સુરતના મગદલ્લામાં નવજાતને બિલ્ડિંગ પરથી ફેંકી દેવાની ઘટના હજુ તાજી જ છે ત્યાં શહેરમાં ફરીથી માનવતાને શર્મશાર કરે એવી ઘટના સામે આવી છે. સુરતના અડાજણ અને પાર્લે પોઈન્ટને જોડતા કેબલબ્રિજ પર એક બે માસનું બાળક બાળક ત્યજી દેવાયેલી હાલતમાં મળી આવ્યું હતું. રડવાનો અવાજ સંભળાતા રાહદારીઓનું ધ્યાન બાળક પર ગયું હતું. આ અંગે તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી. હાલ પોલીસની શી ટીમ બાળકની સારસંભાળ રાખી રહી છે. મજુર વર્ગનું દંપતી બાળકને ત્યજીને ફરાર થઇ રહ્યું હોઈ એવા CCTV ફૂટેજ સામે આવ્યા છે.
પોલીસને માહિતી મળી હતી કે અડાજણ કેબલ બ્રિજ પર કોઈ બાળકને ત્યજી જતું રહ્યું છે. ઉચ્ચ અધિકારીઓ તુરંત ઘટના સ્થળે દોડી ગયા હતા. બાળકને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લઇ જવાયું હતું, જ્યાં ડોકટરોએ બાળક સ્વસ્થ હોવાનું જણાવ્યું હતું. હાલ પોલીસની શી ટીમ બાળકનું ધ્યાન રાખી રહી છે. નર્સિંગ સ્ટાફ પણ હાજર છે. બાળકને દર બે કલાકે દૂધ આપવામાં આવી રહ્યું છે.
બીજી તરફ પોલીસ બાળકના માતા-પિતાને શોધવા માટેનો પ્રયાસ કરી રહી છે. એક સ્ત્રી અને એક પુરુષ બાળકને એક બંધ ટોપલામાં લઇ જતા હોય એવા CCTV ફૂટેજ સામે આવ્યા છે. આ સીસીટીવી ફૂટેજને આધારે પોલીસે માતા પિતાને શોધવા માટે તપાસ હાથ ધરી છે. પાપ છુપાવવા કોઈ બાળક ત્યજીને ફરાર થઈ ગયું હોવાની શંકા સેવાઇ રહી છે. પોલીસે અજાણ્યા શખ્સ વિરુદ્ધ કલમ 317 મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
નિષ્ઠુર માનવતા: સુરતમાં કોઈ બે માસના બાળકને બ્રીજ પર છોડી ગયું, ઘટના CCTVમાં કેદ
RELATED ARTICLES