય આ બૈલ મુઝે માર! ખેર, જૈસી જિસકી સોચ અને જેવા જેના નસીબ, આપણે શું?!

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.